Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

કાલે આશૂરાહ : સેંકડો વર્ષમાં પહેલીવાર તાજીયા જુલૂસ મોકૂફ

કરબલાના શહીદોની સ્મૃતિ જીવંત : સાદગીભેર મહોર્રમ મનાવતો મુસ્લિમ સમુદાય : વૈશ્વિક મહામારીના લીધે કોઇ આયોજનો થયા નહીં : સવારે વિશેષ નમાઝ બાદ દુઆઓ થશેઃ કબ્રસ્તાનમાં શ્રાધ્ધ તર્પણ કરાશેઃ આજે અને કાલે રોઝા

રાજકોટમાં બનેલા તાજીયા : જંગલેશ્વરમાં ઇમામખાનામાં જ રહેશે : મહોર્રમનો ગમ : રાજકોટ શહેરના જંગલેશ્વર વિસ્તારમાં (૧) તવક્કલ તાજીયા કમિટી (ર) મા'સુમ તાજીયા કમિટી (૩) નિસ્બત તાજીયા કમિટી (૪) હુસેની ચોક તાજીયા કમિટી સહિતના પાંચથી ૬ તાજીયા દર વર્ષની જેમ યથાવત બનાવાયા છે. જે માત્રને માત્ર જે તે ઇમામખાનામાં જ રાખવામાં આવશે. આ ઉપરાંત સબિલ પણ બનાવાઇ છે. મહોર્રમનો ગમ પ્રવર્તે છે જો કે અન્ય તમામ કાર્યક્રમો મોકૂફ રહ્યાનું મુસ્લિમ અગ્રણી સૈયદ મુન્નાબાપુએ જણાવ્યું હતું. તસ્વીરમાં જે તાજીયાઓ બનાવાયા છે તે નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(ફાઇખ દ્વારા) રાજકોટ તા. ૨૯ : ગત તા. ૨૧ને શુક્રવારના રોજથી શરૂ થયેલી ઇસ્લામી નૂતન વર્ષની સાથે મહોર્રમ માસનો પ્રારંભ થતાં જ મુસ્લિમ સમાજ કરબલાના શહીદોની સ્મૃતિઓ જીવંત કરી રહેલ છે ત્યારે આવતીકાલે ૧૦મી મહોર્રમના દિવસે ખાસ કરીને મુસ્લિમ સમાજ 'આશૂરાહ'નો દિવસ મનાવશે.

અત્રે એ નોંધનીય છે કે, મહોર્રમ માસ આવતા જ મુસ્લિમ સમાજમાં શોકનો માહોલ વર્તાતો હોય છે તો બીજી તરફ ખાસ કરીને આ માસમાં કરબલાના શહીદોની સ્મૃતિમાં 'તાજીયા' બનાવવામાં આવે છે અને તેને ૯મી મહોર્રમના દિવસે સાંજે જાહેર દર્શનાર્થે બહાર લાવી ૧૦મી મહોર્રમના રાત્રે પરત ઇમામખાનામાં મૂકવામાં આવે છે.

જો કે આ વખતે વૈશ્વિક મહામારીના લીધે રાજ્ય સરકાર દ્વારા ધાર્મિક મેળાવડાઓ ઉપર અને સમૂહ એકત્ર કરવા ઉપર પ્રતિબંધ છેલ્લા કેટલાય લાંબા સમયથી ચાલી રહેલ હોઇ આ વખતે આ તાજીયા બનાવવામાં આવ્યા નથી એ ઉપરાંત જુલૂસનું પણ આયોજન કરવામાં આવેલ ન હોઇ મહોર્રમ પર્વમાં સર્વત્ર સાદાઇ જોવા મળી રહી છે.

આ ઉપરાંત મહોર્રમ માસ નિમિતે દસ દિવસ સુધી જે તે વિસ્તારોમાં હુસેની મજલિસોના જાહેર કાર્યક્રમ યોજાય છે એ ઉપરાંત જાહેર સ્થળોએ પાણી - સરબત વિતરણની સબિલો બનાવવામાં આવે છે અને સાંજ પડતા જ જાહેર નિયાઝ - પ્રસાદના કાર્યક્રમો યોજાતા હોય છે જે પણ આ વખતે મોકૂફ રહ્યા છે.

જેના લીધે મહોર્રમ માસમાં કોઇ આયોજનો શકય નહીં થતા આવતીકાલે 'આશૂરાહ' જે મહત્વનો દિવસ છે તે સંપૂર્ણ સાદગીભેર ઉજવાશે.

