Gujarati News

Gujarati News

News of Friday, 30th July 2021

જમ્મુ કશ્મીરમાં બનેલ ડ્રોન હુમલાના બનાવને પગલે શહેર પોલીસ સાબદી રાજકોટમાં ડ્રોન ઉડાડવા હવે પરમિશન લેવી પડશે: જાહેરનામુ બહાર પાડતા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ

એરપોર્ટના ત્રણ કિલોમીટરનો પરીઘ તેમજ વાઇટલ ઇન્સ્ટોલેશનનક બે કિલોમીટરનો પરીઘ " નો UAV (Unarmed Aerial Vehicle) ફલાય ઝોન "જાહેર કરાયો

રાજકોટ: શહેરમાં આવેલ વાઇટલ ઇન્સ્ટોલેશન, એરપોર્ટ, વી.વી.આઇ.પી. રહેઠાણ તેમજ કચેરીઓ, અગત્યની સરકારી કચેરીઓ વિગેરે જગ્યા સુરક્ષીત રાખવાની જવાબદારી રાજકોટ શહેર પોલીસની રહેલ છે જેમાં UAV (Unarmed Aerial Vehicle) કે જેમાં રીમોટ કંટ્રોલ સંચાલીત કેમેરા લગાડેલા ડ્રોન અથવા એરીયલ મિસાઇલ, હેલીકોપટર, રીમોટ કંટ્રોલ, માઇક્રોલાઇટ એરક્રાફટ કે પેરાગ્લાઇડર જેવા સંસાધનોથી દેશ-વિરોધી સંગઠનો, આંતકવાદીઓ અને ભાંગફોડીયો તત્વો ગેરલાભ લઇને રાજકોટ શહેરની સુરક્ષાને હાની પહોચાડવાની શકયતા નકારી શકાય તેમ ન હોય તેમજ તાજેતરમાં જમ્મુ કશ્મીરમાં બનેલ ડ્રોન હુમલાના બનાવ તથા આ પ્રકારના સંસાધનોથી શહેરમાં આંતક ફેલાવી, સુલેહ શાંતિ જોખમાય તેમજ લોકોના જાનમાલને નુકશાન કરે તેવી શકયતા રહેલી હોય જેથી લોકોની જાનમાલના રક્ષણ માટે UAV (Unarmed Aerial Vehicle) પર નિયંત્રણ રાખવુ ખુબજ જરૂરી છે.

સરકાર દ્વારા UAV (Unarmed Aerial Vehicle) પર નિયંત્રણ રાખવા માટે જાહેર કરેલ માર્ગદર્શીકા મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલ દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવેલ છે જેથી રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં UAV (Unarmed Aerial Vehicle) કે જેમાં રીમોટ કંટ્રોલ સંચાલીત કેમેરા લગાડેલા ડ્રોન અથવા એરીયલ મિસાઇલ, હેલીકોપ્ટર, રીમોટ કંટ્રોલ માઇક્રોલાઇટ એરક્રાફ્ટ કે પેરાગ્લાઇડર ચલાવનાર સંચાલકે કે જેઓ પોતાના અંગત વ્યવસાય માટે રાખતા હોય છે તેઓએ આ UAV (Unarmed Aerial Vehicle)ની સંપુર્ણ માહિતી જેવી કે મોડલ નંબર, વજન, ક્ષમતાની વિગતો સાથે નજીકના પોલીસ સ્ટેશનમાં નોંધણી કરાવવાની રહેશે અને એરપોર્ટના ત્રણ કિલોમીટરના પરીઘમાં તેમજ વાઇટલ ઇન્સ્ટોલેશનના બે કિલોમીટરના પરીઘમાં " નો UAV (Unarmed Aerial Vehicle) ફલાય ઝોન "જાહેર કરવામાં આવેલ છે તેમજ નેનો ડ્રોન એટલે કે ૨૫૦ ગ્રામ અથવા તેના કરતા ઓછા વજનના ડ્રોન સિવાયના UAV (Unarmed Aerial Vehicle) નો ઉપયોગ કરતા પહેલા ૨૪ કલાક અગાઉ જે વિસ્તારમાં ઉપયોગ કરવાનો છે તે વિસ્તારના પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જશ્રીને જાણ કરવાની રહેશે તેમજ જો ડ્રોન કે અન્ય UAV (Unarmed Aerial Vehicle) સંસાધન કોઇને ભાડે આપવામાં આવે તેની જાણ ભાડે આપતા અગાઉ ૨૪ કલાક પહેલા નજીકના પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જશ્રીને કરવાની રહેશે જે જાહેરનામુનુ ઉલ્લંઘન કરનાર વિરૂધ્ધ રાજકોટ શહેર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

(7:16 pm IST)