Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

મ્યુ. કોર્પોરેશનના અધિકારી કોરોના સામેનો જંગ હારી ગયા : હેડ સર્વેયર પરમારનું નિધન

ગત સપ્તાહે તબીયત લથડતા સીવિલમાં સારવાર અપાયેલ ત્યાર બાદ ખાનગી કોવિડ હોસ્પિટલમાં ખસેડાયા હતાં જયાં આજે સવારે દમ તોડયો

રાજકોટ, તા. ર૯ : શહેરમાં કોરોના વોરિયર્સ તરીકે ફરજ બજાવતા મ્યુ. કોર્પોરેશનના અધિકારી અને કર્મચારીઓ તથા પદાધિકારી હવે કોરોનાથી સંક્રમિત થવા લાગ્યા છે. ત્યારે આ સ્થિતિમાં તંત્રમાં એક અધિકારીનું આજે સવારે અવસાન થતાં અધિકારીઓ-કર્મચારીઓમાં શોકની લાગણી છવાઇ છે. ટાઉન પ્લાનીંગ વિભાગમાં હેડ સર્વેયર ડી.ડી. પરમારને કોરોના સબંધિત કામગીરી સોંપવામાં આવેલ. તેઓને સૌ પ્રથમ વોર્ડ નં.૧૭માં દુકાનોના સર્વેલન્સની કામગીરી સોંપાયેલ ત્યાર બાદ તાજેતરમાં ગ્રીનલેન્ડ ચોકડીની ચેકપોસ્ટ પર ફરજ સોંપવામાં આવેલ. બ્લડપ્રેશર અને ડાયાબીટીસની બિમારીનો સામનો કરી રહેલા ડી.ડી. પરમારને પ૬ વર્ષની ઉંમરે કોરોના સબંધી કામગીરી સોંપવામાં આવી હતી જે તેઓ નિષ્ઠાપૂર્વક બજાવી રહ્યા હતાં. દરમિયાન તેઓને આઉટડોર કામગીરીમાં થોડી તકલીફ થતાં ઓફીસમાં મૂળ કામગીરી સોંપવામાં આવેલ. જયાં તેઓનું ઓકસીજન લેવલ થોડુ ઘટવા લાગતા તાત્કાલીક સારવાર માટે સીવિલ કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે ગત સપ્તાહે દાખલ કરાયેલ અને ત્યાંથી નિલકંઠ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા આ સારવાર દરમિયાન  આજે સવારે તેઓનું દુઃખદ અવસાન થયાના સમાચારો મ્યુ. કોર્પોરેશનના સ્ટાફને મળતા શોકનું મોજુ ફેલાયુ હતું.

(3:09 pm IST)