Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

અમૂક બિલ્ડરોએ વરસાદી પાણી ઠાલવતા જળબંબાકારઃ નાલંદા સોસાયટીમાં વિકટ સ્થિતી

પૂર્વ મંત્રીએ મ્યુ. કમિશનરની આંખ ઉઘાડતો વિડીયો મોકલી યાતના દર્શાવી : સોસાયટી પાસેની સાઇટમાંથી સતત રસ્તા પર પાણી છોડાતાં નદીઓ ચાલુઃ મેદાનમાં ગંદકીથી રહીશો ત્રાહીમામઃ તાત્કાલીક પગલા લેવા માંગ ઉઠાવતા ઉમેશ રાજયગુરૂ

રાજકોટ, તા., ૨૯: શહેરમાં સતત વરસાદથી શહેરનાં અનેક વિસ્તારોમાં ચાલતી બાંધકામ સાઇટોના ખાડાઓમાં પાણી ભરાયા છે ત્યારે કેટલાક બિલ્ડરો દ્વારા તેઓની સાઇટના ખાડામાંથી કે ભોયરામાંથી પાણી ઉલેચીને જાહેર રસ્તા પર છોડવામાં આવતા અનેક સોસાયટીઓ અને વિસ્તારોમાં જળબંબાકાર સ્થિતિ સર્જાઇ ગઇ છે. કાલાવડ રોડ પર આવેલ નાલંદા સોસાયટીમાં ઉપાશ્રય પાસે બની રહેલી એક બિલ્ડીંગમાંથી આ રીતે વરસાદી પાણી છોડવામાં આવતા સ્થિતિ અત્યંત ખરાબ થઇ ગયાનો આક્રોશ પુર્વ બંદર મંત્રી ઉમેશ રાજયગુરૂએ કર્યો છે. તેઓ આ વિસ્તારમાં રહે છે તેમણે આ અંગેનો વિડીયો ઉતારીને મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલને મોકલીને આ સમસ્યા ઉકેલવા માંગ ઉઠાવી છે. વરસાદના કારણે ભરાયેલ પાણી ઉલેચીને રસ્તા પર ઠાલવવાના બદલે તેનો બિલ્ડર દ્વારા યોગ્ય રીતે નિકાલ કરવામાં આવે તેવી માંગણી તેમણે કરી છે.

શહેરમાં કાલાવડ રોડ વિસ્તારમાં આવેલ નાલંદા સોસાયટીમાં ચાલતી બાંધકામ સાઇટમાંથી પાણી ઉલેચીને જાહેર રોડ ઉપર છોડીને ગંદકી ફેલાવાતા હોવાનો વિડીયો ઉતારી અને મ્યુ. કમિશનરશ્રીને મોકલ્યો હતો અને આ વિડીયોમાં ઉમેશભાઇએ મ્યુ. કમિશનરશ્રીને સંબોધીને કહયુ઼ છે કે કાલાવડ રોડ નાલંદા સોસાયટી વિસ્તાર પાસે ચાલતી બાંધકામ સાઇટનાં ખાડામાં વરસાદી પાણી ભરાતા આ સ્થળનાં બિલ્ડર દ્વારા સોસાયટીના જાહેર રોડ પર છોડવામાં આવી રહયું છે. જેના કારણે અહી સફાઇના અભાવે ગંદકીવાળા ખુલ્લા પ્લોટમાં ગંદા પાણીના તળાવડા ભરાયા છે.

માખી-મચ્છરનો અસહ્ય ત્રાસ છે. જેથી રોગચાળો ફેલાવાની સ્થિતિ છે. ત્યારે આ સમસ્યા ઉકેલવા મ્યુ. કમિશનરશ્રી તાત્કાલીક પગલા લ્યે તેવી માંગ શ્રી રાજયગુરૂએ ઉઠાવી છે.

રાજમાર્ગોની પણ આવી જ સ્થિતિ

આ ઉપરાંત શહેરના અન્ય રાજમાર્ગોમાં પણ આવી જ સ્થિતિ છે. યાજ્ઞીક રોડ, કાલાવડ રોડ, અમીન માર્ગ પાસે, ૧પ૦ ફુટ રીંગ રોડ પર શોપીંગ મોલ પાસે વગેરે સ્થળોએ પણ સેલરમાં ભરાયેલા વરસાદી પાણી જાહેરમાં ઉલેચવામા આવતા વગર વરસાદે જળબંબાકાર સ્થિતિ હોવાની ફરીયાદો ઉઠવા પામી છે.

(3:36 pm IST)