Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

રાજકોટ તા.પં. સામાજીક ન્યાય સમિતીના પૂર્વ ચેરમેન રૈયાના અમૃતલાલ પરમારનું એકટીવા સ્લીપ થતાં મૃત્યુ

રાતે રૈયા ચોકડી તરફ જતા હતાં ત્યારે બનાવઃ સ્લીપ થઇ ડિવાઇડરમાં અથડાતાં બનાવઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૩૦: રૈયા રોડ આલાપ ગ્રીન સીટી સામે એકટીવા સ્લીપ થતાં રૈયા ગામમાં રહેતાં વૃધ્ધનું મોત નિપજ્યું હતું. દોઢેક દસકા પહેલા તેઓ તાલુકા પંચાયતમાં સામાજીક ન્યાય સમિતીના ચેરમેન પદે રહી ચુકયા હતા. બનાવથી પરિવારમાં શોક છવાઇ ગયો હતો.

જાણવા મળ્યા મુજબ રૈયા ગામ ૧૦૦ વારીયા પ્લોટ ભરવાડવાસમાં વિશ્વાસ પ્રોવિઝન સામે રહેતાં અમૃતલાલ મુળજીભાઇ પરમાર (ઉ.વ.૭૧) રાતે સાડા નવેક વાગ્યે પોતાનું એકટીવા જીજે૦૩એલએ-૪૦૨૫ હંકારીને રૈયા ચોકડી તરફ જતાં હતાં ત્યારે આલાપ ગ્રીન સીટી સામે એકટીવા સ્લીપ થઇ જતાં ડિવાઇડરમાં અથડાતાં માથામાં ગંભીર ઇજા થતાં ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ તેમનું મૃત્યુ નિપજ્યું હતું.

યુનિવર્સિટી પોલીસે આ બનાવમાં મૃત્યુ પામનારના પુત્ર બિપીનભાઇ પરમારની ફરિયાદ પરથી કાર્યવાહી કરી હતી.

બિપીનભાઇએ જણાવ્યું હતું કે હું કાલાવડ રોડની સ્પંદન હોસ્પિટલમાં નોકરી કરુ છું. રાતે પોણા નવેક વાગ્યે હું હોસ્પિટલેથી ઘરે આવ્યો હતો ત્યારે મારા પિતાજીના ફોનમાંથી ફોન આવ્યો હતો. કોઇ અજાણ્યા વ્યકિતએ વાત કરી કહ્યું હતું કે આ ફોન જેમનો છે એ વૃધ્ધનું એકટીવા નં. જીજે૦૩એલએ-૪૦૨૫ સ્લીપ થઇ ગયું છે, તમે આલાપ ગ્રીનસીટીસામે આવો. જેથી હું તુરત ત્યાં ગયો હતો. તેઓને માથાના ભાગેથી લોહી નીકળતું હતું. લોકો ભેગા થયા હોઇ તેમણે કહ્યું હતું કે તેઓ રૈયા ચોકડી તરફ જતાં હતાં ત્યારે આલાપ પાસે એકટીવા સ્લીપ થઇ જતાં ડિવાઇડરમાં ભટકતાં માથામાં ઇજા થઇ હતી.

દરમિયાન ૧૦૮ આવતાં હું તેમને ખાનગી હોસ્પિટલમાં લઇ ગયો હતો. પરંતુ તેમનું મૃત્યુ થયું હતું. અમૃતલાલ પરમાર આઠ ભાઇમાં પાંચમાં હતાં. સંતાનમાં ત્રણ પુત્ર છે. તેઓ પંદરેક વર્ષ પહેલા રાજકોટ તાલુકા પંચાયતમાં સામાજીક ન્યાય સમિતીના ચેરમેન પદે હતાં. હાલમાં નિવૃત જીવન ગાળતાં હતાં.

(12:05 pm IST)