Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

આજી GIDC વિસ્તારમાં ૧૪ કામદારોને કોરોના : ફફડાટ

મ્યુ. કોર્પોરેશનને મેડિકલ કેમ્પ યોજી બપોર સુધીમાં ૧૯૭ એન્ટીજન ટેસ્ટ કરાયા : મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલના માર્ગદર્શન હેઠળ મેગા કેમ્પ યોજાયો

રાજકોટ તા. ૨૯ : શહેરના આજી જીઆઇડીસી વિસ્તારની ઇન્ડસ્ટ્રીઝમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એન્ટીજન ટેસ્ટ કેમ્પ યોજી બપોર સુધીમાં ૧૯૭ કર્મચારીઓના ટેસ્ટ કરવામાં આવતા ૧૪ લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવતા ભારે ફફડાટ ફેલાયો છે.મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કોરોના વાયરસના સંક્રમણનો પ્રસાર રોકવા શકય તમામ પ્રયાસો કરવામાં આવી રહયા છે. કોરોનાનો ચેપ ફેલાતો રોકવા સાવચેતીરૂપે આજે તા. ૨૯ના રોજ આજી GIDC ખાતે ઇન્ડસ્ટ્રીઝના કર્મચારીઓના રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એન્ટીજન ટેસ્ક કેમ્પ કરવામાં આવ્યો હતો. આ કેમ્પમાં ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કર્મચારીઓનું સ્ક્રિનિંગ કરવામાં આવ્યું હતું અને ટેમ્પરેચર, SPO2 અને કોરોનાના અન્ય લક્ષણો જણાતા ૧૯૭ લોકોના ટેસ્ટ કરાયા જેમાંથી ૧૪ કેસ પોઝિટિવ મળતા વધુ સારવાર માટે રીફર કરવામાં આવેલ છે, મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે જણાવ્યું હતું.આ કેમ્પના આયોજન વિશે વાત કરતા મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલે એમ જણાવ્યું હતું કે, આજી GIDC ખાતે આવેલ ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરતા કર્મચારીઓ સવારથી સાંજ સુધી એકબીજાના સંપર્કમાં આવતા હોય છે, આ કેમ્પ મારફત જો કોઈપણ કર્મચારીને કોરોનાના લક્ષણ જણાતા તેને વધુ સારવાર અર્થે રીફર કરાવી કોરોનાની ચેઈન તોડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ મેડિકલ કેમ્પમાં આરોગ્ય શાખાની દસ મેડીકલ ટીમ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવેલ હતી.

(3:38 pm IST)