Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

સતત વરસાદ - આજી - ન્યારી ઓવરફલો - વિસ્તારો જળબંબાકાર

રાજકોટમાં મોટા પાયે સ્થળાંતરની તૈયારી

આજીનું પાણી ઓવરફલો થઇ નદીમાં ફરી વળ્યું : જંગલેશ્વર વિસ્તારમાંથી ૧૫૦ લોકોનું સ્થળાંતર : રેસ્કયુ ટીમો એલર્ટ : શહેરમાં ૪ સ્થળે ઝાડ પડયા : અનેક સ્થળે પાણી ફરી વળ્યા : ન્યારી-૧ પણ ઓવરફલો : નીચાણવાળા ગામોમાં એલર્ટ : મ.ન.પા. - કલેકટર તંત્રના અધિકારીઓને હેડ કવાર્ટર ન છોડવા આદેશ

સ્થળાંતર : શહેરમાં સતત વરસાદ અને આજી ડેમ ઓવરફલોની સ્થિતિને કારણે નદીકાંઠાના જંગલેશ્વરમાં રાત્રે જ ૧૫૦ લોકોનું સ્થળાંતર કરી શાળા નં. ૭૦માં આશરો અપાયો હતો તે વખતની તસ્વીરમાં ડે. ચીફ ફાયર ઓફિસર શ્રી ઠેબા તેમજ સ્થળાંતર કરાયેલા લોકો નજરે પડે છે. છેલ્લી તસ્વીરમાં રૈયા રોડ પર શાંતિ નિકેતન પાર્કમાં સબ સ્ટેશન પર ઝાડ પડી ગયું હતું તે નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)(૨૧.૩૫)

રાજકોટ તા. ૨૯ : ગઇરાતથી શહેરમાં સતત વરસાદ વરસી રહ્યો છે. એટલું જ નહી રાજકોટની ભાગોળે આવેલા આજી અને ન્યારી-૧માં નવા પાણીની ધોધમાર આવક પણ ચાલુ છે. ઓવરફલો સતત ઓછો - વધતો થઇ રહ્યો છે ત્યારે શહેરના નિચાણવાળા વિસ્તારો અને નદીકાંઠાના વિસ્તારોમાં લોકોના સ્થળાંતરની તૈયારી તંત્રએ કરી છે. ગઇરાત્રે નદીકાંઠાના જંગલેશ્વરમાંથી ૧૫૦ જેટલા લોકોનું શાળા નં. ૭૦માં સ્થળાંતર કરવામાં આવ્યું હતું.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત વિગતો મુજબ હવામાન વિભાગની આગાહી મુજબ ગઇરાત્રીથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કડાકા - ભડાકા સાથે વરસાદ પડી રહ્યો હતો. રાજકોટમાં જ રાત્રે ૪ ઇંચ વરસાદ ખાબકતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. સાથોસાથ આજી-૧ ડેમ ૧ ફુટથી ઓવરફલો થતાં આજી નદી બે કાંઠે થતાં નદીકાંઠાના જંગલેશ્વર વિસ્તારમાં રાતોરાત ૧૫૦ લોકોનું સ્થળાંતર કરાયું હતું.

૪ સ્થળે ઝાડ પડયા

જ્યારે શહેરના સત્ય સાંઇ રોડ, રૈયા રોડ, શાંતિ નિકેતન પાર્ક, ગીરીરાજનગર પાસે સબ સ્ટેશન પાસે અને સ્વામીનારાયણ ચોક તેમજ રામનાથપરા મરચા પીઠ પાસે એમ ૪ સ્થળે મોટા ઝાડ પડી ગયા હતા.

દરમિયાન હજુ સતત વરસાદ ચાલુ હોઇ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા હતા. આથી મ.ન.પા.ની રેસ્કયુ ટીમો એલર્ટ મોડ ઉપર રખાઇ હતી. કલેકટર અને મ.ન.પા.ના અધિકારીઓને હેડ કવાર્ટર નહી છોડવા આદેશો કરાયા છે.

 કેમકે જો વરસાદ સતત ચાલુ રહે તો લલુડી વોંકડી, કોઠારીયા રોડ સહિતના વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાવાની ભીતી છે અને લોકોનું મોટા પાયે સ્થળાંતર કરવું પડે તેવી સ્થિતિ છે.

આમ, આજે રાજકોટનું કલેકટર તંત્ર અને મ.ન.પા.નું તંત્ર વરસાદમાં સતત દોડતું રહ્યું હતું.

(3:13 pm IST)