Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

કાલે ડો.વલ્લભભાઈ કથીરીયાનો જન્‍મદિન સેવામય રીતે ઉજવાશેઃ વૃક્ષારોપણ- ગૌ પૂજન -સંગોષ્‍ઠિ

રાજકોટઃ જેતપુર તાલુકાનાં ખીરસરા ગામમાં ૩૦ નવેમ્‍બર ૧૯૫૪ નાં રોજ સામાન્‍ય ખેડૂત પરિવારમાં જન્‍મેલા ડો. કથીરિયા જુના એસ.એસ.સી. બોર્ડમાં સેન્‍ટર ફસ્‍ટ રહી ગોલ્‍ડ મેડલ પ્રાપ્ત કરેલ. અમદાવાદની બી. જે. મેડીકલ કોલેજમાંથી એમ.બી.બી.એસ અને એમ.એસ.ની (સર્જરી) ડીગ્રી મેળવી કેન્‍સર સર્જરીના નિષ્‍ણાંત તરીકે ખ્‍યાતી મેળવી. રાજનીતિમાં હોવા છતાં પણ દરિદ્ર નારાયણની સેવા માટે ગંભીર અને જોખમી ઓપરેશન કરીને પણ અનેક દર્દીઓના જાન બચાવવામાં સફળ રહયા છે.

ડો. વલ્લભભાઈ કથીરિયા રાજકોટ લોકસભાની બેઠક પરથી ચાર-ચાર વખત ચૂંટાઈને તેમની લોકપ્રિયતા પૂરવાર કરી ચૂકયા છે. ૧૨મી લોકસભામાં ૩,૫૪,૯૧૬ મતથી દેશભરમાં સૌથી વધારે લીડથી ચૂંટાવાનો વિક્રમ ધરાવે છે. ૧૯૭૫-૭૭ની કટોકટી દરમિયાન જેલવાસ પણ ભોગવ્‍યો, નવનિર્માણ આંદોલનની જે.પી. મુવમેન્‍ટમાં જોડાવાનું સદભાગ્‍ય પણ ધરાવે છે. તેઓ રકતદાન, વૃક્ષારોપણ, પર્યાવરણ અને દુષ્‍કાળમાં મેડીકલ અને કેટલ કેમ્‍પ , મોરબીની પુર આફત, કચ્‍છનો ભયાનક ભૂકંપ કે સૌરાષ્ટની જળ બચાવો અભિયાન, વગેરે  કાર્યના પર્યાય છે અને એટલે રાજકોટની જનતાએ તેમને ‘ચેકડેમ સાંસદ' અને  ‘મેળાના માનવી' તરીકે નવાજયા છે.

પ્રધાનમંત્રીશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ ડો. કથીરિયાની ગુજરાતની ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડની કામગીરીથી પ્રભાવિત થઈને કામધેનુ આયોગ બનાવી રાષ્ટ્રીય કામધેનું આયોગના ચેરમેન પદે નિયુકત કર્યા હતા.

ડો. વલ્‍ભભાઈ કથીરિયાના ધર્મપત્‍નિ કાન્‍તાબેન પણ સામાજીક ક્ષેત્રે અગ્રેસર રહી સેવા પ્રવૃતિમાં નિમિત્ત બની રહ્યા છે. તેઓ રાષ્ટ્ર સેવિકા સમિતિનાં સૌરાષ્ટ્ર પ્રાંતનાં સંપર્ક પ્રમુખ અને મહિલા સમન્‍વય સૌરાષ્ટ્ર પ્રાંતના સંયોજીકા તરીકે કાર્યરત છે. તેઓની સુપુત્રી ડો. નિષ્‍ઠા અમદાવાદની ડેન્‍ટલ કોલેજમાં એન્‍ડો સર્જરીના હેડ ઓફ ધી ડિપાર્ટમેન્‍ટ તરીકે સેવા આપી રહ્યા છે તો જમાઇ ડો. કિરણ પટેલ સમગ્ર ગુજરાતમાં ફેસિયો - મેકસીલરી ઈમ્‍પલાંટ સ્‍પેશ્‍યાલીસ્‍ટ તરીકે અગ્રેસર છે. ડો. કથીરિયાના સુપુત્ર ડો. આત્‍મન રેડીયોલોજીસ્‍ટ અને પુત્રવધુ ડો.ઘટના પેથોલોજીસ્‍ટ તરીકે  નીયો ડાયગ્નોસ્‍ટીકસ  નામે રાજકોટમાં અધતન સેન્‍ટર ચલાવી માનવ સેવાના યજ્ઞમાં આહુતિ આપી રહ્યા છે.

ડો. વલ્લભભાઈ કથીરિયાનાં જન્‍મદિનની સેવામય ઉજવણી માટે વૃક્ષારોપણ, ગૌપૂજન-ગૌ સંગોષ્‍ઠિનું આયોજન કરવામાં આવ્‍યું છે. કાર્યક્રમમાં પ.પુ. પરમાત્‍માનંદ સરસ્‍વતીજી (સંયોજક, હિંદુ ધર્માચાર્ય મહાસભા)ની વિશેષ ઉપસ્‍થિતિ રહેશે. આ કાર્યક્રમનું કાલે બુધવારે સવારે ૮ થી ૯:૩૦ દરમિયાન શેણી મેમોરીયલ ટ્રસ્‍ટ (એનમલ હેલ્‍પલાઈન રોલ્‍સ્‍ટર), શ્રેયાંસ સ્‍કૂલ પાસે, એફ.સી.આઈ. ગોડાઉન રોડ, શેઠનગર પછી તરત, પ્રિન્‍સેસ સ્‍કૂલનાં ગ્રાઉન્‍ડ પાછળ, જામનગર રોડ, રાજકોટ ખાતે કરવામાં આવ્‍યું છે. મિતલ ખેતાણી (મોઃ ૯૮૨૪૨ ૨૧૯૯૯), ઘનશ્‍યામભાઈ ઠકકર, ધિરેન્‍દ્ર કાનાબાર, ગૌરાંગભાઈ ઠકકર, પ્રતિક સંઘાણી (મોઃ ૯૯૯૮૦ ૩૦૩૯૩) , રમેશભાઈ ઠકકર, એડવોકેટ કમલેશભાઈ શાહ, પારસભાઈ મહેતા દ્વારા આમંત્રણ અપાયું છે. ડો. વલ્લભભાઈ કથીરિયાને જન્‍મદિવસની પૂર્વ સંધ્‍યાથી જ (મો.૯૦૯૯૩ ૭૭૫૭૭) શુભેચ્‍છાઓ વરસી રહી છે.

(1:09 pm IST)