Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

કોંગ્રેસના મિત્રો ખાડા બુરવાનું નાટક બંધ કરે : વરસાદ બંધ થશે કે તુરત જ રસ્તા કામ : પ્રદિપ ડવ

વોર્ડ નં. ૧૨ના પુનિતનગરમાં ૫ કરોડના રોડનું કામ તુરંતમાં શરૂ થશે : અત્યારે લોકોને પાણીના પૂરથી બચાવવાની જરૂર છે અને ભાજપના કોર્પોરેટરો આ કામગીરી દિવસ-રાત તંત્ર સાથે ખભ્ભે ખભ્ભા મિલાવી કરી રહ્યા છે : મેયરનો વિપક્ષના આક્ષેપોનો ચોટદાર જવાબ

રાજકોટ તા. ૨૯ : મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૨ના કોર્પોરેટર અને મેયર ડો.પ્રદિપ ડવ, મગનભાઈ સોરઠીયા, અસ્મિતાબેન દેલવાડિયા, અને મિતલબેન લાઠીયા એક સંયુકત યાદીમાં જણાવે છે કે, ઓગસ્ટ માસમાં ૪૮ કલાકમાં આશરે ૨૫ ઈંચ જેટલો વરસાદ પડેલ ત્યારબાદ આજ સુધી દરરોજ સતત વરસાદ આવી રહ્યો છે. જેના કારણે રોડ રસ્તાને નુકશાન થયેલ છે. જે રસ્તાને નુકશાન થયેલ છે તે રસ્તાની મરામતની કામગીરી તંત્ર દ્વારા થઈ રહી છે. પરંતુ ફરીને વરસાદના તેમજ ભારે વાહનોની અવરજવરના કારણે મેટલ – મોહરમનું ધોવાણ થતું હોય છે, તંત્ર દ્વારા કામગીરી થઇ રહી છે, તે સૌ શહેરીજનો પણ જાણે છે.

કોંગ્રેસના મિત્રો દ્વારા આજરોજ અમારા પુનિતનગર વિસ્તારમાં ખાડા બુરવાનું નાટક સાથે ફોટો સેશન કરી રહેલ છે. પરંતુ કોંગ્રેસના મિત્રોને જણાવવાનું કે વોર્ડના કોઈપણ વિસ્તારની ચિંતા અમો કરી રહ્યા છીએ. અમો ચુંટાયા બાદ પુનિતનગર વિસ્તારના રસ્તા બનાવવા માટે મંજુર કરેલ છે. હાલ આ વિસ્તારમાં ડ્રનેજ તેમજ સ્ટ્રોમ વોટરની કામગીરી થોડા સમય પહેલા જ પૂર્ણ થયેલ છે. હવે ચોમાસાની ઋતુ પુરી થયે ત્યારબાદ રૂ.૫ કરોડના ખર્ચે પુનિતનગરથી વગળ ચોકડી સુધી પેવર કામ કરવામાં આવનાર છે. તે વિસ્તારના રહેવાસીઓ પણ જાણે છે.

ઓગસ્ટ માસમાં ૪૮ કલાકમાં શહેરોમાં ભારે વરસાદ પડતા ભારતીય જનતા પાર્ટીના તમામ કોર્પોરેટરો પોતાના વિસ્તારમાં સતત હાજર રહી જયાં જયાં પાણી ભરવાની કે ઝાડ પડવાની કે અન્ય મુશ્કેલી ઉભી થયેલ તેના નિરાકરણ માટે કાર્ય કરાવેલ. આ ઉપરાંત આજી નદી કાંઠાના વિસ્તારમાં આવેલ લલુળી વોંકળીના લોકોને સ્કુલોમાં સ્થળાંતર તેમજ સામાજીક સંસ્થાના માધ્યમથી ભોજનની વ્યવસ્થા કરાયેલ. વિશેષમાં, વરસાદ વિરામ લેતા તંત્ર પાસે ખાડાઓ મરામત કરાવવા પણ કોર્પોરેટર સતત જાગૃતિ દાખવેલ છે. ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરની જાગૃતતા તથા તંત્રની કામગીરીથી કોંગ્રેસના મિત્રોને બે દિવસ પહેલા કરણપરા વિસ્તારમાં ખાડા બુરવાની કામગીરીમાં જે ફોટા બનવેલ છે તે જ બતાવે છે કે, કોઈ ગંભીર ખાડા ન હતા છતાં ફકત ફોટો સેશન માટે જ ખાડા બુરેલ છે, તે સ્પષ્ટ દેખાય આવે છે.

ગઈરાત્રીના જોરદાર વરસાદના કારણે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તથા કોર્પોરેટર આજી નદીના કાંઠા વિસ્તારના લોકોને કોઈ મુશ્કેલી નથી તે માટે ઉપસ્થિત રહેલ.

ચોમાસાની ઋતુ પુરી થાય ત્યારબાદ શહેરના તમામ રસ્તાઓ પર પેચ વર્કની તેમજ ડામર-પેવર વિગેરેની કામગીરી હાથ ધરાશે, તેમ અંતમાં કોર્પોરેટરે જણાવેલ.

(3:18 pm IST)