Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

હિમતની ચતુરાઇઃ સિવિલ કોવિડમાં દર્દીને આપવાના હોઇ તેના કરતાં વધુ ઇન્જેકશન માંગતો ને સેરવી લેતો

રેમડેસિવિર ઇન્જેકશનના કાળાબજારમાં પાંચ આરોપીની વિસ્તૃત પુછતાછ : કોઇ દર્દીને ૪ ઇન્જેકશન આપવાના હોઇ તો વોર્ડ એડમિન પાસેથી ૬ માંગતો અને બે પોતાની પાસે રાખી લેતો'તોઃ પંદર દિવસમાં પાંચ જ ઇન્જેકશન આ રીતે મેળવી બારોબાર જગદીશને વેંચ્યાની કબુલાતઃ જગદીશે જેને વેંચ્યા એ બે શખ્સો દિલીપ અને રવિની થશે પુછતાછ

રાજકોટ તા. ૨૮: કોરોનાના દર્દીઓ માટેના રેમડેસિવિર ઇન્જેકશનના કાળાબજાર કરવાના કોૈભાંડમાં ક્રાઇમ બ્રાંચે એક યુવતિ સહિત પાંચને પકડી ધરપકડ કરી વિશેષ પુછતાછ કરતાં બે ઇન્જેકશન સિવિલ હોસ્પિટલના નર્સિંગ બ્રધર હિમત ચાવડાએ આપ્યાનું બહાર આવ્યું હતું. વિશેષ પુછતાછમાં હિમતે કબુલ્યુ છે કે તેણે અગાઉ પણ ત્રણ ઇન્જેકશન બારોબાર મેડિકલ સ્ટોરના કર્મચારી જગદીશને વેંચ્યા હતાં. જગદીશે આ ઇન્જેકશન જેને વેંચ્યા હતાં એ બે શખ્સોના નામ સામે આવતાં તેને સકંજામાં લેવા તજવીજ થઇ રહી છે. હિમત ચતુરાઇ વાપરી વોર્ડમાં કોઇ દર્દીને ચાર ઇન્જેકશન આપવાના હોય તો ખોટુ બોલી છની જરૂર છે તેવું કહી વોર્ડના એડમિનને છેતરી તેની પાસેથી વધુ ઇન્જેકશન લઇ લેતો હતો અને દર્દીને જરૂરિયાત મુજબના ઇન્જેકશન આપી બાકીના વધારાના પોતે રાખી લેતો હતો!

રેમડેસિવિર ઇન્જેકશન કાળા બજારમાં વેંચાઇ રહ્યા હોવાની માહિતી પરથી ક્રાઇમ બ્રાંચે છટકુ ગોઠવી ગાંધીગ્રામ પ્રજાપતિની વાડી સામે ભાડેથી રહેતી અને શાંતિ કોવિડ હોસ્પિટલમાં નર્સિંગ વિભાગમાં નોકરી કરતી દેવ્યાની જીતેન્દ્રભાઇ ચાવડા (મોચી) (ઉ.વ.૨૦) તથા લક્ષ્મીનગર-૧, બાલવી કૃપામાં રહોતાં તથા ઇલાઇટ ટૂલ્સમાં પ્રાઇવેટ નોકરી કરતાં તેના મંગેતર વિશાલ ભૂપતભાઇ ગોહેલ (મોચી) (ઉ.વ.૨૧), પંચવટી મેઇન રોડ પર મારૂતિ ડ્રાઇવીંગ સ્કૂલ સામે શિવશકિત સોસાયટીમાં રહેતાં અને જલારામ હોસ્પિટલના મેડિકલ સ્ટોરમાં નોકરી કરતાં અંકિત મનોજભાઇ રાઠોડ (રજપૂત) (ઉ.વ.૨૧) તથા નવલનગર-૩/૧૯, સિલ્વર પાર્ક ગોપાલ કુંજમાં રહેતાં જગદીશ ઇન્દ્રવદનભાઇ શેઠ (કંસારા) (ઉ.વ.૩૭) તેમજ લક્ષ્મીનગર મેઇન રોડ પાયલ નોવેલ્ટી સામે રહેતાં અને સિવિલ હોસ્પિટલમાં હંગામી ધોરણે નર્સિંગ વિભાગમાં નોકરી કરતાં હિમત કાળુભાઇ ચાવડા (અનુ.જાતિ) (ઉ.વ.૨૩)ને પકડી લઇ બે ઇન્જેકશન કબ્જે કર્યા હતાં.

