Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

જંગલેશ્વરમાં આરોગ્ય કેન્દ્રના આરોગ્યકર્મીઓની કાબીલેદાદ કામગીરી

ઓગસ્ટ માસમાં ૧૬૦૦થી વધુ લોકોના આરોગ્યની ચકાસણી કરીને ૪૦૦ હેલ્થ કાર્ડ ઈશ્યુ

રાજકોટઃ ૮મી માર્ચના રોજ મકકા-મદીનાથી ધાર્મિક યાત્રા કરીને કોરોનાથી સંક્રમિત થઈને રાજકોટ પરત ફરેલા નદીમભાઈની સારવારથી લઈને અનેક લોકોના આરોગ્યની તપાસ કરીને જંગલેશ્વરને કોરોના હોટસ્પોટમાંથી મુકિત અપાવનાર જંગલેશ્વર પ્રણામી આરોગ્ય કેન્દ્રના આરોગ્યકર્મીઓ આજ દિન સુધી ખડેપગે રહીને ફરજ નિભાવી રહ્યા છે.

 લોકોને કોરોનાના સંક્રમણથી બચાવવા પોતાની ટીમ સાથે નક્કર કામગીરી કરતાં ડો.શાહિન ખોખરે કહ્યું હતું કે, ''રાજકોટને કોરોનામુકત બનાવવાના અભિયાનમાં પ્રણામી આરોગ્ય કેન્દ્રના આરોગ્યકર્મીઓ, ટેકનિશ્યન, આશા વર્કરો અને અન્ય સ્ટાફ પુરા જુસ્સા-હિંમત સાથે કોરોના સામે લડાઈ લડી રહ્યા છે. લોકોના ઘરે-ઘરે જઈને તેમના આરોગ્યની ચકાસણી કરવામાં આવી રહી છે. જે અન્વયે ઓગસ્ટ મહિનામાં પ્રણામી આરોગ્ય કેન્દ્ર દ્વારા મહેશ્વરી સોસાયટી, ન્યુ સાગર સોસાયટી, વિવેકાનંદ સોસાયટી અને નિલકંઠ પાર્ક સહિત કુલ ૧૭૭૬ જેટલા લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી છે.''  આ ઉપરાંત રાજકોટમાં કોરોનાનું સુપર સ્પ્રેડિંગ થતું અટકાવવા માટે શાકભાજી વેચનાર ફેરિયાઓ, વાણંદ, કરિયાણાની દુકાન ધરાવતા વેપારીઓના પણ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા છે. ઓગસ્ટ માસમાં કુલ ૧૨૫૮ લોકોના એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૩૯ લોકોના એન્ટીજન ટેસ્ટ પોઝીટીવ આવ્યા છે. તેમજ ૪૦૦ લોકોને હેલ્થ કાર્ડ ઈશ્યુ કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધીમાં ૧૫૧ કોરોના પોઝીટીવ કેસ સામે આવ્યા છે. જેમાંથી હાલ ૧૮ કોરોના પોઝીટીવ લોકો સારવાર લઈ રહ્યા છે તેમ ડો.શાહિને જણાવ્યું હતું.

(2:31 pm IST)