Gujarati News

Gujarati News

News of Thursday, 29th September 2022

ઝાડ નીચે ઉંઘી રહેલા અઢી વર્ષના વિજયનું કારની ઠોકરે ચડી જતાં મોત

માળીયા મિયાણા રેલ્‍વે કોલોની પાસે બનાવઃ માતા-પિતા દિકરાને સુવડાવી મજૂરીએ વળગ્‍યા ત્‍યારે કાર બની ગઇ કાળ

રાજકોટ તા. ૨૯: માળીયા મિયાણા નજીક આશિષ હોટેલ પાસે રેલ્‍વેની કેબલ લાઇનનું કામ ચાલતું હોઇ તેની સાઇટ પર મજૂરી કરતાં અને ત્‍યાં જ ઝૂપડામાં રહેતાં મુળ રાજસ્‍થાનના મજુર નરસિંગ ભાભોરનો પુત્ર વિજય (ઉ.વ.૨ાા) ઝૂપડા નજીક ઝાડ નીચે સુતો હતો ત્‍યારે કારની ઠોકરે ચડી જતાં મોત નિપજ્‍યું હતું.

નરસિંગ ભાભોર અને તેની પત્‍નિ સહિતના પરિવારજનો માળીયા મિયાણા પાસે જેટકો દ્વારા રેલ્‍વેની કેબલ લાઇનનું કામ ચાલતું હોઇ ત્‍યાં મજુરી કરવા આવ્‍યા હોઇ સાઇટની બાજુમાં જ ઝૂપડુ બાંધીને રહે છે. ગઇકાલે નરસિંગ અને પત્‍નિ પુત્ર વિજયને ઝાડના છાંયામાં સુવડાવી મજૂરી કામે વળગ્‍યા હતાં ત્‍યારે એક કાર નીકળતાં ઉંઘી રહેલો બાળક તેની ઠોકરે આવી જતાં ગંભીર ઇજા થતાં રાજકોટ ખાનગી હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી સિવિલમાં ખસેડવામાં આવેલ. પરંતુ અહિ મોત નિપજતાં  અરેરાટી વ્‍યાપી ગઇ હતી. હોસ્‍પિટલ ચોકીના કલ્‍પેશભાઇ સરવૈયાએ ગાંધીધામ રેલ્‍વે પોલીસને જાણ કરી હતી. મૃત્‍યુ પામનાર વિજય બે ભાઇમાં નાનો હતો. કાર કોઇ કોન્‍ટ્રાક્‍ટરની હોવાનું ખુલ્‍યું હતું.

(11:44 am IST)