આ તકે ખાસ કરીને આશૂરાહની વિશેષ નમાઝ મુસ્લિમ ભાઇ-બહેનો પઢી વિશેષ દુઆઓ કરશે અને કબ્રસ્તાનમાં પણ જઇ પોતાના સ્વજનો, આપ્તજનો માટે શ્રાધ્ધ તર્પણ કરશે.

જ્યારે શહીદોની સ્મૃતિમાં શનિ અને રવિવાર બે દિ' રોઝા અનેક લોકો રાખશે. જો કે કેટલાક લોકો તો ૧૦ દિ'ના રોઝા કરી રહ્યા છે.

બીજી તરફ આશૂરાહ પર્વ સંપૂર્ણ સાદગીભેર મનાવવામાં આવનાર હોઇ એ ઉપરાંત હાલની પરિસ્થિતિના લીધે લોકો વધુ પ્રમાણમાં ઘરમાં જ રહેતા હોઇ સોશ્યલ ડિસ્ટન્સનું પણ આપોઆપ પાલન થઇ જશે. એટલું જ નહીં ઘરમાં વધુ પ્રમાણમાં સમય પસાર થતો હોઇ બહારની આવ-જા નહિવત હોવાના કારણે આ વખતે આશૂરાહનો રોઝો રાખનારાની સંખ્યા પણ વધી જશે તેવો બૌધ્ધિકોનો મત પ્રવર્તે છે.

એ જગજાહેર છે કે, દર વર્ષે મહોર્રમ માસનો પ્રારંભ થતાં જ કરબલાના શહીદોની યાદ તાજી કરવામાં આવે છે અને તેમાં પણ ખાસ કરીને જે તાજીયા સ્મૃતિના પ્રતિકરૂપ બનાવવામાં આવે છે તેને નિહાળવા હિન્દુ - મુસ્લિમ સમાજનો સમૂહ ઉમટી પડે છે.

જો કે વૈશ્વિક મહામારીના લીધે છેલ્લા છ માસમાં ઇસ્લામ ધર્મની મહત્વની પવિત્ર રાત્રિ 'શબે બારાત, રમઝાન માસ, ઇદુલ ફિત્ર અને છેલ્લે ઇદુલ અદહા' સહિતના અનેક ઉર્ષના કાર્યક્રમો પણ સંપૂર્ણ સાદાઇ સાથે પસાર થઇ ચૂકયા છે ત્યારે આ વખતે મહોર્રમ માસ અને આશૂરાહ પર્વ પણ સાદગીભેર ઉજવાતા છેલ્લા અંદાજે ૧ હજાર વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર આ ઘટના ઘટી છે કે આ વખતે તાજીયા જુલૂસ મોકૂફ રહેલ છે.

જો કે ઇસ્લામી પંચાગનો ૧૨મો મહીનો જીલ હજ્જમાં ઇદુલ અદહા ઉજવાઇ હતી જે પર્વ બલિદાનની ભાવના પ્રકટ કરે છે. જ્યારે ઇસ્લામી મહિના મહોર્રમ માસમાં પણ ઘણી ઘટનાઓ અંકિત થઇ છે અને આ મહિનાનું અનેરૃં મહત્વ છે.

જેમાં પણ ખાસ કરીને ઇરાક દેશના કરબલા શહેરની ધગધગતી ધરા ઉપર ૧૩૮૧ વર્ષો પહેલા બનેલી કરૂણ ઘટના પણ બલિદાનની ભાવના પ્રકટ કરતી હોય ઇસ્લામી વર્ષની શરૂઆત અને તેનો અંત હંમેશા બલિદાનની ભાવના ઉપર નિર્ભર રહ્યા છે.

આશૂરાહના દિવસે અનેક ઘટનાઓ અંકિત થઇ છે પરંતુ ખાસ કરીને આ મહિનામાં ઇસ્લામ ધર્મના મહાન અને અંતિમ પૈગમ્બર હઝરત મુહમ્મદ સાહેબના દૌહિત્ર હઝરત ઇમામ હુસૈન એ પોતાના ૭૨ સાથીદારો પરિવારજનો સાથે ઇસ્લામ ધર્મની કાજે આપેલી ભવ્ય આહૂતિને યાદ કરવામાં આવે છે. જેનો મુખ્ય દિવસ જ 'આશૂરાહ'નો દિવસ છે.

