Gujarati News

Gujarati News

News of Saturday, 29th August 2020

મોટી ટાંકી ચોકની મસમોટી સમસ્યાઃ આ તો ખોટુ જ કહેવાય...ન કોઇ બોર્ડ, ન કોઇ સુચનાઃ ઓચિંતા ફટકારવામાં આવી રહ્યા છે ઇ-મેમો!

આરકેસીથી મોટી ટાંકી ચોક અને ત્યાંથી લીમડા ચોક જવા જમણી બાજુ વર્ષોથી વાહનો વળાંક લેતાં હતાં ત્યાં હવે રોંગ સાઇડનો નિયમઃ ખુદ પોલીસની ગાડી પણ નિયમ તોડી નીકળી ગઇ! : વીસ વર્ષથી જ્યાંથી વાહન ચાલકો ટર્ન લઇ રહ્યા છે ત્યાં ૨૧મીથી ઓચિંતા કેમેરા ફીટ કરી ધડાધડ ૧૫૦૦ થી ૩૦૦૦ના ઇ-મેમો ફટકારાઇ : રહ્યા છેઃ દવાના કામ માટે આવતાં ૭-૮ હજારના નાના પગારદારોને મળી ગયા ૧૫ થી ૨૦ હજાર સુધીના મેમોઃ ભારે દેકારોઃ સંબંધીત તંત્ર જાગશે કે હજુ કારણ વગરના 'ડામ' આપશે?

તસ્વીરમાં મોટી ટાંકી ચોકનું દંડના ડામ માટે નિમિત બનેલું સર્કલ, તથા આરકેસી તરફથી આવતાં વાહન ચાલકો આગળ ડાબી તરફ આવતું સર્કલ ફરવા જવાને બદલે સીધા જમણી તરફ વળી જાય છે તે દ્રશ્યો અને ખુદ પોલીસ કર્મચારી પોલીસવેન લઇ રોંગ સાઇડમાંથી પસાર થઇ ગયા તે પણ જોઇ શકાય છે. પોલીસને ખુદને ખબર ન હોય કે જમણી બાજુ વળવાની મનાઇ છે, તો આમ નાગરિકોને કયાંથી ખબર હોય?...'ખોટુ' ન થાય એ માટે હવે 'મોટુ' સાઇન બોર્ડ મુકો કાં વાહન ચાલકોને સુચના આપવા કોઇ વોર્ડન કે બીજા કર્મચારીને અહિ નિમણુંક આપો જેથી કરીને નિર્દોષ વાહનચાલકો દંડના કારણ વગરના ડામથી બચી શકે. તસ્વીરમાં પોલીસ વેન પણ કઇ રીતે રોંગ સાઇડમાં જમણી બાજુ વળી ગઇ તે જોઇ શકાય છે. જેને દંડરૂપી ડામ મળ્યો એ વાહન ચાલકો પુછી રહ્યા છે કે આ વેનને ઇ-મેમો મળશે??

રાજકોટઃ શહેરના નાગરિકો કાયદાને માન આપે છે અને તેનું પાલન પણ કરે છે. પોલીસ તંત્ર, કલેકટર તંત્ર તથા મ્યુ. કોર્પોરેશન તંત્ર સહિતના તરફથી જે નિયમો આપવામાં આવે છે તેનું પાલન પણ સમજુ શહેરીજનો કરતાં જ હોય છે. પરંતુ કોઇપણ જાતની જાણકારી વગર, સુચન કર્યા વગર વાહન ચાલકોને ઇ-મેમોથી કમ્મરતોડ દંડ ફટકારવાનું ચાલુ કરી દેવામાં આવે તો?...આ તો ખોટુ જ કહેવાય ને. મોટી ટાંકી ચોકમાં   ઇ-મેમોની મસમોટી સમસ્યા સામે આવતાં વાહનચાલકોમાં દેકારો મચી ગયો છે. છેલ્લા અઠવાડીયાથી એટલે કે ૨૧મી તારીખથી રાજકુમાર કોલેજવાળા રોડથી મોટી ટાંકી ચોકમાં આવતાં અને અહિથી લીમડા ચોક તરફ જવા જમણી બાજુ વળી જતાં વાહન ચાલકોને રૂ. ૧૫૦૦ થી ૩૦૦૦નો દંડનો ડામ આપવાનું શરૂ થઇ ગયું છે. લગભગ બે દાયકાથી આ રસ્તા પર વાહનચાલકો આગળનું (મોટી ટાંકી ચોકનું) સર્કલ ફર્યા વગર જ જમણી બાજુ (લીમડા ચોક તરફ જવા) વાહનનો ટર્ન લઇ લેવાની ટેવ ધરાવે છે.

