Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

માં અન્‍નપૂર્ણાની જેમ રાજ્‍ય સરકારે શ્રમિકોના ભોજનની ખેવના કરી છે : ભાનુબેન

આવાસ યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ અપાઇ : રાજકોટમાં ૯ સ્‍થળે રૂા. ૫માં શ્રમિકોને ભોજન આપવાનો પ્રારંભ

રાજકોટ તા. ૨૮ : માં અન્નપૂર્ણાએ ભગવાન શંકરને અન્ન તૃપ્તિ કરાવેલી, તે રીતે જ રાજય સરકાર દ્વારા બાંધકામ શ્રમિક પરિવારોના ભોજનની ખેવના કરી રહી હોવાનું સામાજિક ન્‍યાય અને અધિકારીતા મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાએ શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પુનઃ પ્રારંભ કરાવતા જણાવ્‍યું હતું.

કોરોના બાદ મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલે અમદાવાદ તેમજ ગાંધીનગર ખાતે આ યોજનાનો પુનઃ પ્રારંભ  કરાવ્‍યો છે.  હાલ વડોદરા, સુરત અને રાજકોટ સહિત કુલ ૮૧ કેન્‍દ્રો પર આ યોજનાની અમલવારી શરૂ થઈ ચુકી  હોવાનું મંત્રીશ્રીએ  જણાવ્‍યું હતું .

મંત્રીશ્રી ભાનુબેને આ તકે શ્રમિકોને રવાનો શીરો, બે શાક, પુલાવ, રોટી સહિતનું ભોજન પીરસી શ્રમિક મહિલાઓ પ્રતિ સમભાવ વ્‍યક્‍ત કર્યો હતો. તેમજ ધન્‍વંતરિ રથની મુલાકાત લઈ શ્રમિકોને આપવામાં આવતી સારવારની માહિતી મેળવી હતી. કાર્યક્રમમાં મંત્રીશ્રીના હસ્‍તે શ્રી નાનાજી દેશમુખ આવાસ યોજનાના લાભાર્થીઓને પ્રતિ વ્‍યક્‍તિ રૂ. ૧.૬૦ લાખ સહાયના ચેક અર્પણ કર્યા હતાં.

રાજકોટ શહેર ખાતે રૈયા ચોકડી, બાલાજી હોલ, મવડી ચોકડી, બોરડી નાકુ,પાણીના ઘોડો કડિયા નાકુ, રામ રણુજા  કડિયા નાકુ, નીલકંઠ  કડિયા નાકુ, ગંજીવાડા  કડિયા નાકુ, શાપર કડિયા નાકુ સહિત શ્રમિક અન્નપુર્ણા યોજનાનો આજ રોજ ૯ સ્‍થળોએ શુભારંભ કરાયો છે.

આ કાર્યક્રમમાં નાયબ શ્રમિક કમિશનર શ્રી જી.એમ ભુટકા, ઇન્‍ડસટ્રીઅલ સેફટી અને હેલ્‍થ વિભાગના જોઈન્‍ટ ડિરેક્‍ટર શ્રી એચ. એસ, પટેલ તેમજ મોટી સંખ્‍યામાં શ્રમિકો ઉપસ્‍થિત રહ્યાં હતા.  સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધર્મેશ દવે દ્વારા કરવામાં આવ્‍યું હતું.

(3:14 pm IST)