Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

‘હું માંડા ડુંગરનો રાવણ અમિત છું' કહી ભજનીકની હત્‍યાનો પ્રયાસ કરનાર રિક્ષાચાલકની શોધખોળ

પીઠડઆઇ સોસાયટીનો યુવાન પત્‍નિને લઇ ગરબી જોવા નીકળ્‍યો ત્‍યારે રિક્ષાવાળાએ કાવો માર્યો, ભજનીક છગને ધ્‍યાન રાખવાનું કહેતાં હીચકારો હુમલો કર્યોઃ આજીડેમ પીઆઇ કે. જે. કરપડા અને ટીમની તપાસ

રાજકોટ તા. ૩૦: માંડા ડુંગરની પીઠડઆઇ સોસાયટીમાં રહેતાં ભજનીક યુવાન પત્‍નિ સાથે ગરબી જોવા નીકળ્‍યો ત્‍યારે એક રિક્ષાવાળાએ જોરદાર કાવો મારતાં ભજનીકે તેને ધ્‍યાન રાખીને ચલાવવાનું કહેતાં એ શખ્‍સે ‘હું માંડાડુંગરનો રાવણ છું' કહી ગાળો દઇ પાઇપના આડેધડ ઘા ફટકારી માથા, કપાળે ગંભીર ઇજા પહોંચાડી, એક હાથ ભાંગી નાંખી હત્‍યાનો પ્રયાસ કરતાં પોલીસે તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

આ બનાવમાં આજીડેમ પોલીસે માંડા ડુંગર પાસે આવેલી પીઠડઆઇ સોસાયટી બાલાજી કોમ્‍પલેક્ષ પાસે રહેતાં અને ભજનો ગાવા સાથે ઇમિટેશનનું કામ પણ કરતાં છગનભાઇ બચુભાઇ પરમાર (ઉ.૩૮) નામના ભજનીકની ફરિયાદ પરથી રિક્ષાચાલક અમિત નામના શખ્‍સ વિરૂધ્‍ધ આઇપીસી ૫૦૪, ૩૨૫, ૩૦૭, જીપીએક્‍ટ ૧૩૫ મુજબ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.

છગન પરમાર લોહીલુહાણ હાલતમાં હોસ્‍પિટલમાં દાખલ થતાં પોલીસે ત્‍યાં પહોંચી ફરિયાદ નોંધી હતી. છગને જણાવ્‍યું હતું કે હું ભજનીક છું અને ઇમિટેશનનું કામ પણ કરુ છું. પરમ દિવસે રાતે પોણા અગિયારેક વાગ્‍યે હું અને મારા પત્‍નિ નીતાબેન બાઇકમાં બેસી ગરબી જોવા જતાં હતાંત્‍યારે માધવ વાટીકા ગેઇટ શીતળા મંદિર પાસે પહોંચતા એક રિક્ષા સામે આવી હતી અને કવો માર્યો હતો. હું ભટકાતાં બચી જતાં મેં રાડ પાડતાં તેણે સોએક મિટર આગળ જઇ રિક્ષા ઉભી રાખી હતી. હું રિક્ષાવાળા પાસે જતાં અને તેને આ રીતે ન હંકારાય તેમ કહી સમજાવતાં તેણે ‘તું મને ઓળખે છે હું માંડાડુંગરનો રાવણ છું અને મારું નામ અમિત છે' તેમ કહી ગાળો દીધી હતી.

તેને ગાળો બોલવાની ના પાડતાં તે ઉશ્‍કેરાઇ ગયો હતો અને રિક્ષામાંથી પાઇપ જેવું હથીયાર કાઢી મને આડેધડ માર મારવા માંડયો હતો.એક ઘા માથા પાછળ ફટકારી દેતાં ગંભીર ઇજા થઇ હતી. હાથ, શરીરે અને કપાળે પણ ઘા ફટકારતાં હું લોહીલુહાણ થઇ ગયો હતો. એ પછી તે ભાગી જતાં હું મારા પત્‍નિને લઇ મારી ઘરે ગયો હતો અને૧૦૮ બોલાવી હોસ્‍પિટલમાં દાખલ થયો હતો. અમિતને ધ્‍યાન રાખી રિક્ષા હંકારવાનું કહેતાં તેણે મને મારી નાખવાના ઇરાદે હુમલો કરી માથા-કપાળમાં ગંભીર ઇજા પહોંચાડી હતી અને જમણો હાથ પણ ભાંગી નાંખ્‍યો હતો.

પીઆઇ કે. જે. કરપડા, પીએસઆઇ જે. કે. ગઢવી, સ્‍મીતભાઇ વૈષ્‍નાણી, મેરૂભા ઝાલા સહિતે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા દરોડા પાડયા હતાં પણ તે ઘરેથી ભાગી ગયો હોઇ શોધખોળ યથાવત રખાઇ છે.

(3:46 pm IST)