Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

મનપાના આવાસ ભાડે આપવાનો વિવાદિત કોન્ટ્રાકટ નામંજુર : રિ-ટેન્ડર

પોપટપરાના ૬૯૮ ફલેટ રૂ. ૮૫૭ના ભાડાથી બેંગ્લોરની બિલ્ડર કંપનીને આપવાની દરખાસ્ત સ્ટેન્ડીંગ કમિટિમાં લાંબો સમય પેન્ડીંગ રહ્યા બાદ અંતે ફરી ટેન્ડરો પ્રસિધ્ધ કરવા નિર્ણય : અન્ય શહેર કરતા ઓછું ભાડુ હોવાનું કારણ : હજુ વધુ ભાડુ ઓફર થાય તેવી શકયતા

રાજકોટ તા. ૩૦ : સરકારની રેન્ટલ હાઉસીંગ યોજના હેઠળ મ.ન.પા. દ્વારા પોપટપરામાં નિર્માણ થયેલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ૬૯૮ ફલેટ બેંગ્લોરની બિલ્ડર કંપનીને પ્રતિમાસ ૮૫૭ના ભાડાથી આપવાની દરખાસ્ત છેલ્લી ત્રણ - ચાર સ્ટેન્ડીંગ કમિટિથી પેન્ડીંગ હતી. કેમકે આ કોન્ટ્રાકટમાં ઓછું ભાડુ હોવાથી તંત્રને નુકસાન તથા બિલ્ડરને ફાયદો થતો હોવાના આક્ષેપો થતાં વિવાદ જાગ્યો હતો. અંતે આજે સ્ટેન્ડીંગ કમિટિએ આ વિવાદિત દરખાસ્તને નામંજુર કરી અને આ માટે રિ-ટેન્ડર કરવા સુચવ્યું છે.

આ અંગે ચેરમેન પુષ્કરભાઇ પટેલે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું હતું કે, 'રેન્ટલ હાઉસીંગ' યોજના હેઠળ પોપટપરામાં બનાવાયેલ આવાસ યોજનાના ૬૯૮ ફલેટ બેંગ્લોરની ઇરિના હોસ્પિટાલિટી પ્રા.લી. કંપ્નીને પ્રતિ ફલેટ દિઠ પ્રતિમાસના રૂ. ૮૫૭ના ભાડા લેખે આપવાનો કોન્ટ્રાકટ હતો પરંતુ સ્ટેન્ડીંગ કમિટિના અભ્યાસ દરમિયાન એવું તારણ નિકળ્યું કે, સુરતમાં આ પ્રકારે રેન્ટલ હાઉસીંગ પ્રોજેકટમાં ફલેટ દિઠ ૧૫૨૬ પ્રતિમાસના ભાડાનો કોન્ટ્રાકટ અપાયો છે એ હિસાબે આ કોન્ટ્રાકટમાં નુકસાન થતું હોવાનું તારણ નિકળતા અને રિ-ટેન્ડર કરવાથી સ્પર્ધાત્મક રીતે આ પ્રોજેકટમાં ફલેટ દીઠ હજુ વધુ ભાડાની આવક થવાની સંભાવના હોઇ આ દરખાસ્તમાં રિ-ટેન્ડર કરવા સુચવ્યુ છે.

(3:10 pm IST)