Gujarati News

Gujarati News

News of Saturday, 28th January 2023

ચાર મહિના પહેલા રાજકોટમાં હત્‍યા કરી ભાગેલા પ્રશાંતને ક્રાઇમ બ્રાંચે તમિલનાડુથી દબોચી લીધો

કોઠારીયા સ્‍વાતિ પાર્ક સામે જીત ઇન્‍ડસ્‍ટ્રીયલ એરિયામાં ઘટના બની હતી : વતનમાં મોટો માણસ થવાની પ્રસિધ્‍ધી મેળવવા રાજેન્‍દ્ર ભોયને માથા-મોઢા પર પથ્‍થરો ફટકારી પતાવી દીધો હતોઃ પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ એન. ડી. ડામોર અને ટીમને સફળતા

રાજકોટ તા. ૨૮: શહેરના કોઠારીયા સ્‍વાતિ પાર્ક મેઇન રોડ પર સ્‍વાતિ પાર્કની સામેના ભાગે જીત ઇન્‍ડસ્‍ટ્રીયલ પાર્કના કમ્‍પાઉન્‍ડની ફેન્‍સીંગ દિવાલ પાસે તા. ૪/૯/૨૨ના રોજ મુળ ઓરિસ્‍સાના સુરેશ રાજેન્‍દ્રભાઇ ભોય (ઉ.વ.૨૧)ની મોઢા-માથાના ભાગે ઇંટ-પથ્‍થર ફટકારી હત્‍યા કરવામાં આવી હતી. આ ગુનામાં જે તે વખતે હત્‍યાનો ભોગ બનનારના ભાઇ મહેન્‍દ્ર મોયની ફરિયાદને આધારે ઓરિસ્‍સાના જ કાલહાંડી જીલ્લાના ભુડીપદર ગામના પ્રશાંત કુમારમણી પાત્રા વિરૂધ્‍ધ હત્‍યાનો ગુનો આજીડેમ પોલીસ મથકમાં નોંધાયો હતો. જો કે હત્‍યા બાદ પ્રશાંત ભાગી ગયો હતો. આ શખ્‍સને ચાર મહિના બાદ શહેર ક્રાઇમ બ્રાંચની ટીમે તમિલનાડુના તીરપુર ગામેથી બાતમનીને આધારે પકડી લીધો છે.

હત્‍યાનો ભોગ બનનાર રાજેન્‍દ્ર રાજકોટમાં સ્‍વાતિ પાર્ક સામે તેના ભાઇ મહેન્‍દ્ર સાથે કડીયા કામની સાઇટ પર રહી મજૂરી કરતો હતો. સાથે પ્રશાંત પાત્ર પણ મજૂરી કરતો હતો. પ્રશાંતને પોતાના વતનમાં     મોટો માણસ બનાવની પ્રસિધ્‍ધી મેળવવાની ઇચ્‍છા હોઇ જેથી તે રાજેન્‍દ્ર સાથે માથાકુટ કરી હત્‍યા કરી ભાગી ગયો હતો.

આ શખ્‍સ તમિલનાડુના તીરુપુરમાં હોવાની બાતમી મળતાં ત્‍યાંથી દબોચી લેવાયો છે. પોલીસ કમિશનરશ્રી રાજુ ભાર્ગવ, સંયુક્‍ત પોલીસ કમિશનરશ્રી સોૈરભ તોલંબીયા, ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની રાહબરીમાં પીઆઇ એલ. એલ. ચાવડા, પીએસઆઇ એન. ડી. ડામોર, ચેતનભાઇ ચાવડા, અશોકભાઇ ડાંગર, આજીડેમના જગદીશસિંહ પરમાર, હરીસીંગભાઇ પરમાર, મહાવીરસિંહ જાડેજા, ડ્રાઇવર ભગીરથસિંહ ઝાલાએ આ કામગીરી કરી હતી. અગાઉ આ ગુનામાં આરોપી પ્રશાંતને મદદ કરનારા પાંચ આરોપી ભરતસિંહ, નિલેષ, જેતાધર, નિર્મળ અને સુશાંત પકડાયા હતાં.

(3:54 pm IST)