૧૯૪૭ના ભાગલા વખતે પણ જુલૂસ ઉપર કોઇ પ્રતિબંધ ન હતો

નવી દિલ્હી તા. ર૯ : જગપ્રસિધ્ધ હઝરત નિઝામુદીન ઔલિયા (રહે.)ની દરગાહના ખાદીમ સૈયદ કશિફ નિઝામીએ કહયું હતું કે, દિલ્હીમાં મધ્યયુગથી મોહર્રમ  નિમિતે તાજિયાનું જુલુસ કાઢવામાં આવે છે. પરંતુ છેલ્લા ૭૦૦ વર્ષમાં આવું પ્રથમ વખત બન્યું છે કે, આ વર્ષે મોહર્રમ નિમિતે આ જુલુસ કાઢવામાં નહીં આવે. તેમણે જણાવ્યું હતું કે, ૧૯૪૭ ના ભાગલા વખતે પણ દરગાહની અંદર તાજિયાનું જુલુસ કાઢવા પર કોઇ પ્રતિબંધ ન હતો. પરંતુ આ વર્ષે કોરોના વાયરસ મહામારીના કરણે દિલ્હી સરકારે અને કેન્દ્ર સરકારે આ જુલુસની પરવાનગી આપી નથી.

શાહ-એ મરદાં દરગાહ અને અંજુમને કરબલા કમિટીના સભ્ય ગૌહર અસગર કાસમીએ કહયું હતું કે, દર વર્ષે મોહર્રમના પ્રથમ દિવસેથી જ મજલિસ શરૂ થઇ જાય છે અને ઘણા સ્થળોએ તાજિયા પણ રાખવામાં આવે છે. પરંતુ આ વર્ષે ફકત ઇમામવાડામાં જ મજલિસનું આયોજન કરવામાં આવ્યું છે અને લોકોને સામાજિક અંતર જાળવી આ મજલિસમાં હાજર રહેવાની પરવાનગી આપવામાં આવી છે.

ચંદ્રદર્શન નહીં થતા, મહોર્રમ માસ

માટે 'ગવાહી' લેવાનો, ચાર વર્ષે ફરી,'રાજકોટ'માં પ્રસંગ સર્જાયો

ઇસ્લામી નૂતન વર્ષના પ્રારંભના ૬ દિ' પહેલાંનો અકિલાનો અહેવાલ સત્ય ઠર્યો

રાજકોટ તા. ર૯ : આ વખતે વરસાદી માહોલના લીધે ગત તા. ર૦-૮-ર૦ર૦ના ગુરૂવારે સાંજે ઇસ્લામી પંચાગના ૧૧મા મહિના જીલ હજજના ર૯મા દિવસે આકાશમાં ચંદ્રદર્શન સૌરાષ્ટ્રના અનેક સ્થળોએ જોવા મળેલ નહીં જેથી પીપળીયા રાજ અને ગોંડલથી ચંદ્રની 'ગવાહી' લાવવામાં આવી છે.

જો કે જામનગરમાં ચંદ્રદર્શન જોવા મળેલ જેની ગવાહી સર્વત્ર પહોંચી છે અને મુંબઇ સહિત અનેક વિસ્તારોમાં પણ ગવાહી લેવામાં આવી છે ત્યારે રાજકોટમાં મહોર્રમ માસ માટે 'ગવાહી' લેવી પડે તેવો પ્રથમ પ્રસંગ ર૦૧૬ માં સર્જાયો હતો જેના ૪ વર્ષ પછી ફરી આ પ્રસંગ સર્જાયો છે.

બીજી તરફ ગત તા. રર-૮-ર૦ર૦ના ઇસ્લામી નૂતન વર્ષ હોવાનો મહોર્રમ માસના પ્રારંભના છ દી' પૂર્વે અહેવાલ 'અકિલા' દૈનિકમાં પ્રસિધ્ધ કરાયો હતો જે અક્ષરસઃ વધુ એકવાર સત્ય ઠર્યો છે જેની પ્રતિકૃતિ અહીં રજૂ છે અને કયાંય ચંદ્રદર્શન તો કયાંક ગવાહીના આધારે રવિવારે કાલે એક સાથે 'આશૂરાહ' પર્વ મનાવાશે.

(3:32 pm IST)