Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

વર્ષના અંતે આજી ડેમે સ્થપાસે રામ રાજ્ય

ભગવાન રામનું જીવન ચરિત્ર ઉજાગર કરતુ રામવન થઇ જશે તૈયાર : ૧ કરોડનો સ્કલ્પચર કોન્ટ્રાકટ

મુખ્ય પ્રવેશદ્વાર ધનુષ આકારનો થશે : ભગવાન રામની વિશાળ પ્રતિમા ઉપરાંત રામવનવાસ પ્રસંગો જેવા કે કેવટ પ્રસંગ, સીતાહરણ, શબરી પ્રસંગ, રામ રાજ્યાભિષેક, રામસેતુ, સંજીવની પહાડ સાથે હનુમાનજી, જટાયુ, ચાખડી વગેરે સહિત ૨૨ સ્કલ્પચર બનશે : ૬ મહિનામાં કામ થશે પૂર્ણ

રાજકોટ તા. ૩૦ : શહેરના આજી ડેમમા નિચાણવાસમાં મ.ન.પા. દ્વારા કરોડોના ખર્ચે 'રામવન' તૈયાર થઈ રહ્યુ છે. જેમા ખરેખર રામ ભગવાનના વનવાસના દિવસોની અનુભૂતિ થાય તે માટે રામવનવાસ દરમિયાનના પ્રસંગોને અનુરૂ.પ સ્કલ્પચર (મૂર્તિઓ) મુકવાનુ આયોજન મ.ન.પા. દ્વારા કરાયું છે. જેના સ્કલ્પચરનો કોન્ટ્રાકટ આજે સ્ટેન્ડીંગ કમિટિમાં મંજુર થયો હતો.

આ બાબતે ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યુ હતુ કે આજી ડેમ ખાતે અંદાજે ૧૦ મહિના અગાઉ રાજયના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂ.પાણીના હસ્તે 'અર્બન ફોરેસ્ટ'ના કરોડો રૂ.પિયાનો પ્રોજેકટ શરૂ. કરાયેલ. આ અર્બન ફોરેસ્ટનું મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂ.પાણીએ 'રામવન' નામકરણ કર્યુ હતું.

હાલમા આ રામવનમાં હજારો વૃક્ષો કુદરતી રીતે ઉછરી રહ્યા છે અને ટૂંક સમયમાં જ આ જગ્યા એક વિશાળ વન (જંગલ)માં પરિવર્તીત થઈ જશે. આ સ્થળે ડેમના નિચાણવાસની નદી, ધોધ વગેરે કુદરતી રીતે જ આવેલા છે. જેથી આ સ્થળ વધુ રમણિય બનશે. હવે 'રામવન'માં રામવનવાસની ક્ષણોની અનુભૂતિ મુલાકાતીઓને થાય તે માટે તે માટે આ વનમાં વિવિધ આકર્ષક જગ્યાઓ પર રામવનવાસની ઝૂપડીઓ, શબરીનો પ્રસંગ, કેવટનો પ્રસંગ, જટાયુનો પ્રસંગ વગેરે પ્રસંગોને અનુરૂ.પ શ્રીરામ ભગવાનના વિવિધ જીવંત સ્કલ્પચર (મૂર્તિઓ) મુકવાનું આયોજન થઈ રહ્યુ છે. જે ટૂંક સમયમાં મૂર્તિમંત થશે. ચેરમેનશ્રીના જણાવ્યા મુજબ હાલમાં રામવનમાં આંતરિક રસ્તાઓ, પગદંડીઓ, કમ્પાઉન્ડ વોલ, પાણીનો ટાંકો વગેરે સહિતનુ ૪૦ ટકા કામ પૂર્ણ થઈ ગયુ છે.

આ અંગેની દરખાસ્ત આજે સ્ટેન્ડીંગ કમિટિમાં મંજુર થઇ હતી. જેમાં જણાવાયા મુજબ રાજકોટ શહેરના નાગરિકોને શહેરના ટ્રાફિક તેમજ પ્રદુષણથી દુર એક રમણીય તેમજ કુદરતી વાતાવરણ મળી રહે તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં ૧૫ માં આજીડેમ પાસે ડાઉન સ્ટ્રીમ વિસ્તારમાં સર્વે નં ર૩૭ પૈકી પર નેશનલ હાઈવે થી નજીક શહેરમાં આશરે ૪૭ એકર (૧૯.૦૨ હેકટર) જમીન પર 'અર્બન ફોરેસ્ટ' વિકસાવવા માટે આયોજન હાથ ધરવામાં આવેલ છે. જમાં શહેરીજનોને એક શાંતિપૂર્ણ તેમજ સ્વાસ્થ્યપ્રદ વાતાવરણની અનુભૂતિ થશે. પ્રથમ ફેઇઝમાં રૂ.. ૭.૬૯ કરોડના ખર્ચે હાલ સિવિલ કામો ચાલુ છે.

