Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

હત્યા કેસમાં ત્રણ વર્ષથી જેલમાં રહેલ આરોપીના જામીન મંજુર થયા

આરોપીના F.S. લેવાય ત્યાં સુધીજ અંશઃત જામીન આપ્યા

રાજકોટ તા. ર૯: હત્યા કેસમાં સંડોવાયેલા અને ત્રણ વર્ષથી જેલમાં રહેલા આરોપીને રાજકોટની સેસન્સ કોર્ટે આરોપી ઇકબાલ પારેડીને જામીન મુકત કરવાનો હુકમ કર્યો છે.

આ કેસની વિગત મુજબ આ કામના આરોપી ઇકબાલ ફતેમામન પારેડીને તા. ૧૦/૦૭/ર૦૧૭ ની રાત્રીના ગુજરનાર મહમદભાઇ તથા સાહેદ શાહરૂખ સાથે માથાકુટ થયેલ હોય તે બાબતે ફરીવાર તા. ૧૧/૦૭/ર૦૧૭ના રોજ પોપટપરા બસ સ્ટેન્ડ પાસે ફરીથી ઝઘડો થયેલ જેમાં આરોપી ઇકબાલ પારેડીએ ગુજરનાર મહમદભાઇને પેટમાં સાહેદ નીઝામભાઇને છાતીમાં તેમજ સાહેદ અબ્બાસભાઇને સાથળના ભાગે છરીના ઘા માર્યા હતા અને અન્ય આરોપી હુશેને તેના હાથમાં રહેલ લોખંડ સીધું કરવાની ડાંગથી સાહેદ અબ્બાસભાઇને માથામાં મારેલ જયારે સાહેદ શાહરૂખને આરોપી ફતેમામદભાઇએ ઢીકાપાટુનો માર મારેલ હતો. ત્યારબાદ સારવાર દરમ્યાન મહમદભાઇ અયુબભાઇ માલાણીનું મૃત્યુ થતા બનાવ હત્યામાં પરીણામેલ હતો.

ત્યારબાદ પોલીસે આરોપી નં. (૧) ઇકબાલ પારેડી (ર) હુશેન પારેડી તથા ફતેમામદ પારેડી વિરૂધ્ધ આઇપીસી કલમ ૩૦ર, ૩ર૩, પ૦૪, ૧૧૪ અન્વયે ગુન્હો નોંધી ત્રણેય આરોપીઓની ધરપકડ કરેલી અને મુખ્ય આરોપી ઇકબાલ છેલ્લા ત્રણ વર્ષથી જેલમાં રહેલ હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે આ બનાવની ક્રોસ ફરીયાદ પણ નોંધાયેલી તથા ર૦૧૯ના વર્ષમાં આ કેસના એક આરોપી હુશેન પારેડી ઉપર ફાસ્ટ ટ્રેક કોટૃમાં હુમલો પણ થયેલ હતો.

હાલ ત્રણ વર્ષથી જેલમાં રહેલ આરોપી ઇકબાલ પારેડીએ રાજકોટ સેશન્સ કોર્ટમાં જામીન ઉર છુટવા અરજી કરેલી જેમાં તમામ પક્ષોની રજુઆતો, કેસના બદલાયેલા સંજોગો, હાલની પરિસ્થિતિ વિગેરે ધ્યાને લઇ રાજકોટના મહે. મુખ્ય જીલ્લા ન્યાયધીશશ્રી ઉત્કર્ષક દેસાઇએ આરોપી ઇકબાલની જામીન અરજી અંશતઃ મંજુર કરી આરોપીનું એફ.એસ. લેવાઇ ત્યાં સુધીના જામીન મંજુર કરેલ છે.

આ કામે આરોપી વતી રાજકોટના વકીલશ્રી રૂપરાજસિંહ પરમાર, અજીત પમાર, તથા ભરત સોમાણી રોકાયેલ હતા.

(2:35 pm IST)