પાંચેયના કોવિડ-૧૯ ટેસ્ટ કરાવ્યા બાદ ધરપકડ કરી વિશેષ પુછતાછ શરૂ કરવામાં આવતાં સિવિલના નર્સિંગ બ્રધર હિમત ચાવડાએ કબુલ્યું હતું કે સિવિલ કોવિડમાં ચોથા માળે નોકરી દરમિયાન ખોટી ચિઠ્ઠી બનાવી વોર્ડ એડમિન પાસેથી ઇન્જેકશન મેળવ્યા હતાં. જે પૈકી બે ઇન્જેકશન ૧૫ દિવસ પહેલા લક્ષ્મીનગર નાલા પાસે જગદીશ ઇન્દ્રવદન શેઠ (મેડિકલ સ્ટોરના કર્મચારી)ને રૂ. ૬૦૦૦માં વેંચ્યા હતાં. એ પછી આજથી આઠ દિવસ પહેલા ફરીથી ૧ ઇન્જેકશન રૂ. ૨૫૦૦માં એ જ સ્થળે જગદીશને વેંચ્યું હતું. છેલ્લે ૨ ઇન્જેકશન ૨૬મીએ રૂ. ૧૨ હજારમાં જગદીશને વેંચ્યા હતાં.

જગદીશે પ્રથમ બે ઇન્જેકશન પોતાના મિત્ર દિલીપ ખીમચંદભાઇ કરથીયા (ઉ.વ.૫૭)ને રૂ. ૯૦૦૦માં તથા બીજુ પોતાના મિત્ર રવિ રમેશભાઇ બકરાણીયાને રૂ. ૫૨૦૦માં અને છેલ્લે બે ઇન્જેકશન સાથે જ મેડિકલ સ્ટોરમાં બેસતાં અંકિતને આપ્યા હતાં. અંકિતે આ ઇન્જેકશન દેવ્યાનીને આપ્યા હતાં. દેવ્યાની વેંચે એ પહેલા ક્રાઇમ બ્રાંચે દબોચી લીધી હતી.

 આઇપીસી ૪૨૦, ૧૧૪, આવશ્યક ચીજવસ્તુ ધારાની કલમ ૩, ૭, ૧૧, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટની કલમ ૫૩, ડ્રગ એન્ડ કોસ્મેટિક અધિનિયમની કલમ ૨૭ મુજબ  નોંધાયેલા ગુનામાં પાંચેયની ધરપકડ બાદ હવે રિમાન્ડ માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે. હાલ તો સિવિલમાંથી પાંચ જ ઇન્જેકશન ખોટુ બોલી મેળવીને બારોબાર વેંચ્યાનું હિમત રટણ કરે છે. રિમાન્ડ બાદ વધુ તપાસ થશે.

હિમત સિવિલ કોવિડના દર્દીઓને ઇન્જેકશન આપવાને બદલે બારોબાર વેંચી નાખતો હોવાની શંકા ઉપજતાં તે અંગે પુછતાછ થતાં તેણે સ્પષ્ટ કહ્યું હતું કે દર્દીને તો ઇન્જેકશન આપતો જ હતો. પણ એ સિવાયના વધારાના મેળવીને પોતે રાખી લેતો હતો.

પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી.વી. બસીયાની સુચના અને પીઆઇ વી. કે. ગઢવી, પીઆઇ આર.વાય. રાવલની રાહબરીમાં પીએસઆઇ વી. જે. જાડેજા, એએસઆઇ રાજદિપસિંહ ગોહિલ, જયેશભાઇ નિમાવત, હેડકોન્સ. ચેતનસિંહ ચુડાસમા, મહેન્દ્રસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. અમીનભાઇ ભલુર, હિરેન્દ્રસિંહ પરમાર, કોન્સ. તોરલબેન જોષી, સ્નેહભાઇ ભાદરકા સહિતનો સ્ટાફ વધુ તપાસ કરે છે.

