Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

પુરવઠાએ ઝડપી લીધેલ લાખોની કિંમતના ઘઉં-ચોખા સંદર્ભ જવાબદારો સામે પોલીસ ફરીયાદ કરો

આપનું આવેદન : PBM કરવા માંગણી : પુરવઠા ખાતાના અમુક ભ્રષ્‍ટ અધિકારીઓની સંડોવણીના આક્ષેપો

રેશનીંગનો જથ્‍થો પકડાવા મુદ્દે આમ આદમી પાર્ટીના આગેવાનો દ્વારા આવા લોકો સામે સખત અને શિક્ષાત્‍મક પગલા લેવા માટે કલેકટર કચેરી ખાતે એડી.કલેકટરને આવેદન આપ્‍યુ ત્‍યારની તસ્‍વીર. (તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)
રાજકોટ,તા. ૩૦ : આમ આદમી પાર્ટી, રાજકોટના આગેવાનો રાજભા ઝાલા અને અન્‍યોએ આજે કલેકટરને આવેદન આપી ગઇ કાલે અનાજના કાળાબજાર અંગે પ્રસિધ્‍ધ થયેલ સમાચારો અંગે જવાબદાર વિરૂધ્‍ધ પ્રીવેન્‍શન ઓફ બ્‍લેક માર્કેટિંગ એકટ મુજબની ફોજદારી ફરીયાદ નોંધી. ધરપકડ કરી દાખલારૂપ કાનુની કાર્યવાહી કરવા રજુઆત કરી હતી.
આવેદનમાં જણાવ્‍યા મુજબ હાલમાં ગત તા. ૨૯ના રોજ વર્તમાન પત્રોમાં પ્રસિધ્‍ધ થયેલ સમાચારો મુજબ ૩૧,૪૦૦ કિલો સસ્‍તા અનાજનો ગેરકાયદેસર રાખેલ સ્‍ટોક રાજકોટના પરસાણા નગર વિસ્‍તારમાંથી રાજકોટના પુરવઠા તંત્રની રેડ દરમ્‍યાન મળી આવેલ છે જે અંગે તંત્ર દ્વારા કોઇ પણ પ્રકારની ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવેલ ન હોય હાલનું આવેદનપત્ર પાઠવવાનું કારણ ઉપસ્‍થિત થયેલ છે.
આ પ્રકારની કાર્યવાહી જવાબદારો કેટલા સમયથી ચલાવી રહ્યા છે. આજદીન સુધી આ પ્રકારે કેટલા રૂપિયાનું અનાજ કાળાબજાર કરવામાં આવેલ છે. જે પ્રકાર અનાજનો જંગી પુરવઠો રેઇડ કરવામાં મળી આવેલ છે. તે જોતા આ સમગ્ર કૌભાંડ માત્ર લાભાર્થીઓએ આટલા મોટા જથ્‍થામાં અનાજ કૌંભાડકારને વેચેલ હોય તેવું પ્રથમ દર્શનીય શકય લાગતુ નથી જેથી આમા સસ્‍તા અનાજની દુકાનો ચલાવનાર પણ સામેલ હોય, પુરવઠા ખાતાના અમુક અધિકારીઓ દ્વારા હપ્‍તાખોરીના માધ્‍યમથી આ સમગ્ર કૌભાંડ ચલાવવામાં આવી રહ્યુ હોય તેવી શક્‍યતા નકારી શકાય નહિ જેથી પણ આ સમગ્ર કૌભાંડમાં અનાજનો જથ્‍થો કયાંથી અને કેવી રીતે મેળવવામાં આવતો હતો. અને કોને અનાજ વેચાણ કરવામાં આવતુ હતુ તે અંગેની કૌભાંડકારોની મોડસ ઓપરેન્‍ડી વિશે પણ પોલીસ તપાસ થવી અત્‍યંત આવશ્‍યક છે. અને આ પ્રકારનું કૌભાંડ રાજકોટ સિવાય  અન્‍ય બીજી કોઇ જગ્‍યાએ ચાલવવામાં આવી રહેલ છે કે તે અંગે પણ પોલીસ તપાસ થવી અત્‍યંત આવશ્‍યક છે.
આ સમગ્ર કૌભાંડમાં સામેલ અનાજનો જથ્‍થો જેની જની પાસેથી મેળવવામાં આવેલ હોય તે તમામ લોકોને આ કૌભાંડમાં મદદગારી સબબ આરોપી બનાવી તમામ જવાબદાર વિરૂધ્‍ધ દાખલારૂપ કાર્યવાહી કરવા માંગણી છે જેથી કરીને આવનાર ભવિષ્‍યમાં આ પ્રકારની કરતુત કરતાં કોઇ પણ વ્‍યકિત ૧૦૦ વાર વિચાર કરે.
આવેદનના અંતમાં આપ દ્વારા જણાવાયેલ કે ઉપરોકત હકીકતોને ધ્‍યાને લઇ કૌભાંડકારો વિરૂધ્‍ધ પોલીસ ફરીયાદ નોંધી કાનુની કાર્યવાહી કરવામાં નહીં આવે તો ના છૂટકે આ અંગે આમ આદમી પાર્ટી દ્વારા ગાંધી ચિંધ્‍યા માર્ગે આંદોલન છેડવાની ફરજ પડશે અને પરિણામની જવાબદારી સરકારની રહેશે.

 

(3:50 pm IST)