Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

હવનાષ્‍ટમી-દશેરાએ પશુબલી કરનારાને સાવધાનનો સંકેત આપતી વિજ્ઞાન જાથા

માતાજીના નામે પશુબલી કરવી તે ગુન્‍હાપાત્ર : પશુ પક્ષીની સાર સંભાળ રાખવા જૈન સમાજ પાસેથી અન્‍ય સમાજો શીખ લ્‍યે : પશુબલી અટકાવવા જાથા દ્વારા રાજયમાં જિલ્લાવાર સમિતિની રચના

રાજકોટ તા. ૨૯ : હાલ આસો નવરાત્રીના દિવસો છે. ત્‍યારે આઠમ અને દશેરાએ તેમજ અમુક તીથીએ ઘણા સમાજોમાં પશુબલીનો રીવાજ હોય છે. પરંતુ પશુબલીનું કાર્ય ગુન્‍હા પાત્ર હોય આવું કોઇપણ સમાજના લોકોએ નહીં કરવા ભારત જન વિજ્ઞાન જાથાએ ચેતવણી ઉચ્‍ચારી છે.

જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ જણાવ્‍યુ છે કે નિદોષ પશુની માનતાના નામે હત્‍યા કરવી એ અમાનવીય કૃત્‍ય છે. પશુ ઉપર ત્રાસ ગુજારવો, વિધિ વિધાન કરવા સામે કાયદેસર કાર્યવાહી થઇ શકે છે. કોઇપણ સ્‍થળે આવુ કાર્ય થઇ રહ્યુ હોય તો જાગૃત લોકોએ વિજ્ઞાન જાથાની કચેરીને જાણ કરવા અપીલ છે. રાજયમાં છેલ્લા ત્રીસ વર્ષથી સરકારી તંત્ર પશુબલી અટકાવવા વિજ્ઞાન જાથાને મદદ કરે છે.

જૈન સમાજ જે રીતે અબોલ પશુ માટે દયાભાવ દાખવે છે તે રીતે અન્‍ય સમાજોએ પણ ધડો લેવાની જરૂર છે. જાથા દ્વારા રાજયમાં જિલ્લા વાઇઝ સમિતિઓ બનાવી પશુબલી અટકાવવા અભિયાન થશે. તેમ અંતમાં જાથાના ચેરમેન જયંત પંડયા (મો.૯૮૨૫૨ ૧૬૬૮૯) એ જણાવ્‍યુ છે.

(11:44 am IST)