Gujarati News

Gujarati News

News of Friday, 30th April 2021

સૂરસંસારના પ્રણેતા - સ્થાપકની વસમી વિદાય...

મોદીકાકા (ભગવતીભાઈ મોદી) વન મેન આર્મી હતા...

કાર્ડ પ્રિન્ટ કરાવવા, પત્રો, કવરો, પત્રો લખવા સહિતના સંસ્થાના કામો પોતે જાતે જ કરતાં : ગીતો અને ગાયક કલાકારોની પસંદગીમાં તેઓની હંમેશ છાપ જોવા મળતી : સંસ્થાની સફળતા માટે કયારેય ઘમંડ દેખાડ્યો ન હતો

'અકિલા' સાથેના યાદગાર સંભારણા : સૂરસંસારના પ્રણેતા શ્રી ભગતીભાઈ મોદી (મોદીકાકા) દોઢેક મહિના પહેલા 'અકિલા' કાર્યાલયની મુલાકાતે આવેલા તે સમયની તસ્વીર. તસ્વીરમાં 'અકિલા' પરિવારના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે મોદીકાકા નજરે પડે છે.

સૂરસંસારના પ્રણેતા એવા મોદીકાકા (ભગવતીભાઈ મોદી)નું આજરોજ દુઃખદ નિધન થયુ છે. રાજકોટના સંગીત જગતમાં અગ્રેસર સંસ્થા સૂરસંસારની સ્થાપના ૧૯૯૪માં થઈ હતી. સાવ નાના બેઠક સ્વરૂપે ગોલ્ડન પીરીયડના ગીતો ગાઈ - વગાડીને માણવાના ધ્યેય સાથે યા બેઠકે સંસ્થાનું સ્વરૂપ ધારણ કરી લીધુ.

જૂનાગઢના શ્રી ભગવતીભાઈ મોદીના મકાનમાં રાત્રે આવી સંગીતની બેઠકો ચાલતી. છેક સવારે ૫ વાગ્યે પૂરી થતી. ભગવતીભાઈ સરકારી નોકરીમાંથી નિવૃત થયા પછીનો યા પ્રવૃતિ માટે તેમને રીતસર ભેખ લીધો. તેઓ બેઠક સુચક સ્કુલમાં ગોઠવી. પ્રતિસાદ સારો મળ્યો અને ધીમે ધીમે વટવૃક્ષ બની આ સંસ્થા. સૂરસંસાર સંસ્થા કેટલા વર્ષો સુધી કાર્યરત રાખવી તેવા કોઈ જ નિર્ધાર વગર, કોઈ જ અપેક્ષા વગર સંસ્થા શરૂ થઈ અને રફતા રફતા ૧૫૦ જેવા કીર્તીમાન સાથે સંસ્થાએ ૨૫ વર્ષો પૂરા કર્યા. મોદીકાકાએ રીતસર ભેખ લઈને આ સંસ્થા ચલાવી. તેમણે કદી કોઈની સ્પર્ધા નથી કરી કે સફળતા માટે કદી અભિમાન કર્યુ નથી.

સૂરસંસારની ખાસીયત રહી કે તેમણે કદી મંચ ઉપર ઝાકમઝોળને મહત્વ આપ્યુ નથી. કોઈ ભાષણબાજી નહિં, સાદગીપૂર્ણ રજૂઆત થતી. ગીતોની પસંદગી અને તેની રજૂઆત એ તો સૂરસંસારની ઓળખ બની રહી. સદૈવ ગીતોની પસંદગીમાં, કલાકારોની પસંદગીમાં મોદીકાકાની છાપ જોવા મળતી. સંગીતકારો, ગાયકો, અભિનેતાઓ વિશે અદ્દભૂત માહિતી ધરાવતા હતા.

ફિલ્મોના વિખ્યાત અભિનેતાઓ જેવા કે, વિશ્વજીત, અભિનેત્રી નીમ્મી, સંગીતકાર રવિ સાહેબ, રવિન્દ્ર જૈન, વાદક કિશોરભાઈ દેસાઈ જેવા વિશ્વ ખ્યાતિપ્રાપ્ત કલાકારોને તેઓ સૂરસંસારના મંચ ઉપર લાવી શકયા.

ગુજરાત તથા ભારતના સુવિખ્યાત ગાયક કલાકારોને તેઓ સૂરસંસારમાં નિમંત્રણ આપતા તથા વિખ્યાત વાદક વૃંદ પણ તેઓ સૂરસંસાર માટે બોલાવતા. આ બધા સાથે અંગત સંબંધો ધરાવતા હતા.

સ્વભાવે સ્પષ્ટ વકતા છતાં ઋજુ હૃદય ધરાવતા. સૂરસંસારના કાર્યક્રમોમાં મધ્યાંતર પૂર્વે માત્ર બે મિનિટ માટે સંસ્થાકીય માહિતી આપવા માટે આવે. પોતાની આગવી શૈલીમાં સહજ શૈલીમાં પોતાના વિચારો રાખે.

સંસ્થાની સફળતા માટે તેમણે કયારેય ઘમંડ દેખાડ્યો નથી. કોઈપણ કાર્યક્રમની સફળતા માટે તેઓ સદૈવ કહેતા 'ઉપર વાળો બધુ પાર પાડે છે.'

પ્રોગ્રામ રાત્રે ૧ વાગ્યે પૂરો થાય કે તુરંત જ મોટાભાગના કલાકારોને તેમની ફી આપીને આભાર માનીને વિદાય કરી દેતા. હિસાબમાં ખૂબ જ ચીવટ રાખતા.

એક પ્રોગ્રામ પૂરો થાય કે બીજા દિવસથી આગલા બે પ્રોગ્રામની તૈયારી કરી રાખતા. ફોન દ્વારા કલાકારો, વાદકો, સાઉન્ડ વગેરે બુક કરી લેતા. હોલ ભાડે રાખવાની કાર્યવાહી પણ તૈયાર કરતા. વન મેન આર્મી હતા મોદીકાકા.

સંસ્થાનું દરેક કામ જેવા કે કાર્ડ પ્રિન્ટ કરાવવા, પત્રો લખવા, કવર તૈયાર કરવા, કુરીયરમાં પહોંચાડવા ઉપરાંત બેન્કના દરેક કામ જાતે જ કરતા. તેમના ધર્મપત્નિએ ખૂબ જ સહકાર આપ્યો છે.

સંસ્થાની વર્ષો પહેલા નબળી પરિસ્થિતિ હતી ત્યારે કેટલાક ગાયક કલાકારોને પોતાના ઘરે જ ઉતારો આપીને સંસ્થાના પૈસા બચાવતા.

રાજકોટના સંગીત જગતમાં ઈતિહાસ સર્જવા ઈશ્વરે મોદીકાકાને મોકલ્યા હતા. ૧૫૦ કાર્યક્રમના કીર્તીમાન સ્થાપીને આ સંગીતનો જીવ સદા માટે ઈશ્વરના ચરણોમાં પહોંચી ગયા. મોદી કાકા સદા યાદ રહેશે.

:: આલેખન ::

જે. કે. જોષી, રાજકોટ

(મો. ૯૬૬૪૯ ૮૧૨૫૨)

(4:11 pm IST)