Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

લોકો નિર્ભિક બની મતાધિકાર વાપરી શકે તે માટે સજ્જડ બંદોબસ્‍ત : ૬ હજાર સામે અટકાયતી પગલા

૪ર અસામાજીકોને પાસામાં ધકેલી દેવાયા : ૪૭ ને હદપાર કરાયા : ૩૬૦૦ લીટર દેશી અને ૧૦ હજારથી વધુ બોટલ વિદેશી દારૂ ઝડપી લેવાયો : ૪ ગેરકાયદે હથીયારો કબ્‍જે : ૧ લી તારીખે મતદાનના દિવસે મતદાન મથકો ઉપર ૧૪૮૧ પોલીસ, ર૭ કંપની સીઆરપીએફ અને ૧૬૦૦ થી વધુ હોમગાર્ડસનું સુરક્ષા ચક્ર રચાયું : રાજુ ભાર્ગવના માર્ગદર્શન હેઠળ ચકલુય ફરકે નહિ તેવો બંદોબસ્‍ત ગોઠવાયો

રાજકોટ પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ દ્વારા આજે ચુંટણીલક્ષી પગલાઓ અને બંદોબસ્‍તની માહીતી અખબારોને આપવામાં આવી હતી.(ફોટોઃ સંદીપ બગથરીયા)

 

રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ  તથા અધિક પોલીસ કમિશનર  સૌરભ તોલંબીયાના માર્ગદર્શન હેઠળ આગામી તા. ૧લીના મતદાનના દિવસે શહેરમાં કાયદો અને વ્‍યવસ્‍થાની સ્‍થિતિ જળવાઇ રહે અને મતદારો શાંતિપુર્ણ વાતાવરણમાં પોતાનો મતાધિકાર વાપરી શકે તે માટે જડબેસલાક બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો છે. આ બારામાં આજે યોજાયેલી પ્રેસ કોન્‍ફરન્‍સમાં ચુંટણી જાહેર થઇ ત્‍યારથી અત્‍યાર સુધી પોલીસ દ્વારા લો-એન્‍ડ ઓર્ડર જાળવવા માટે લેવાયેલા તકેદારીના પગલા અને ગુન્‍હાહીત પ્રવૃતી ડામી દેવા કરવામાં આવેલી કડક કાર્યવાહીની આંકડાકીય માહિતી આપવામાં આવી હતી. 

આગામી વિધાનસભા સામાન્‍ય ચુંટણીના ભાગ રૂપે આચાર સંહિતાની કડક  અમલવારી થાય અને શહેર વિસ્‍તારના લોકોની જાનમાલનુ રક્ષણ થાય તથા લોકો  નિર્ભીક રીતે  શાંતિપુર્ણ રીતે મતદાન કરી શકે અને મતદાન  કરતી વખતે કોઇ જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય  નહી તે માટે શહેર પોલીસ સતત  દોડતી રહી છે.

 અગાઉની  વિધાનસભા અને લોકસભા તેમજ અન્‍ય ચુંટણીઓ દરમ્‍યાન બનવા પામેલ  ગુન્‍હાઓને ધ્‍યાનમાં રાખી તેમજ અગાઉ  અસામાજીક પ્રવળતિઓ આચરતા જાણીતા  ગુન્‍હેગારો આગામી વિધાનસભા ચુંટણી દરમ્‍યાન કોઇ ગુન્‍હા ન આચરે તે માટે રાજકોટ શહેરમાં રહેતા અસામાજીક તત્‍વો ઉપર રાજકોટ શહેર પોલીસ દ્વારા  અસરકારક કુલ-૬૪૦૪ અટકાયતી પગલા લેવામાં આવ્‍યા છે. 

પાસા હેઠળ કુલ-૪૨ પાસા અટકાયતી ને અટકાયત કરી ગુજરાત રાજયની  અલગ-અલગ જેલમાં મોકલી આપવામાં આવ્‍યા છે.   કુલ-૪૭ હદપાર દરખાસ્‍ત કરી રાજકોટ શહેર માંથી અન્‍ય જીલ્લામાં હદપાર  કરવાની કાર્યવાહી કરવામાં આવેલ છે.  

દેશી દારૂ લીટર-૩૬૯૧ કિ.રૂા. ૭૩,૧૮૦/- તથા ઇંગ્‍લીશ દારૂની કુલ બોટલ  નંગ-૧૦૦૮૧ કિ.રૂ.૩૮,૦૯,૧૭૦/- નો મુદામાલ ઝડપી લઇ   શહેરમાં સદંતર    દારૂ નેસ્‍ત નાબુદ  કરવા કોશીષ કરવામાં આવી છે.   

    માદક પદાર્થ એમ.ડી. ડ્રગ્‍સ ૧૭.૧૧ ગ્રામ નો જથ્‍થો કુલ કિ.રૂ&.૧,૭૧,૧૦૦/-  નો કબ્‍જે કરવામાં આવ્‍યું છે.   

ગેરકાયદેસર હથિયાર કુલ-૪ તથા કાર્ટીસ નંગ-૮ પકડી પાડી ગંભીર  ગુન્‍હાઓ બનતા અટકાવવા તજવીજ કરેલ  છે.    રાજકોટ શહેર વિસ્‍તારમાં કુલ-૩૩૫૩ પકડ વોરંટોની બજવણી કરવામાં  આવેલ છે.   

 શહેરી વિસ્‍તારના નાસતા-ફરતા આરોપીઓને પકડવા સારૂ ખાસ  ઝુંબેશ  શરૂ કરવામાં આવી છે. જે અનુસંધાને ચુંટણી આચારસંહિતા લાગુ થયા બાદ  આજ દિન સુધીમાં કુલ-૩૨ નાસતા-ફરતા આરોપીઓ ને અટક કરવામાં આવી હતી.  

રાજકોટ શહેર પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, એડીશ્નલ પોલીસ કમિશ્નર સૌરભ તોલંબીયાના માર્ગદર્શન  હેઠળ તમામ ડીસીપીની સીધી દેખરેખ હેઠળ  વિધાનસભા  ચુંટણીના મતદાનના દિવસે રાજકોટ શહેર માં આવેલ  મતદાન મથકો ઉપર પોલીસ અધિકારી અને કર્મચારીઓ કુલ-૧૪૮૧ તથા હોમગાર્ડ કુલ-  ૧૬૦૦ તથા સી.આર.પી.એફ.ની ૨૭ કંપનીની કુલ-૭ સેકશન  બંદોબસ્‍ત માટે તૈનાત  કરવામાં આવશે તેમ પ્રેસ કોન્‍ફરન્‍સમાં શ્રી ભાગર્વ દ્વારા જણાવવામાં આવ્‍યું હતું.

(3:41 pm IST)