Gujarati News

Gujarati News

News of Wednesday, 29th September 2021

વિજ ચોરીના બીલ અંગે કારખાનેદાર સામે પી.જી.વી.સી.એલ.દ્વારા થયેલ લાખોની રકમ વસુલવાનો દાવો મંજુર

જી.ઇ.બી.ના બીલને ગેરકાયદે કરાવવા થયેલ માંગણી રદઃ મહત્વનો ચુકાદો

રાજકોટ તા. ર૯: અત્રે ૧૬ વર્ષ જુના કેસમાં વીજચોરી કરી વીજ વપરાશ કરતા કાચના કારખાના વાળાને રૂ. ૪,૮૧,૦પ૦-૧૬ પૈસા ૬% વ્યાજથી ર૦૦૬ થી પી.જી.વી.સી.એલ.ને ચુકવવાનો આદેશ કરતી અદાલત. માત્ર જનરેટરનું બીલ મુકી દેવાથી જનરેટરથી વપરાશ થાય છે તેવું માની શકાય નહિં. વીજચોરીના દાવા ચલાવવાની સીવીલ અદાલતને સંપુર્ણ સતા છે. ટેમ્પરરી કનેકશન લઇ ત્યારબાદ બંધ કરાવી ડાયરેકટ લંગર નાખી વીજચોરી કરી વીજવપરાશ કરતા હતા. દાવામાં જે વ્યકિત પક્ષકાર હોય તેને જ બચાવ કરવાનો હકક, અધિકાર છે અન્ય નહિ તેવું અવલોકન ન્યાયમુર્તિશ્રી પી. કે. રાયે કર્યું હતું.

આ કેસની હકીકત એવી છે કે, કુવાડવા રોડ ઉપર નેશનલ હાઇ-વે પાસે માલીયાસણ ગામમાં જીવાજી રાજભા એન્ડ સન્સના નામથી કાંચના કારખાનામાં વીજચોરી થતી હતી જેથી પી.જી.વી.સી.એલ.ના અધિકારીએ રંગે હાથ ચેકીંગ દરમ્યાન પકડેલ હતા અને બિનગ્રાહક ઓનઅલી એ. વખારીયા સામે વીજચોરીના બીલની રકમ રૂ. ૪,૮૧,૦પ૦-૧૬ પૈસા વસુલ મેળવવા અત્રેની સીવીલ અદાલતમાં દાવો દાખલ કરેલ હતો. સદરહું દાવો અદાલતમાં ચાલી જતા ન્યાયમુર્તી શ્રી પી. કે. રાય તમામ પાસાઓની વિગતવાર છણાવટ કરી કાચના વેપારી ઓનઅલી એ. વખારીયા ૬% વ્યાજથી વસુલ થતા સુધી ચુકવવાનો હુકમ કરેલ છે.

માલીયાસણ મુકામે ઓનઅલી એ. વખારીયા નામના વેપારી કે જે જીવાજી રાજભા એન્ડ સન્સના નામથી કાચનું કારખાનું ધરાવતા હતા ત્યાં આગળ પી.જી.વી.સી.એલ. કાું.ના અધિકારી શ્રી આર. એમ. બાવરવા અને શ્રી આર. વી. નીમાવતે તા. ૦૩/૧૧/ર૦૦૪ ના રોજ ચેકીંગ કરેલું તો ચેકીંગ સમયે કારખાનાથી ૭૦૦ ફુટ દુર એલ.ટી. લાઇનના થાંભલેથી લંગર નાખી કાચના ગોડાઉન સુધી વાયર લઇ જઇ વીજચોરી કરતા રંગે હાથ ઝડપાયેલ હતા. સ્થળ ઉપર ગોડાઉનમાં ૪ર નંગ ટયુબલાઇટ, ૪ પંખા, ૬૦ વોટના ૪ લેમ્પ અન્ય ૧૩ લેમ્પ ૬૦ વોટના, એક મોટર, ૧ હેલોજન, ૧ ટી.વી. એમ કુલ મળી ૭,૪૬૦ વોટનો વીજવપરાશ કરતા પકડાયેલા. જેથી સ્થળ ઉપર ચેકીંગ સીટ ત્થા કાગળો તૈયાર કરી તમામ હકિકતો લખેલી અને વાયર કાપી વીજવપરાશ બંધ કરેલ હતો અને જે અંગે ગ્રામ્ય પેટા વિભાગના નાયબ ઇજનેર રી ડી. એમ. ભલાણીએ અદાલતમાં વીજચોરીના બીલની વસુલાત માટે દાવો દાખલ કરેલ હતો.

આ રીતે લાંબા સમય સુધી અદાલતમાં કાનુની જંગ ચાલ્યા બાદ અદાલતે વીજચોરીના દાવામાં રૂ. ૪,૮૧,૦પ૦-૧૬ પૈસા પુરા ૬% વ્યાજથી વસુલ થતા સુધી કાચના કારખાનેદારને ચુકવવાનો આદેશ કરેલ છે. વાદી પક્ષ દ્વારા અદાલતમાં વિવિધ મુદાઓ ઉપર દલીલો કરેલ અને પ્રતિવાદી પક્ષ તરફથી ૪ ન્યાયીક ચુકાદાઓ રજુ કરેલા પરંતુ પ્રતિવાદી તરફથી થયેલ દલીલ ત્થા ચુકાદાઓને અદાલતે માન્ય રાખેલ ન હતા ત્યારે પી.જી.વી.સી.એલ. તરફથી એડવોકેટ શ્રી જીતેન્દ્ર એમ. મગદાણીએ કરેલ તમામ દલીલોને માન્ય રાખી સ્થળ ઉપર વીજચોરી થયેલ છે અને જે કાંઇ બીલ આપેલછે તે વ્યાજબી અને ન્યાયીક છે. તેથી વાદીનો દાવો સાબીત થતો હોય વાદીનો દાવો મંજુર કરેલ. વાદીના બીલને ગેરકાયદેસર ઠરાવવાની માંગણીને પણ રદ કરેલ છે જેથી ચોરી કરતા વીજચોરોમાં ફફડાટ વ્યાપેલ છે.

આ કામમાં પી.જી.વી.સી.એલ. વતી રાજકોટના ધારાશાસ્ત્રી શ્રી જીતેન્દ્ર એમ. મગદાણી રોકાયેલા હતા. 

(3:15 pm IST)