Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

સોમવારથી રાજકોટ જિલ્લાના ૬૦૬૬ ઔદ્યોગિક એકમોમાં કોરોના સંદર્ભે આરોગ્ય ચકાસણી

૧ લાખથી વધુ શ્રમિકો, કર્મચારીઓને આવરી લેવા અભિયાનઃ ડી.ડી.ઓ. અનિલકુમાર રાણાવાસિયા : કુવાડવા, મેટોડા, શાપર, પડવલા, લોઠડા, બામણબોર વગેરે વિસ્તારોનો સમાવેશ

રાજકોટ, તા., ૨૯: જિલ્લા પંચાયત દ્વારા જિલ્લાની ઔદ્યોીગક વસાહતોના શ્રમિકો અને વહીવટી કર્મચારીઓની આરોગ્ય ચકાસણી માટે સોમવારથી એકાદ અઠવાડીયાનું અભિયાન શરૂ થનાર છે. પંચાયત દ્વારા જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા  મોહનના માર્ગદર્શન હેઠળ જિલ્લા વિકાસ અધિકારી શ્રી અનિલકુમાર રાણાવાસિયા દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે.

ડી.ડી.ઓ.શ્રી રાણાવાસિયાએ આજે અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે જિલ્લામાં કુવાડવા, મેટોડા, શાપર, બામરણબોર, જામવાડી, પડવલા, લોઠડા વગેરે ઔદ્યોગિક વસાહતોમાં સોમવારથી  શ્રમિકો અને વહીવટી કર્મચારીઓના આરોગ્યની સઘન ચકાસણી શરૂ થશે. પંચાયત દ્વારા ૬૦૬૬ ઔદ્યોગિક એકમો માટે ૪૭૬  ટીમો બનાવવામાં આવી છે. સરેરાશ ૨૦૦ની વસ્તી દીઠ એક ટીમ કાર્યરત રહેશે. જે તે ઔદ્યોગિક વસાહતના નિયત સ્થળે અને નિયત સમયે ટીમ જશે અને તે વિસ્તારના ઉદ્યોગોમાં કામ કરતા શ્રમિકો તેમજ અન્ય  કર્મચારીઓના શરીરના તાપમાનની ચકાસણી કરવામાં આવશે તેમજ ઓકિસજનનું સ્તર માપવામાં આવશે. તાવ, શરદી, ઉધરસ, કફ જેવા કોરોનાના કોઇ લક્ષણ જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્રમાં સારવાર આપવામાં આવશે. જરૂર જણાય  તો કોવીડ કેન્દ્રમાં ખસેડવામાં આવશે.કુલ ૬૦૬૬ ઉદ્યોગોના એક લાખથી વધુ શ્રમિકો અને કર્મચારીઓની ચકાસણી થશે. એક સપ્તાહમાં સંપુર્ણ કામગીરી પુરી કરવાનો લક્ષ્યાંક છે. જેની ચકાસણી કરવામાં આવે  તેણે કોઇ ચાર્જ ચુકવવાનો રહેશે નહી. વ્યવસ્થામાં જે તે વિસ્તારના ઉદ્યોગ સંગઠનો સહયોગી બની રહયા છે. એક વખત ચકાસણી કર્યા બાદ આરોગ્ય પર નિયમિત ધ્યાન રહે તે માટે જે તે ઉદ્યોગ ગૃહ સાથે સંકલન કરી તેના નોડલ અધિકારી નિયુકત કરવામાં આવશે.

ડી.ડી.ઓ.એ પ્રજાજનો જોગ અપીલ કરેલ કે કોઇને કોરોનાને લગતા કોઇ લક્ષણ જણાય તો કોઇ હિચકિચાટ વિના ત્વરીત નજીકના દવાખાનાનો સંપર્ક કરવો જોઇએ. જે પરીવારમાં કોરોનાના દર્દી હોય તેના પાડોશીઓએ પણ તેના માટે સહાનુભુતી અને સહયોગપુર્ણ વર્તન રાખી પાડોશી ધર્મ બજાવવો જોઇએ.

(11:19 am IST)