Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

રાજકોટના ૨૭ બિલ્‍ડિંગમાં ચૂંટણી તંત્રે પાંચથી વધુ બૂથ ઉભા કરવા પડયા : ૩ સ્‍થળે ૯ થી વધુ મતદાન મથકોઃ BLOને ખાસ ફરજ

BLOને વોટર્સ આસિસ્‍ટન્‍ટ ફોર બૂથની ભુમીકા સોંપાઇઃ મતદારોની પણ કસોટી : NCC-NSS કેડટરોની મદદ લેવાશે

રાજકોટમાં મતદાન માટે પસંદ કરાયેલી શાળાઓ પૈકી ૨૭નાં બિલ્‍ડિંગમાં તો ચૂંઠણી તંત્રએ સામટા પાંચથી વધુ બૂથ ઉભા કરવા પડયા છે, જેને લીધે મતદાન દિને ત્‍યાં પાર્કિગની અગવડ ઉપરાંત કોણે કયા રૂમમાં જવું તે મુદ્દે મતદારોની કસોટી થશે.

શહેરી જિલ્લામાં એક સ્‍થળે પાંચથી વધુ બૂથ હોય એવા ૨૮ બિલ્‍ડિંગમાંથી એક જેતપુરના બાવાવાળા પરામાં અને ૨૭ તો રાજકોટ શહેરમાં જ છે. અલબત્ત, તેમાંથી દસે'ક શાળાઓ મનપા સંચાલિત અને મેદાનો ધરાવતી હોવાથી ત્‍યાં તકલીફો કદાચ ઓછી પડશે તેમ તંત્રનું કહેવુ છે. રાજકોટ પૂર્વમાં આવા ૮ બિલ્‍ડિંગ (સરદાર પટેલ વિદ્યાલય - સંત કબીર રોડ, આરએમસી શાળા નં.૬૭, ૭૨, ૭૮, ૯૬, ૫૮, ૯૬-બી, હરિઓમ ગર્લ્‍સ હાઇસ્‍કૂલ - ૮૦ ફૂટ રોડ) સમાવિષ્‍ટ છે, તો રાજકોટ દક્ષિણમાં આવા ત્રણેય બિલ્‍ડિંગ (ઉમાકાંત ઉદ્યોગનગર, રઘુવીર સોસાયટી, કોઠારિયા મેઇન રોડ) મનપા સંચાલિત શાળાઓના છે. રાજકોટ પશ્‍ચિમમાં રૈયાધાર પર શાળા નં.૯૧, તિરૂપતિનગરમાં પ્રકાશ જ્ઞાન મંદિર, સોમનાથ સોસાયટીમાં રોઝરી સ્‍કૂલ, શાળા નં.૬૪-બી, પુનિતગનરમાં શાળા નં.૫૯ અને સાધુ વાસવાણી સ્‍કૂલ ફોર ગર્લ્‍સ એમ આવા છ બિલ્‍ડિંગ છે. આવા સૌથી વધુ ૧૦ બિલ્‍ડિંગ રાજકોટ ગ્રામ્‍ય બેઠકના મતવિસ્‍તારમાં આવે છે, જેમાં પ્રણામી પાર્કની એસકેપી હાઇસ્‍કૂલ, નાના મવા કે.જી. ધોળકિયા સ્‍કુલ, મવડી મોદી સ્‍કૂલ, સહજાનંદ હાઇસ્‍કૂલ, મવડી તપોવન સ્‍કુલ, ડો.આંબેડકર કન્‍યા શાળા, પુનિતનગર પ્રા.શાળા, કોઠારિયા નારાયણ નગર પ્રાયમરી સ્‍કૂલ, પ્રમોદબેન કોટેચા પ્રાયમરી સ્‍કુલ અને તિરૂપતિ પ્રાયમરી સ્‍કૂલનો સમાવેશ થાય છે. કુલ ૨૭માંથી ૧૧માં ૬-૬ બૂથ, ૮માં ૭-૭ બૂથ, પાંચ બિલ્‍ડિંગમાં ૮-૮ બૂથ અને ત્રણમાં તો ૯-૯ બૂથ છે. અનેક જગ્‍યાએ સાંકડી લોબીમાં ત્રણ-ચાર બૂથ એક જ લાઇનમાં છે. એક જ બિલ્‍ડિંગમાં પ્રવેશતા અનેક બૂથ હેઠળના મતદારો પૈકી કોણે કયા રૂમમાં મતદાન કરવા જવુ તે ખબર ન પડે તો એક કતારમાં કયાંય સુધી ઉભા રહ્યા બાદ પોતાના સાચા બૂથવાળી કતારમાં ફરી ઉભવું પડે તેમ હોવાથી ૧૮ વર્ષથી નીચેના એનસીસી - એનએસએસ કેડેટ્રસ ઉપરાંત હવે બીએલઓને પણ ફરજ સોંપવામાં આવનાર છે. બીએલઓ મતદાન દિને વીએબી (વોટર્સ આસિસ્‍ટન્‍ટ ફોર બૂથ)ની ભૂમિકામાં રહેશે.

(11:56 am IST)