Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

એક સાથે ચાર ગુનેગારને પાસામાં ધકેલતા પોલીસ કમિશનર અગ્રવાલ

દેહવ્યાપારના ગુનામાં સંડોવાયેલા રોયલ પર્કાના સંદિપ, આરએમસી કવાર્ટરના પ્રકાશ ઉર્ફ જોની, મારામારીમાં સામેલ હનુમાન મઢીના કાસમ અને ચિલઝડપમાં સામેલ હરિહર ચોકના સમીરને જુદી-જુદી જેલમાં ધકેલાયા : પીસીબી પીઆઇ એન. કે. જાડેજા અને ટીમની દરખાસ્તો મંજુર થઇ

પાસામાં ધકેલાયેલા ચાર શખ્સો સંદિપ, પ્રકાશ, કાસમ અને સમીર

રાજકોટ તા. ૨૯: જુદા જુદા ગુનાઓમાં સામેલ શખ્સો સામે પોલીસ કમિશનર સમયાંતરે પાસાનું શસ્ત્ર ઉગામતા રહે છે. તાજેતરમાં ૧૧ શખ્સોની ટોળકી કે જે સંગઠીત ગુનાખોરી આચરતી હતી તેની સામે ગુજકોટોક હેઠળ ગુનો નોંધ્યો હતો.  વધુ ચાર શખ્સોએ એક સાથે પાસામાં ધકેલવા મનોજ અગ્રવાલે વોરન્ટ ઇશ્યુ કર્યા છે. પીસીબીની ટીમે મુકેલી આ દરખાસ્તો મંજુર થઇ હતી.

જેને પાસા તળે ભુજ, પોરબંદર, જેલમાં ધકેલાયા છે તેમાં રોયલ પાર્ક-૧૦ લક્ષ્મી એપાર્ટમેન્ટ યુનિવર્સિટી રોડ પર રહેતાં સંદિપ મહાસુખભાઇ કામદાર (ઉ.વ.૪૩), સાધુ વાસવાણી રોડ  ત્રિલોક પાર્ક પાસે આરએમસી કવાર્ટર બ્લોક ૬/૮૦માં રહેતાં  પ્રકાશ ઉર્ફ જોન જેન્તીલાલ જીવરાજાની (ઉ.વ.૩૭), હનુમાન મઢી પાછળ હિરામનનગર-૪માં રહેતાં કાસમ આરીફભાઇ કાલાવડીયા (ઉ.વ.૩૧) તથા હરિહર ચોક દાતાર બાપુના તકીયા પાસે રહેતાં સમીર કાસમભાઇ બ્લોચ (ઉ.વ.૨૫)નો સમાવેશ થાય છે. જેમાં સંદિપ અને પ્રકાશને પોરબંદર તથા ભુજ જેલમાં અને કાસમ તથા સમીરને ભુજ જેલમાં ધકેલાયા છે.

સંદિપ તથા જોન એ-ડિવીઝન અને યુનિવર્સિટી વિસ્તારમાં દેહવ્યાપારના ગુનામાં પકડાયા હતાં. જ્યારે કાસમ મારામારીમાં તથા સમીર ચિલઝડપ જેવા ગુનામાં સંડોવાયો હતો. આ ચારેયને પાસામાં ધકેલવાની દરખાસ્ત પીસીબીના પીઆઇ એન. કે. જાડેજા, હેડકોન્સ. રાજેન્દ્રકુમાર દહેકવાલ, શૈલેષભાઇ રાવલ, કોન્સ. ઇન્દ્રજીતસિંહ સિસોદીયા અને લોકરક્ષક રાહુલગીરી ગોસ્વામીએ કરી હતી. વોરન્ટ બજવણીમાં યુનિવર્સિટી પોલીસ, એ-ડિવીઝન પોલીસ, ગાંધીગ્રામ પોલીસ અને તાલુકા પોલીસે પણ કાર્યવાહી કરી હતી. જોઇન્ટ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં પીસીબીની ટીમે કાર્યવાહી કરી હતી.

(3:35 pm IST)