Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

રાજકોટ શહેર-જીલ્લામાં પ૦ હજાર વયોવૃદ્ધ મતદારોને ઘરે બેઠા મતદાન કરી શકે તે માટે પોસ્‍ટલ બેલેટનો વિકલ્‍પ

૧પ હજારથી વધુ દિવ્‍યાંગ મતદારોને પણ આજ સુવિધાઃ પંચની જાહેરાત બાદ રાજકોટ કલેકટર તંત્ર ધંધે લાગ્‍યું

રાજકોટ તા. ર૮: રાજયમાં વિધાનસભાની ચૂંટણીઓ વર્ષાંતે યોજનાર છે ત્‍યારે ચૂંટણી પંચે સમગ્ર વ્‍યવસ્‍થાની ગોઠવણી શરૂ કરી દ ીધી છે. ગઇકાલે અમદાવાદ ખાતે ચૂંટણી પંચે વિવિધ જાહેરાતો કરી હતી. જેમાં સંવેદનશીલ બુથોની તારવણી, નવા મતદારોની એન્‍ટ્રી, બુથ ખાતે વ્‍યવસ્‍થા, સ્‍ટ્રોંગ રૂમ, ઇવીએમ મશીન વગેરે અંગે વિસ્‍તૃત માહિતિ આપેલ.

ઉપરાંત ચૂંટણી પંચ દ્વારા ૮૦ વર્ષથી ઉપરના અને દિવ્‍યાંગ મતદારો ઘરે બેઠા મતદાન કરી શકે તે માટે બેલેટ પેપરના વિકલ્‍પની પણ જાહેરાત કરી હતી, જેમાં દરેક શહેર-જીલ્લામાં કેટલા ઉપરોકત પ્રકારના મતદારો છેતે અંગે તંત્રને વ્‍યવસ્‍થા ગોઠવવા પણ જણાવ્‍યું હતું.

કલેકટર કચેરીના ટોચના વર્તુળમાંથી ૮૦ વર્ષથી ઉપરના તથા દિવ્‍યાંગ મતદારોને લઇને કલેકટર તંત્ર ધંધે લાગ્‍યાનું જાણવા મળ્‍યું છે. રાજકોટ શહેર-જીલ્લામાં પ૦ હજાર ૮૦ થી વધુ વયના મતદારો હોવાનું અનુમાન લગાડાયું છે. આ તમામનો સંપર્ક કરી તેઓ બુથ મથકે આવશે કે બેલેટ પેપર દ્વારા મતદાન કરશે તે જાણવું જરૂરી બન્‍યું છે.

સાથે જ શહેર-જીલ્લામાં ૧પ હજારથી વધુ દિવ્‍યાંગ મતદારો પણ હોય કલેકટર તંત્રને દોડધામ થઇ પડી છે. સામાન્‍ય મતદાનની સાથે ખાસ પ્રકારના મતદાન માટે સ્‍ટાફની વ્‍યવસ્‍થા અને તમામ વયોવૃધ્‍ધ અને દિવ્‍યાંગ મતદારોનો મતદાન માટે સંપર્ક કઇ રીતને કરવો તે અંગે કલેકટર તંત્ર વિચારી રહ્યું છે, આગામી દિવસોમાં ઉપરોકત વયોવૃધ્‍ધ અને દિવ્‍યાંગ મતદારોનો રૂબરૂ કે લેટર દ્વારા કે ફોન દ્વારા સંપર્ક કરી તે મુજબ કાર્યવાહી કરાશે તેમ અધીકારી સુત્રો ઉમેરી રહ્યા છે.

(3:28 pm IST)