અત્યાર સુધી અહિ કોઇપણ પ્રકારના મેમો આ રીતે જમણી બાજુ વાહન વાળવામાં આપવામાં આવતાં નહોતાં. પરંતુ હવે અઠવાડીયાથી અહિનો કેમેરો ચાલુ થઇ ગયો હોઇ તેના મારફત ધડાધડ રોંગ સાઇડના ઇ-મેમો ફટકારાઇ રહ્યા છે. ટુવ્હીલર ચાલકને રૂ. ૧૫૦૦ અને ફોરવ્હીલર ચાલકને રૂ. ૩૦૦૦નો મેમો મોકલવાનું શરૂ કરવામાં આવતાં ભારે દેકારો મચી ગયો છે.

અત્યાર સુધીમાં એટલે કે અઠવાડીયામાં જ લાખોના ઇ-મેમો વાહન ચાલકોને મળી ગયા છે. લીમડા ચોક તરફ આવેલા આલાપ-એમાં દરરોજ સવારથી રાત સુધી દવાના કામ સાથે સંકળાયેલા નાના કર્મચારીઓ ટુવ્હીલર પર આવ-જા કરતાં હોય છે. વર્ષોથી તેઓ આરકેસીવાળા રોડથી મોટી ટાંકી ચોક આવી સીધા જ જમણી બાજુ વળી જતાં હતાં. આગળનું સર્કલ દુર હોઇ ત્યાં સુધી કોઇ જતું નહોતું. પણ હવે ઓચિંતા કોઇ જાણકારી આપ્યા વગર કે સુચન આપ્યા વગર અને કોઇ બોર્ડ લગાવ્યા વગર જ ધડાધડ ઇ-મેમો ફટકારવાનું શરૂ થઇ જતાં જેનો પગાર સાત-આઠ હજાર માંડ છે અને જેને મોટી ટાંકી ચોકમાં ઇ-મેમો મળવાનું ચાલુ થઇ ગયું છે તેની ખબર પણ નથી તેવા નાના માણસોને પંદરથી વીસ હજાર કે એથી વધુ રકમના ધડાધડ ઇ-મેમો મળી જતાં હાલત ખરાબ થઇ ગઇ છે.

શહેરીજનો કાયદાનું, નિયમોનું પાલન કરે જ છે...એમાં ના નથી, પરંતુ તમે અચાનક આ રીતે મેમો ફટકારવાનું ચાલુ કરી દીધું તેની કમ સે કમ જાણ તો કરો. ત્યાં મોટુ બોર્ડ તો મુકો કે જમણી બાજુ વળવાની મનાઇ છે, સર્કલ ફરીને જવું...આવું ન કરી શકો તો વોર્ડન કે પછી બીજા સ્ટાફને મુકો કે જે વાહન ચાલકોને જમણી બાજુ વળતાં રોકી શકે અને સર્કલ ફરવાનો ઇશારો કરે...આવો ઉહાપોહ જેને લાગલગાટ ઇ-મેમો મળ્યા છે તેવા વાહન ચાલકો ઠાલવી રહ્યા છે. મોટુ સુચના આપતું બોર્ડ મુકવાની જવાબદારી પોલીસ કે કોર્પોરેશન તંત્ર જેની હોય તેણે તાત્કાલીક આ કામ કરવું અત્યંત જરૂરી છે. વાહન ચાલકોમાં તો એવો પણ કચવાટ ફેલાયો છે કે લોકડાઉન-અનલોક દરમિયાન પોલીસે દોઢ-પોણા બે કરોડના દંડ ઉઘરાવ્યા એ કદાચ આ રીતે જ ઉઘરાવ્યા નહિ હોય ને?!

(3:38 pm IST)