Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

જુગારધારાના ગુનામાં પકડાયેલ આરોપીઓનો નિર્દોષ-છૂટકારો

રાજકોટ,તા. ૨૯ : જુગારધારાના કેસમાં પટેલ અને ભરવાડ સમાજ જૂથના આરોપીઓનો અદાલત દ્વારા નિર્દોષ છૂટકારો ફરમાવેલ છે.

ગત તા. ૧૫/૧૨/૨૦૧૭ના રોજ રાજકોટ કુવાડવા પોલીસએ આ કામના આરોપીઓ (૧) મનસુખ માધાભાઇ સાકરીયા, (૨) મેહુલ મનસુખભાઇ સોઢા (૩) રાજુભાઇ જયરાજભાઇ કીન્‍ડોલા, (૪) વિજય હંસરાજભાઇ પટેલ (૫) દીપક સવાભાઇ મુંધવા (૬) હિતેશ વજુભાઇ લુણાગરિયા (૭) ખીમાણદ વિરાભાઇ આંબલીયા બધા રહે. રાજકોટવાળા વિરૂધ્‍ધ જુગારધારાની કલમ  ૪,૫ મુજબનો ગુન્‍હો નોંધેલ હતા.

આ કેસના તમામ આરોપીઓ આરોપી મનસુખ માધાભાઇ સાકરીયાના ઘરે જુગાર રમતા પોલીસ રેઇડમાં ઝડપાયા હતા જેમાં આરોપીની અંગ જડતી અને પટમાંથી તેમજ નાલની રકમ સહિત આરોપીઓ પાસેથી રકમ રૂા. ૬૨,૧૩૦ કબ્‍જે કરેલ હતા. તેમજ મારૂતિ સુઝુકી કંપની લી.ની સફેદ કલરની અર્ટીગા મોટર કાર કબ્‍જે કરેલ હતી જે મોટરકારની કિંમત આશરે રકમ રૂા. ૫ લાખ હતી અને આરોપીના હાથમાં અને પટમાં રહેલ ગંજી પાના આમ કુવાડવા પોલીસે કુલ મળી ૫,૬૨,૧૩૦ ની રકમનો મુદ્દામાલ આરોપીઓ પાસેથી કબ્‍જે કરેલ.

આ કેસ આગળ ચાલતા કોર્ટે સંજોગો અને હકીકતો તેમજ આરોપીના વકીલશ્રી દ્વારા વિવિધ હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ રજુ કરવામાં આવેલ જે તમામ હકીકતો અને ચુકાદાઓ લક્ષમાં લઇને કોર્ટે આરોપીઓને જુગાર ધારાની કલમ ૪,૫ મુજબના ગુન્‍હામાંથી આરોપીઓને  નિર્દોષ છોડી મૂકેલ જેમાં આરોપી નં. ૩ કેસ દરમ્‍યાન કોર્ટ સમક્ષ ગેરહાજર હોય તેથી સી.આર.પી.સી. કલમ ૨૯૯ સાથે કલમ ૩૫૩ (૬) મુજબ આરોપી નં.૩ની ગેરહાજરીમાં આ ચુકાદો જાહેર કરવામાં આવેલ હતો.

આ કેસમાં આરોપી નં. ૧,૨,૪,૫,૬ અને ૭ વતી રાજકોટના જાણીતા એડવોકેટ નરેન્‍દ્ર ડી. બુધ્‍ધદેવ, વિષ્‍ણુ નરેન્‍દ્ર બુધ્‍ધદેવ અને કુ.ડોલી નરેન્‍દ્ર બુધ્‍ધદેવ રોકાયેલ હતા.

(10:24 am IST)