Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

ગુરુકુલના અમૃત મહોત્‍સવ માટે ૨૦ પાનાની આકર્ષક કંકોત્રીઃ શાસ્ત્રોક્ત વિધિ અને પ્રાચીન પધ્‍ધતિથી લખવાનો શુભારંભ

કંકુ છાંટી કંકોતરી લખવી, એમાં લખવા હરિભક્‍તોના નામ..

શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ, રાજકોટના વડા શ્રી દેવકૃષ્‍ણદાસજી સ્‍વામી અને અન્‍ય સંતોએ તા. ૨૨ થી ૨૬ ડિસેમ્‍બરના અમૃત મહોત્‍સવનું આમંત્રણ આપવા મંત્રોચ્‍ચાર વચ્‍ચે કંકોત્રી લખવાનો શુભારંભ કરેલ તે પ્રસંગની તસ્‍વીર.

રાજકોટ,તા. ૨૯ : જુના સમયમાં શુભ પ્રસંગોની ખબર દેશ-વિદેશમાં રહેતા સગા વહાલાઓને થાય તે માટે આપણા વડવાઓ પવિત્ર બ્રાહ્મણો પાસે વિધિવત કાપડ ઉપર કંકુથી નામ ઠામ અને ગામ સાથે પત્રિકાઓ લખાવતા. અને ખેપિયાઓ મારફત પહોંચાડતા.રાજકોટ શ્રી સ્‍વામિનારાયણ ગુરુકુલ સંસ્‍થાનના ૭૫ વર્ષ નિમિત્તે યોજાઈ રહેલ અમૃત મહોત્‍સવનું આમંત્રણ સંતોએ આપ્‍યું. ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સેવા પ્રવૃત્તિના સમન્‍વય સાથે યોજાઇ રહેલ આ મહોત્‍સવમાં દેશ વિદેશમાંથી હજારો ભાવિકો આવશે. અમૃત મહોત્‍સવ તા.૨૨ થી ૨૬ ડિસેમ્‍બર સુધી રાજકોટની મવડી ચોકડી નજીક આવેલ મવડી-કણકોટ રોડ પર યોજાનાર છે.

ગુરુકુલ પરિવાર તેમજ સંપ્રદાયના સંતો મહંતો, વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ આચાર્ચ શ્રી રાકેશપ્રસાદજી મહારાજ , સમાજમાં તન મન ધનથી વિવિધ સેવારત રહેલ સજજનો, રાજકોટમાં શૈક્ષણિક સંસ્‍થાઓ ચલાવતા સંચાલકો, આચાર્યઓ,  સમાજ સુધી સંસ્‍થાઓના સેવા કાર્યોને જન જન સુધી પહોંચાડી રહેલા પ્રિન્‍ટ તથા દ્રશ્‍ય મીડિયાઓ,સરકારી, અર્ધ સરકારી જવાબદારીઓ સંભાળતા તેમજ રાજદ્વારી મહાનુભાવોને સંતોએ પત્રિકાઓ લખવાનો પ્રારંભ કર્યો હતો.

શ્રી પ્રભુ સ્‍વામીના જણાવ્‍યાનુસાર મલ્‍ટી કલરમાં પ્રિન્‍ટ થયેલ ૨૦ પેજની પત્રિકાઓ ગુરૂવર્ય શ્રી દેવકૃષ્‍ણદાસજી સ્‍વામી, મહંત સ્‍વામીશ્રી દેવપ્રસાદદાસજી સ્‍વામી, શ્રી ધર્મવલ્લભદાસજી સ્‍વામી, શ્રી નારાયણપ્રસાદદાસજી સ્‍વામી વગેરે ૧૭ સંતોએ ભગવાનની સાનિધ્‍યમાં લખેલ. ગુરૂવર્ય શ્રી દેવકૃષ્‍ણદાસજી સ્‍વામીએ પ્રથમ પત્રિકા ભગવાન શ્રી સ્‍વામિનારાયણને લખીને અર્પણ કરેલ . પછી ઉત્‍સવના મુખ્‍ય યજમાનોને નિમંત્રણ પાઠવ્‍યું હતું.જયારે મહંત સ્‍વામીશ્રી દેવ પ્રસાદદાસજી સ્‍વામીએ આઉટસ્‍ટેટ તથા અમેરિકાના ભક્‍તોને, શ્રી ધર્મવલ્લભદાસજી સ્‍વામીએ દક્ષિણ ગુજરાતના ભક્‍તોને, અન્‍ય સંતો શ્રી નારાયણ પ્રસાદ દાસજી સ્‍વામી, શ્રી ભક્‍તિવલભદાસજી સ્‍વામી, શ્રી સંત  સ્‍વામી, શ્રી શ્વેતવૈકુંઠ સ્‍વામી, શ્રીહરિપ્રિય સ્‍વામી, જગતપાવન સ્‍વામી , સ્‍વયં પ્રકાશ સ્‍વામી, શ્રી વલ્લભ સ્‍વામી, કૃષ્‍ણ સ્‍વરૂપ સ્‍વામી, ત્‍યાગ સ્‍વામી, આનંદ સ્‍વામી, ગોવિંદ સ્‍વામી, શ્રી નીલકંઠ સ્‍વામી, શ્રી જ્ઞાનજીવન સ્‍વામી વગેરે સંતોએ જિલ્લાનુસાર ભક્‍તોને પત્રિકાઓ લખવાની શરૂઆત કરેલ.

શ્રી પ્રભુ સ્‍વામીના જણાવ્‍યા અનુસાર ૨૨૦ વર્ષ પહેલા સદગુરૂ શ્રી રામાનંદ સ્‍વામીએ ભગવાન શ્રી સ્‍વામિનારાયણને ધર્મધુરા સોંપેલ. જેતપુર મુકામે યોજાએલ ગાદિ પટાભિષેક પ્રસંગ પૂર્વે મુક્‍તાનંદ સ્‍વામી, ભાઈ રામદાસજી વગેરે સંતોએ વૈદિક વિધિ સાથે પત્રિકાઓ લખેલ. એ પ્રસંગની સ્‍મૃતિ સાથે રાજકોટ ગુરુકુલના અમૃત મહોત્‍સવની કંકોતરીઓ સંતોએ લખેલ. નવસારી ધર્મજીવન સંત સંસ્‍કૃત પાઠશાળાના સંતોએ વૈદિક મંત્રોચ્‍ચાર સાથે કીર્તનોનું ગાન કર્યું.

પુરાણી પદ્ધતિ અનુસાર સંતોએ બરૂની ક્‍લમ, પીછીં, લાલ શાહીથી પત્રિકા લખેલ તેમજ કંકુના ચાંદલા કરી ગુલાબની પાંખડીઓ તથા ચોખાથી પત્રિકાઓનું પૂજન કરેલ. અંતે પ્રારંભમાં લખેલ પત્રિકાઓ સંતોએ ભગવાન શ્રી સ્‍વામિનારાયણના ચરણમાં સમર્પિત કરેલ.

પત્રિકા આલેખન મહોત્‍સવની પૂર્વ તૈયારી શ્રી આદર્શ સ્‍વામી, સત્‍યસંકલ્‍પ સ્‍વામી, ચરણપ્રિય સ્‍વામી , શ્રી અનંત સ્‍વામી, નરનારાયણ સ્‍વામી, નીલકંઠ ભગત, બાલુભગત વગેરેએ કરેલ હતી.d

(11:06 am IST)