Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

મનપાના બજેટમાં માળખાકીય સુવિધાને પ્રાધાન્‍ય : નવો કરબોજ ઝીંકાશે ?

અંદાજે ૨૦૦૦ કરોડ આસપાસના વર્ષ ૨૩-૨૪ ના બજેટને આખરીઓપ આપતા મ્‍યુનિ. કમિશનર અમિત અરોરા મંગળવારે પાણી વેરા વધારા સહિતની દરખાસ્‍તો સ્‍ટેન્‍ડીંગ કમિટિને સુપ્રત કરશે : નવી આકર્ષક મોટી યોજનાઓ નહિ અપાઇ

રાજકોટ તા. ૨૮ : મ્‍યુનિ. કોર્પોરેશનના નવા નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ના બજેટને મ્‍યુનિ. કોર્પોરેશનના તંત્રવાહકોએ આખરી ઓપ આપી દીધાનો અને સંભવત મંગળવારે સ્‍ટેન્‍ડીંગ કમિટિની મંજૂરી અર્થે રજૂ થનાર હોવાનું જાણવા મળ્‍યું છે.

આધારભૂત સૂત્રોના જણાવ્‍યા મુજબ મ્‍યુનિ. કોર્પોરેશનનું નવા નાણાકીય વર્ષ ૨૦૨૩નું નવુ ૨૦૦૦ કરોડનું કદ ધરાવતુ બજેટ તથા હાલનું ૨૦૨૨-૨૩નું રીવાઇઝ બજેટ આગામી ચાલુ સપ્‍તાહમાં એટલે કે તા. ૩૧ જાન્‍યુઆરી મંગળવારે સ્‍ટેન્‍ડીંગ કમિટિને મ્‍યુનિ. કમિશનર દ્વારા સુપ્રત કરી દેવામાં આવે તેવી શક્‍યતાઓ છે. આ નવા બજેટમાં પાણી વેરો રૂા. ૮૪૦માંથી વધારીને ૧૧૦૦ આસપાસ રાખવાનું સૂચવાયુ હોવાનું જાણવા મળ્‍યું છે.

હાલ બજેટ માટે કોર્પોરેશનની તમામ શાખાઓ પાસેથી આવનાર વર્ષથી તેમની જરૂરીયાતો તેમજ ચાલુ નાણાકીય વર્ષના ચર્ચાઓના અહેવાલો મગાવી હવે બજેટને આખરીઓપ આપવા મ્‍યુનિ. કમિશનર અમિત અરોરાએ કવાયત શરૂ કરી છે. બજેટ તૈયાર કરીને સ્‍ટેન્‍ડીંગ કમિટિને આપી દેવા અધિકારીઓ કટીબધ્‍ધ છે. નવા વર્ષના બજેટમાં વેરો વધારા તથા માળખાકીય સુવિધાને પ્રાધાન્‍ય આપવામાં આવે તેવી શક્‍યતા છે. આમ એકંદરે ૨૦૨૩-૨૪નું બજેટ હળવું ફુલ રહેવાની શક્‍યતાઓ વધારે છે. ચાલુ નાણાકીય વર્ષનું બજેટ ૨ ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવ્‍યું હતું. અંદાજીત ૨૩૩૪.૯૪ કરોડનું અંદાજપત્ર ૫૦%એ પણ પહોંચે તેવી કોઇ જ શક્‍યતા લાગતી નથી.

(3:58 pm IST)