Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

૧લી ઓકટોબરથી જનસેવા કેન્દ્રમાં 'રેશનકાર્ડ' નીકળી શકશે

બોગસ ફીંગર પ્રિન્ટ કૌભાંડની ૨૫ દુકાનોના ૧ હજાર કાર્ડ હોલ્ડરોના નિવેદન લેતુ પૂરવઠા તંત્ર : ૭મી પહેલા રીપોર્ટ આપવા આદેશો : તમામ ઝોનને આવરી લેવાયા : આયુષ્યમાન કાર્ડ પણ જનસેવામાંથી કાઢવા અંગે કોર્પોરેશનમાં દરખાસ્ત

રાજકોટ તા. ૨૯ : રાજકોટ જિલ્લા પુરવઠા તંત્રે એક મહત્વનો નિર્ણય લઇ આગામી ૧લી ઓકટોબરથી કલેકટર કચેરીમાં ૩૫ લાખના ખર્ચે બનાવાયેલા જનસેવા કેન્દ્રમાંથી લોકોના રેશનકાર્ડ કાઢી આપવાનો નિર્ણય લીધો છે. પુરવઠાના સૂત્રોના ઉમેર્યા પ્રમાણે આ અંગે ચારેય ઝોનલ કચેરીને આ બાબતે સૂચના અપાઇ ગઇ છે.

અત્રે એ નોંધનીય છે કે કોરોના કાળ અને બીજી લહેર દરમિયાન તત્કાલીન કલેકટર અને ડીએસઓ દ્વારા જનસેવા કેન્દ્રમાંથી રેશનીંગ કાર્ડ કાઢવાનું બંધ કરાયું હતું, પરીણામે સેંકડો લોકોને જે તે મામલતદાર કચેરીમાં ભારે ધક્કા થતા હતા, હવે પુરવઠાએ જનસેવામાં આ સુવિધા ઉમેરવાનો નિર્ણય લીધો છે.

આ સંદર્ભે જનસેવામાં સ્પે. એક ઓપરેટર મુકાશે, દરેક ઝોનમાં આવેલ અરજીઓ મોકલાશે અને ઝોનલ કચેરીએ ધડાધડ નિર્ણયો લઇ કામગીરી કરવી પડશે.

દરમિયાન રાજકોટ કોર્પોરેશનની જેમ જનસેવામાંથી પણ આયુષ્યમાન કાર્ડ કાઢવા અંગે કલેકટર તંત્ર આગળ વધ્યું છે, અને આ બાબતે તંત્રે કોર્પોરેશનમાં દરખાસ્ત મોકલી છે, જ્યાંથી મંજૂર થયે આ સેવાનો પણ જનસેવા કેન્દ્રમાંથી લાભ મળશે.

પૂરવઠાના સૂત્રોના ઉમેર્યા મુજબ હાલ બોગસ ફીંગર પ્રિન્ટ કૌભાંડમાં ૨૫ દુકાનો ઉપર ટીમો દ્વારા તપાસ ચાલી રહી છે, આ તમામ ૨૫ દુકાનદારો સામે કેસો શરૂ થયા છે, અને તેની પ્રથમ સુનાવણી પૂરી થઇ છે, હાલ આ ૨૫ દુકાનદારોના ૧ હજાર કાર્ડ હોલ્ડરોના નિવેદનો લેવાઇ રહ્યા છે, ૮૦ ટકા કામગીરી પૂર્ણ થઇ છે, ડીએસઓશ્રી માંગૂડાએ ૭મી ઓકટોબર સુધીમાં ફ્રેશ રીપોર્ટ આપવા ટીમોને આદેશો કર્યા છે.

(3:13 pm IST)