Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

કાગદડીમાં તુટી ગયેલા ૧૩ ડેમોનું સમારકામ

દાતાઓનો સહયોગ અને લોકોના શ્રમદાનથી ગીરગંગા ટ્રસ્‍ટનું અભિયાન વેગવંતુ

રાજકોટ તા. ૩૦ : તુટી ગયેલા જર્જરીત ચેકડેમોને લોકોના શ્રમદાન અને દાતાઓના સહયોગથી ફરી જીવંત બનાવવા ગીરગંગા પરિવાર ટ્રસ્‍ટ દ્વારા અભિયાન આદરવામાં આવ્‍યુ છે.

જે અંતર્ગત રાજકોટ જિલ્લા મોરબી રોડ પર કાગદડી ગામે વર્ષોથી બનેલા ચેકડેમો જર્જરીત થઇ ગયા હતા. જે પૈકી ૧૩ જેટલા ડેમોનો જીર્ણોધ્‍ધાર આ અભિયાન તળે કરાયો છે.

ગીરગંગા ટ્રસ્‍ટના પ્રમુખ દીલીપભાઇ સખીયાની ટીમ દ્વારા રાજકોટના વૃંદાવન ડેરી અને રાધિકા રેસ્‍ટોરન્‍ટવાળા દાતા વસંતભાઇ લીંબાસીયાના સહયોગથી આ ચેકડેમોને રીપેર કરવાનું કાર્ય હાથ ધરાયુ હતુ. જયાં સમારકામની જરૂર હતી ત્‍યાં સમારકામ અને જયાં ઉંચાઇ વધારવાની જરૂર હતી ત્‍યાં ઉંચાઇ વધારી કામ આગળ વધારેલ. ગામ લોકોનું પણ મોટુ શ્રમદાન રહ્યુ.

પરિણામ સ્‍વરૂપે આ તમામ ચેકડેમો સાજા થઇ જતા આ વર્ષે પાણીથી છલોછલ છે. જેના કારણે આસપાસના ખેડુતો તેમજ તળ સાજા થવાથી પર્યાવરણને મોટો ફાયદો થયો. તમામ જીવ જંતુ, પશુ પક્ષીઓને પણ રાહત મળતી થઇ.

આ કામગીરી માટે કાગદડી ગામના રમેશભાઇ સંખાવરા, વલ્લભભાઇ લીંબાસીયા, જગદીશભાઇ નસીત, કરશનભાઇ સંખારવા, મુકેશભાઇ સંખારવા, રમેશભાઇ લીંબાસીયાએ જહેમત ઉઠાવી હતી. તેમ ગીરગંગા પરિવાર ટ્રસ્‍ટ (મો.૯૪૨૭૨ ૦૭૮૬૮) ની યાદીમાં જણાવાયુ છે.

તસ્‍વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા ગીરગંગા પરિવાર ટ્રસ્‍ટના આગેવાનો નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા)

(12:18 pm IST)