Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

બેડી બાયપાસ પાસે 'હિટ એન્ડ રન': વૃધ્ધનું મોત

મોબી રોડ વેલનાથપરાના વૃધ્ધ હરિકૃષ્ણભાઇ જોષી ગ્રીનલેન્ડ ચોકડીએ સિકયુરીટી ગાર્ડની નોકરીએ બાઇક પર જતા'તા ત્યારે અજાણ્યો વાહનચાલક ઠોકરે લઇ ભાગી ગયો

રાજકોટ તા. ૨૯: ભગવતીપરાથી આગળ બેડી બાયપાસ નજીક હિટ એન્ડ રનની ઘટનામાં મોરબી રોડ વેલનાથપરાના બ્રાહ્મણ વૃધ્ધ હરિકૃષ્ણભાઇ જયંતિલાલ જોષી (ઉ.વ.૬૫)નું મોત નિપજતાં પરિવારમાં શોક છવાઇ ગયો છે.

હરિકૃષ્ણભાઇ જોષી અગાઉ બેડી ખાતેની મારવાડી કોલેજમાં સિકયુરીટી ગાર્ડ હતાં. લોકડાઉનમાં કોલેજ બંધ હોઇ હાલમાં ગ્રીનલેન્ડ ચોકડી પાસેના શો રૂમમાં સિકયુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતાં હતાં. સાંજે તેઓ ઘરેથી બાઇક હંકારી નોકરીએ જવા નીકળ્યા ત્યારે બેડી બાયપાસ પાસે અજાણ્યો વાહનચાલક ઠોકરે લઇ ભાગી જતાં તેમને ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતાં. અહિ આજે દમ તોડી દેતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝનમાં જાણ કરી હતી. મૃત્યુ પામનારને સંતાનમાં એક પુત્રી અને બે પુત્ર છે. તેઓ બે ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. પોલીસે અકસ્માત સર્જી ભાગી ગયેલા વાહનચાલકની શોધખોળ હાથ ધરી છે.

(3:34 pm IST)