વેપારી અને એમઆર ગોંડલ રોડ પરની એક ઓફિસમાં પણ સતત આવ-જા કરતા'તા

કોવિડના ઇન્જેકશનના ખોટા બીલ બનાવનારા બે શખ્સોએ રાત લોકઅપમાં વિતાવી

૨૯: કોવિડની સારવારમાં ઉપયોગમાં લેવાતા રેમડેક ઇન્જેકશન થીઓસ ફાર્માસ્યુટિક કંપનીના સંચાલક અને એક એમ.આર.એ મળી રૂ. ૪,૫૪,૪૦૦ના ૧૧૦ ઇન્જેકશન ગમે ત્યાંવધુ ભાવે કે પછી બીજી કોઇ રીતે વેંચી દઇ તેના ખોટા બીલ વેદાંત હોસ્પિટલ અને જેમાં કોવિડની સુવિધા નથી તેવી શુભમ્ હોસ્પિટલના નામે ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં રજૂ કરી કોૈભાંડ આચરતાં આ મામલે ડીસીબી પોલીસ મથકમાં ગુનો નોંધી બંનેની ધરપકડ કરવામાં આવી છે. કોવિડ રિપોર્ટ બાદ આ બંનેના રિમાન્ડની તજવીજ થશે. ખોટા બીલ બનાવી સગેવગે કરેલા ઇન્જેકશનનો જથ્થો આ બંનેએ કયાંય રાખ્યો છે? કે પછી કાળાબજારમાં વેંચી નાખ્યા તેની તપાસ પણ થઇ રહી છે. થિઓસની ઓફિસ નાના મવા રોડ વિવિધ કર્મચારી સોસાયટીમાં સચીન પટેલ ચલાવતો હતો. આ ઉપરાંત જાણકારોના કહેવા મુજબ ગોંડલ રોડ પર જે. પી. ટાવર સામેના ભાગે ગોલ્ડન પ્લાઝામાં પણ સચીન અને રજનીકાંતની સતત આવ-જા રહેતી હતી. પોલીસ આ અંગે પણ તપાસ કરે તો કંઇક નવુ બહાર આવે તેમ હોવાનું જાણકારો કહે છે. પોલીસે આમ્રપાલી પાછળ સુભાષનગર-૪ અલીના એપાર્ટમેન્ટમાં રહેતાં અને મોટી ટાંકી ચોક જીગર પાનવાળી શેરીમાં ડો. પારસ શાહ સાથે વેદાંત હોસ્પિટલ ચલાવતાં ડો. અનવરભાઇ અબ્બાસભાઇ કોઠીયા (ઉ.વ.૪૬)ની ફરિયાદ પરથી નાનામવા રોડ વિવિધ કર્મચારી સોસાયટી પ્લોટ નં. ૨૪માં રહેતાં થીઓસ ફાર્માસ્યુટીકલના સંચાલક સચીન હરેશભાઇ પટેલ (ઉ.વ.૩૦) તથા મવડી બાયપાસ સંસ્કાર એવન્યુ એ-૧૦૪માં રહેતાં ઝાયડસ કેડિલા કંપનીના સોૈરાષ્ટ્રના એમ.આર.  રજનીકાંત પરષોત્તમભાઇ ફળદુ (પટેલ) (ઉ.વ.૨૯) સામે આઇપીસી ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ મુજબ કોવીફોર-૧૦૦ એમજી ઇન્જેકશનોના કાળાબજાર કરવા કે અન્ય કોઇ કારણોસર રૂ. ૪,૫૪,૪૦૦ના ૧૧૦ ઇન્જેકશનનું વેદાંત હોસ્પિટલના નામે ખોટુ બિલ બનાવી બોગસ ડોકયુમેન્ટ ઉભા કરી આ ખોટા બીલ રાજકોટ ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં સાચા તરીકે રજૂ કરી કોૈભાંડ આચરવાનો ગુનો નોંધી તપાસ યથાવત રાખી છે. પીએસઆઇ વી. જે. જાડેજા અને ટીમ આ અંગે તપાસ કરે છે.

(11:30 am IST)