જેમાં નીચે મુજબના કામો આવરી લેવામાં આવેલ છે. અર્બન ફોરેસ્ટ ફરતે કમ્પાઉન્ડ વોલ અને ફેન્સીંગ, એડમીન ઓફીસ, સાઈકલ ટ્રેક, વોકિંગ ટ્રેક, ગઝેબો, કુદરતી પાણીના  સ્ત્રોતોનું નવીનીકરણ, પાથ-વે તેમજ પુલ અને રેલીંગ, પાણીના પરબ, ટોઇલેટ બ્લોકસ, બાળકો માટે પ્લેગ્રાઉન્ડ, એકઝીબીશન એરિયા માટે પ્લેટફોર્મ, જુદા જુદા પ્રકારનાં પથ્થરો તેમજ અન્ય મટીરીયલનો ઉપયોગ કરીને પાથ-વે, ઓપન એર એમ્ફી થીયેટર, વિવિધ પ્રકારની બેન્ચીસ, રોડ જંકશન આઈલેન્ડ, સોલાર લાઈટ્સ વગેરે કામો થશે.

હાલ બીજા ફેઇઝમાં અર્બન ફોરેસ્ટનું નામકરણ 'રામવન૩ થતા ભગવાન શ્રી રામના જીવનપ્રસંગોના જીવનને ધ્યાને રાખી થીમ આધારિત સ્કલ્પચરો બનાવવા માટે આ ટેન્ડર અન્વયે બ્યુટીફીકેશનની કામગીરી હાથ ધરવામાં આવશે.

ઉપરોકત વિગતે તમામ પ્રકિયા બાદ એજન્સી દ્રષ્ટિ આર્ટ ઝોન, રાજકોટ તરફથી વાટાઘાટને અંતે રૂ.. ૧.૬૧ કરોડમાં સ્કલ્પચર સહિતની કુલ ૨૩ આઈટમોની કામગીરી કરવામાં આવનાર છે. આ સમગ્ર કામગીરી આરસીસી વર્ક, મેશનરી વર્ક, ફેરો સિમેન્ટ, ફાયબર વિગેરે મટીરીયલનો ઉપયોગ કરી ફોરેસ્ટના થીમ સાથે તાલ મળે તે પ્રકારની કામગીરી કરવામાં આવનાર છે.

જેમાં ભગવાન રામના વનવાસ દરમિયાનના જીવન ચરિત્ર ઉજાગર કરતા વિવિધ સ્કલ્પચરો (પ્રતિમાઓ) જેવા કે શબરી પ્રસંગ, કેવટ પ્રસંગ, ભગવાન રામની ચાખડી, ગુરૂ. વિશ્વામિત્ર, ભગવાન રામ, લક્ષ્મણ, સીતાનો વનવિહાર, સીતાહરણ પ્રસંગ, રામ રાજ્યભિષેકના પ્રસંગ વગેરેનો સ્કલ્પચરો ઉભા થશે. જેથી મુલાકાતીઓને ખરેખર 'રામવન'ની અનુભૂતિ થશે.

આ ઉપરાંત રામવનનું મુખ્ય પ્રવેશદ્વાર ધનુષ આકારનું આકર્ષક બનાવાશે. અંદર ભગવાન રામની વિશાળ પ્રતિમા પણ મુકાશે. ઉપરાંત ઝાડના લાકડાની પ્રતિકૃતિ વાળા બેસવાના બાકડાઓ મુકાશે. જટાયુ પક્ષી આકારનું પ્રવેશદ્વાર વગેરે પણ આકર્ષણ જમાવશે.

આ તકે ચેરમેન પુષ્કર પટેલે જણાવ્યું હતું કે, 'રામવન'નું કામ ડીસેમ્બર મહિનાના અંતમાં એટલે કે ચાલુ વર્ષના અંતે પૂર્ણ થઇ જશે અને ભગવાન રામના જીવન ચરિત્ર આધારીત સ્કલ્પચરનું કામ પણ પૂર્ણ થઇ જશે તેવી આશા છે.

  • રામવનમાં આકાર પામનાર પ્રતિમાઓ - પ્રતિકૃતિઓની યાદી

૧   મુખ્ય દરવાજો ધનુષ્ય બાણ સાથેનો

૨   ભગવાન રામ

૩   ભગવાન રામ, સીતાજી અને લક્ષ્મણજી

૪   જટાયુ આકારનો દ્વાર

૫   ભગવાન રામ અને કેવટ

૬   રામ - સીતા વનવાસ

૭   રામ - લક્ષ્મણ - શબરી

૮   ચાખડી

૯   શ્રી રામનો સુગ્રીવ અને જાંબુવાન સાથે મેળાપ

૧૦ વાનર સેના સાથે રામસેતુ બનાવવાનું

૧૧ હનુમાનજી સંજીવની પહાડ સાથે

૧૨ રામ રાજ્યાભિષેક

૧૩ રામ વનવાસનો પથ

૧૪ પાથવે પાસે મ્યુરલ કામ

૧૫ સોફા ટાઇપ બેન્ચ

૧૬ બેન્ચ

૧૭ રેલીંગ

૧૮ ફોરેસ્ટ હટ / ગજેબો

૧૯ નોર્મલ હટ

૨૦ લાકડા જેવો પુલ

૨૧ દીવાલો ઉપર કલેડીંગ કામ

૨૨ યોગ કરતા બાળકો

૨૩ લોખંડ કામ મુખ્ય દરવાજામાં તથા રેલીંગ, બોર્ડ જેવા પરચૂરણ કામમાં

(4:14 pm IST)