Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

રાજકોટની ચારેય સીટો ઉપર મતદાન નિષ્પક્ષ અને ન્યાયી રહે તે જોજોઃ શહેર કોંગ્રેસની પોલીસ કમિશ્નર સમક્ષ રજુઆત

રાજકોટની જનતા અને મતદારો ખરા અર્થમાં મતદાનના દિવસે સુલેહ-શાંતિ અને સલામતી અનુભવે તેની જવાબદારી પોલીસની છે તે યાદ રાખજો

રાજકોટ, તા. ર૯ : ગુજરાત વિધાનસભાની સામાન્ય ચુંટણી-૨૦૨૨ના પ્રથમ તબક્કાનુ મતદાન આગામી તા.૦૧/૧૨/૨૦૨૨ના રોજ થનાર છે ત્યારે સમગ્ર ભારત દેશમાં રંગીલા રાજકોટ તરીકે આગવી ઓળખ ધરાવતા રાજકોટ શહેરની શાંતિપ્રિય જનતા વતી રાજકોટ શહેર કોંગ્રેસ પક્ષના જવાબદાર આગોવાનો અમો  વિનંતી સાથ જણાવીએ છીએ કે ચુંટણીના દિવસે અને ચુંટણી સુધી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ નિષ્પક્ષ અને ન્યાયી રીતે થાય તે જોવાની આપની જવાબદારી છે જે આપ નિભાવશો. રાજકોટ શહેરના જુદા-જુદા વિસ્તારોમાં જુદા-જુદા પોલીસ મથકોમાં ત્યાંના અધિકારીઓ અને તમારા તાબાના અન્ય અધિકારીઓ કોઈપણ પ્રકારે મતદારોને ન્યાયી મતદાન કરવાથી રોકે નહી કે પક્ષપાતથી મતદાન કરવાની સુચના આપે નહી. તે મુદ્દે આપ સતર્ક રહો તેવી અમારી માંગણી છે.

વિધાનસભા-૬૮માં ઉમેદવારનો ગુનાહિત ઈતિહાસ જોતા ત્યાં કોઈ પ્રકારની ધાકધમકી કે બળજબરી મતદારોને કોઈ ચોક્કસ પક્ષની તરફેણમાં મતદાન કરવા અથવા મતદાનથી દુર રાખવા માટે કોઈપણ પ્રકારના પગલા અજમાવવામાં ન આવે જેની પોલીસ પુરતી તકેદારી રાખી પ્રમાણિકતાથી કામગીરી બજાવે  તેવી કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલ રાજયગુરૃ અને આગેવાનોએ માંગણી કરી હતી.

આ ઉપરાંત રાજકોટ શહેરની વિધાનસભા ૬૮, ૬૯, ૭૦ અને ૭૧ના મતદારો અને નાગરિકો વતી  કોંગ્રેસે  રજુઆતમાં જણાવ્યું હતું કે,  પોલીસ મતદાનના દિવસે અને મતદાન પૂર્વે સ્ટેન્ડબાય મોડમાં એલર્ટ રહે તેમજ સમગ્ર રાજકોટની જનતા ખરા અર્થમાં  સુલેહ-શાંતિ-સલામતી અનુભવે તેવી પ્રજાજનો અને મતદારો વતી અમે માંગણી કરીએ છીએ. ઉપરોકત રજુઆતમાં કોંગ્રેસના ઉમેદવાર ઇન્દ્રનીલભાઇ રાજયગુરૃ શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રદીપ ત્રિવેદી,ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ ગાયત્રીબા વાઘેલા,  વિરોધપક્ષના નેતા ભાનુબેન સોરાણી,  વિધાનસભાના ઉમેદવાર સર્વશ્રી  મનસુખભાઇ કાલરીયા, હિતેશ વોરા, સુરેશ બથવાર, પ્રદેશ ઉપપ્રમુખ ડો.હેમાંગ વસાવડા, જશવંતસિંહ ભટ્ટી, પુર્વ વિપક્ષી નેતા અતુલ રાજાણી, કોંગ્રેસ લીગલ સેલના અગ્રણી અશોકસિંહ વાઘેલા, મહામંત્રી ડી.પી.મકવાણા, ગોપાલ અનડકટ, ગૌરવ પુજારા, ભરતભાઇ મકવાણા સહીતના આગેવાનો જોડાયા હતા.

(4:23 pm IST)