Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

જિલ્લા પંચાયત સંકુલના સિમેન્‍ટ રોડનું કામ નબળુ, નવેસરથી રોડ બનાવી દેવા કોન્‍ટ્રાકટરને આદેશ

દોઢ વર્ષથી ભંગાર હાલતમાં રહેલ રોડની તપાસનું તારણ આવ્‍યુ : ચુકવણું રોકાયુ : કોંગી શાસન વખતે રોડ થયેલ : ભ્રષ્‍ટાચાર સામે પગલા ભરવા ભૂપત બોદરની રજુઆત

રાજકોટ જિલ્લા પંચાયત પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્‍યાના પ્રથમ અઠવાડિયામાં જ ૨૩ માર્ચ ૨૦૨૧ના દિવસે શ્રી ભૂપત બોદરએ પંચાયત સંકુલના સિમેન્‍ટ રોડના કામમાં ભ્રષ્‍ટાચાર થયાનો પર્દાફાશ કરવા પત્રકાર પરિષદ બોલાવેલ. તે વખતે તેમણે પત્રકારોને સાથે રાખી  નવા જ બનેલા રસ્‍તામાં પડી ગયેલા ખાડા દર્શાવેલ હવે રસ્‍તાના કામની સરકારી તપાસનું તારણ આવી ગયુ છે. (ફાઇલ તસ્‍વીરઃ સંદીપ બગથરિયા)

રાજકોટ,તા. ૩૦ : જિલ્લા પંચાયત સંકુલમાં કોંગ્રેસના શાસન વખતે થયેલ આંતરિક સિમેન્‍ટ રોડનું કામ નબળુ હોવાની રજુઆત ભાજપ શાસનના પ્રમુખ ભુપત બોદરે સરકાર સમક્ષ કરેલ. દોઢ વર્ષથી સરકારી રાહે ચાલતી તપાસનું તારણ સામે આવ્‍યુ છે. તે મુજબ કામ નબળુ હોવાનું સ્‍પષ્‍ટ થયું છે. હજુ પણ ભંગાર હાલતમાં જ રહેલ રોડ નવેસરની બનાવી દેવા કોન્‍ટ્રાકટ રાખનાર એજન્‍સીને સરકારે આદેશ કર્યો છે. જે તે વખતે કોંગ્રેસ રોડનું કામ ભાજપના ટેકાવાળી સમિતિએ મંજુર કર્યાનો જવાબ વાળ્‍યો હતો.

જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભૂપત બોદર જણાવે છે. ભાજપ સરકાર દ્વારા અનેક લોકકલ્‍યાણકારી અને વિકાસલક્ષી યોજનાઓ અમલમાં મુકવામાં આવેલ છે અને ભ્રષ્‍ટાચાર મુકત સુશાસનની નેમ સાથે ત્‍યારે જિલ્લા પંચાયતનો કાર્યભાર સંભાળતાની સાથે રાજકોટ જિલ્લા પંચાયત કેમ્‍પસમાં ગત વખતની બોડીના કાર્યકાળમાં બનાવેલ સી.સી.રોડનું અત્‍યંત નબળુ કામ થયેલ હતુ તે બાબતે સરકારમાં પ્રમુખ ભૂપત બોદર દ્વારા કરવામાં આવેલ ફરીયાદને ગ્રાહ્ય રાખી સરકાર દ્વારા ગુણવતા નિયમન વિભાગને તપાસ સોંપવામાં આવેલ જેનો રીપોર્ટ આવતા રિપોર્ટ પ્રમાણે ધારા ધોરણ મુજબ કામ થયેલ ન હોવાથી તેમજ નબળી ગુણવતાનું કામ થયેલ તેવો સ્‍પષ્‍ટ રીપોર્ટ ગુણવતા નિયમન વિભાગ દ્વારા આવતા તે જ એજન્‍સી પાસે ફરીથી ધારાધોરણ મુજબ ગુણવતાયુકત રોડ તૈયાર કરાવવા આદેશ કરવામાં આવ્‍યા છે.

જ્‍યાં સુધી એજન્‍સી દ્વારા સી.સી.રોડની સંતોષકારક કામગીરી પૂર્ણ કરવામાં  ન આવે ત્‍યાં સુધી પેમેન્‍ટ ન કરવા પણ સુચના આપવામાં આવી છે. રાજકોટ જિલ્લા પંચાયત કચેરી કમ્‍પાઉન્‍ડમાં બનેલ સી.સી. રોડના ભ્રષ્‍ટાચારમાં સંડોવાયેલા તમામ લોકો સામે કડક શિક્ષાત્‍મક પગલા લેવામાં આવે તેવી પ્રમુખ ભુપત બોદરે સરકારમાં રજુઆત કરી છે.

(12:35 pm IST)