Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

હું હંમેશા રાષ્ટ્રહિતમાં જ વિચારૃ છું અને પ્રજા પ્રત્યે વફાદાર રહ્યો છું અને રહીશઃ ઇન્દ્રનિલ

નાતજાતની રાજનીતિમાં કયારેય પડયો નથી, ભાજપ કામના નામે મત માંગી શકતા નથી એટલે પ્રજાને ગેરમાર્ગે દોરે છે

રાજકોટઃ  આજીવન રાષ્ટ્રવાદને વરેલા અને પોતાની જાહેર સભાઓમાં કાયમ હિન્દુ મુસ્લિમ એકતાની વાતો કરી રહેલા ઇન્દ્રનીલ રાજગુરુ સામે ભાજપના ઉમેદવાર હારી રહ્યા છે તેથી લોકોની લાગણી ઉશ્કેરવાનો નિરર્થક પ્રયાસ કરી રહ્યા છે. ઇન્દ્રનીલ રાજગુરુએ આક્રોશ સાથે એક યાદીમાં જણાવ્યું છે.

ઇન્દ્રનીલે કહ્યુ કે મુસ્લિમોના નામે ખતરો હોવાનું કહીને મત માગી રહેલા લોકોની મંછાઓ હણાઇ રહી છે. મુસ્લિમોને સોમનાથમાં અલ્લાહ દેખાય છે અને હિન્દુઓને અજમેરમાં મહાદેવ દેખાય છે. એવું કહીને મે શું ખોટું કીધુ છે તે ખબર પડતી નથી. વાસ્તવમાં ભાજપના નેતાઓ કામના નામે મત માગી શકે તેમ નથી તેથી આવા પ્રપંચ ઊભા કરીને વાતાવરણને ડહોળવાનો પ્રયાસ કરતા હોવાનું જણાવાયુ છે.

ઇન્દ્રનીલે કહ્યુ છે કે મે હંમેશા સૌને એક રાખવાનો પ્રયાસ કર્યો છે અને સર્વત્ર શાંતિ રહે તે માટે સતત પ્રયાસ કર્યો છે.મે ભાજપના ગુંડા અને ભ્રષ્ટાચારી તત્વ ઉપર સતત વોચ રાખી છે અને  ધારાસભ્યો હતો ત્યારે આવા ખોટા કામ ન થાય તે માટે સતત દબાણ રાખ્યુ છે. આ વસ્તુ ભાજપના લોકોને પચતી નથી.

ઇન્દ્રનીલે કહ્યુ છે કે હું કયારેય નાત જાતની રાજનીતિમાં પડ્યો નથી હું કાયમ રાષ્ટ્રહિતમાં જ વિચારું છું અને પ્રજા પ્રત્યે વફાદાર રહ્યો છું મારા વિસ્તારની પ્રજા આ વાત સારી રીતે જાણે છે.

વાસ્તવિકતા એ છે કે ભાજપ હારી રહ્યુ છે તેથી હિન્દુના નામે લાગણી ઉશ્કેરવાનો પ્રયાસ કરે છે.

ભાજપએ ખરેખર ગેસના વધેલા ભાવ ફુટેલા પેપર અને રસોડા સુધી આવી ગયેલી મોંઘવારી અંગે પ્રજાને ખુલાસો કરવો જોઇએ.

કોંગ્રેસે વિનામૂલ્યે શિક્ષણ અને સારવાર આપેલા છે તે જૂની પેઢીના લોકો ભૂલ્યા નથી અને નવી પેઢી પણ ધીરે ધીરે જાણી રહી છે ત્યારે ૬,૦૦૦ સ્કુલો બંધ કરી દેનાર ભારતીય જનતા પક્ષને ખુલાસો કરવાનું સુજતુ નથી. ભાજપના પરાજયને તેના કાર્યકરો પણ જાણી ગયા છે. તેની  નેતાઓને પીડા છે. તેમ પણ  નિવેદનના અંતમાં જણાવ્યુ હતું.

(4:27 pm IST)