Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

ખાનગી શાળામાં ધો. ૭ ની વિદ્યાર્થીની સાથે શિક્ષકે અડપલા કર્યાની ઘટના સામે આવી ફરીયાદ નોંધાય

પોલીસ આરોપી શિક્ષકને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી

રાજકોટઃ રાજકોટ શહેરમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટના સામે આવી છે. જેમાં ડી કે અડયુવીલ્લા નામની ખાનગી શાળામાં ધોરણ-7ની વિદ્યાર્થીની સાથે શિક્ષકે શારીરિક અડપલાં કર્યાનું સામે આવ્યું છે. આ છાત્રાનાં પરિવારે શાળાનાં પ્રિન્સિપાલને રજૂઆત કરતા તેમણે પણ યોગ્ય જવાબ આપ્યો નહોતો. જેને લઈ પરિવાર દ્વારા સમગ્ર મામલે બી-ડિવિઝન પોલીસમાં આ અંગેની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે આરોપી શિક્ષકને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગત મુજબ, મોરબી રોડ સેટેલાઈટ ચોક પાસે આવેલ ડી.કે.સ્કૂલના શિક્ષક સાગર વાઢેર દ્વારા 7માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની સાથે શારીરિક અડપલાં કરવામાં આવતા હતા. છેલ્લા ઘણા સમયથી શિક્ષક દ્વારા કરવામાં આવતા આ કૃત્ય અંગે પીડિત વિદ્યાર્થીની દ્વારા તેમની માતાને વાત કરવામાં આવતા પરિવાર ચોંકી ઉઠ્યો હતો. તેમજ આ મામલે શાળાનાં પ્રિન્સિપાલ જાગૃતિબેન પાટડીયાને આ અંગે રજુઆત કરી હતી. જોકે પ્રિન્સિપાલે પરિવારજનોને મદદ કરવાના બદલે પરિવાનો ઉધડો લીધો હતો. જેને લઈને આ અંગે વિદ્યાર્થીનીનાં માતા અને પ્રિન્સિપાલને બોલાચાલી પણ થઈ હતી.

ભોગ બનનારની માતાના જણાવ્યા મુજબ, પ્રિન્સિપાલ તરફથી યોગ્ય પ્રત્યુત્તર નહીં મળતા આખરે પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવવાનો નિર્ણય લીધો હતો. અને આ મામલે શહેરનાં બી-ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી હતી. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી બી-ડિવિઝન પોલીસ તરત હરકતમાં આવી હતી. અને ગણતરીની કલાકોમાં આરોપી શિક્ષક સાગર વાઢેરને પોલીસે ઝડપી લીધો છે. વિદ્યાર્થીનાં જણાવ્યા મુજબ મેથ્સ ભણાવતો સાગર વાઢેર અવારનવાર વિદ્યાર્થીનીઓને ધાક-ધમકી આપીને શારીરિક અડપલાં કરતો હોવાનું સામે આવ્યું છે. જેના આધારે હાલ પોલીસે આરોપી શિક્ષકની પૂછપરછ સહિતની જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.

જોકે આરોપી શિક્ષક ઝડપાયા બાદ મીડિયા સાથેની વાતચીતમાં શાળાનાં પ્રિન્સિપાલ જાગૃતિ પાટડીયાએ જણાવ્યું હતું કે, સાગર વાઢેરની ભરતી દોઢેક મહિના અગાઉ જ કરવામાં આવી છે. અને તેના દ્વારા અમુક વિધાર્થીનીઓ સાથે શારીરિક અડપલાં કરવામાં આવ્યા હોવાનું સામે આવતા જ અમે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જો અમે આવું ન કરીએ અને તેને માત્ર છૂટો કરાય તો તે ફરી બીજી કોઈ શાળામાં નોકરી મેળવીને આવું ફરીવાર કરે તેવી શક્યતા હોવાથી શાળા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો.

(11:04 am IST)