Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

ચૂંટણી સમયના સંકલ્‍પ પત્રો લોભામણી જાહેરાતોને આચારસંહિતા ભંગ ગણવી જોઇએઃ ભીખાભાઇ બાંભણીયા

રાજકોટ તા. ર૯ :.. જસદણનાં પૂર્વ ધારાસભ્‍ય અને રાજકોટ ડેરી તથા જસદણ માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્‍યું છે કે, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચના કમિશનરની નિમણુંક પધ્‍ધતીમાં ફેરફાર કરવા સરકારનું ધ્‍યાન દોર્યુ છે તે આવરદાયક પગલું છે. ચૂંટણી પંચ સરકારના ઇશારે અથવા સરકારના સલાહ સુચન પ્રમાણે કામગીરી કરે તેવા કમિશનરની નિમણુંક થતી હોય તેવા સુપ્રીમ કોર્ટના તારણ કે અવલોકશનના આધારે સરકારને ભલામણ કરવામાં આવી હશે એમ માનવું રહ્યું. ચૂંટણી પંચે ઘણા સુધારા કરવાની જરૂરત છે.

ભીખાભાઇ બાંભણીયાએ વધુમાં જણાવ્‍યું કે,  ચૂંટણી ફંડ ઉઘરાવવુ તેને પણ એક ભ્રષ્‍ટાચાર ગણવો જોઇએ. આ ઉપરાંત (૧) તમામ પ્રકારની પેટાચુંટણી બંધ (ર) ત્રણેય ગૃહના કોઇપણ સભ્‍ય અધવચ્‍ચે રાજીનામુ આપી મતદારોનો દ્રોહ કરનારને ૭ કે વધુ વરસ સુધી કોઇપણ ચૂંટણી લડવા માટે ગેરલાયક ગણવા જોઇએ (૩) અમુક પ્રકારની કલમો મુજબના ગુનેગાર નિર્દોષ સાબિત ન થાય ત્‍યાં સુધી ચૂંટણી લડી શકે નહી તેવી જોગવાઇ થવી જોઇએ (૪) લોકસભા, રાજયસભા કે ધારાસભ્‍યોને અપાતા પગાર અને પેન્‍શન બંધ થવા જોઇએ (ગુજરાતમાં પૂર્વ ધારાસભ્‍યોને  પેન્‍શન આપવામાં આવતુ નથી) ગૃહના કામકાજ માટે જવાનુ થાય ત્‍યારેજ ભાડાભથ્‍થા મળવા જોઇએ તેઓ સરકારી નોકરીયાત નથી (પ) લાયકાત અને વયમર્યાદા નકકી થવા જોઇએ.

ચુંટણીના સમય દરમ્‍યાન કોઇપણ પ્રકારના સંકલ્‍પત્રોને કે લોભામણી જાહેરાતોને આચાર સંહિતનો ભંગ ગણાવો જોઇએ મતદારોને રીઝવવા માટે ગીફટ, રોકડ કે વસ્‍તુના રૂપમાં કાંઇપણ આપવામાં આવેલ છે તેવી ફરીયાદ મળ્‍યે તપાસ કરી સાબિત થયે તેવા ઉમેદવારની ચુંટણી રદ થવી જોઇએ દરેક પક્ષમાં આયારામ-ગયારામ ખરીદ-વેચાણનો સોદા બંધ થવા જોઇએ આ પધ્‍ધતિથી એકહથ્‍થુ શાસન અને ભવિષ્‍યમાં સરમુખત્‍યારશાહી અમલમાં આવે એવી શકયતાઓ રહેલી છે સૌએ આ બાબતે મનોમંથન કરવાની જરૂર છ.ે તેમ અંતમાં ભીખાભાઇ બાંભણીયાએ જણાવ્‍યું છે.

(4:35 pm IST)