Gujarati News

Gujarati News

News of Friday, 30th September 2022

આવ્‍યા આસોના અજવાળા નોરતા... આજ નવદુર્ગા ગરબે રમે

રાજકોટ : માતાજીની ભકિત કરવાનું પાવનકારી મહાપર્વ એટલે આસો નવરાત્રી. આસો નવરાત્રીનો આજે પાંચમો દિવસ છે. સૌ ભાવિકો જગત જનનીની આરાધનામાં ઓતપ્રોત છે. ભાવિકો સમી સાંજ થતાં જ માતાજીની સ્‍તુતિ - દુહા - છંદ અને ગરબા ગાય છે... ખાલી ન કોઇ સ્‍થળ છે વિણ આપ ધારો... બ્રહ્માંડમાં અણુ અણુ મહિ વાસ તમારો... શકિત ન માપ ગણવા અગણિત માપો... મામ્‌ પાહિ ઓમ ભગવતી દુઃખ કાપો... શ્રી નવદુર્ગા ગરબી મંડળ : શહેરના રેલનગર વિસ્‍તારમાં આવેલ છત્રપતિ શિવાજી ટાઉનશીપ ખાતે છેલ્લા ૭ વર્ષથી આસો નવરાત્રીનું ખુબ ભકિતભાવથી સૌ લતાવાસીઓ આસ્‍થાભેર ઉજવણી કરે છે. ગરબી મંડળની બાળાઓનો ચુંદડી રાસ, ગાગર રાસ, રાધા-કૃષ્‍ણ રાસ, ખોડિયાર માતાજીનો રાસ, ટીપ્‍પણી રાસ, તાલી રાસ, મહિસાસુર રાસ સહિતના કલાત્‍મક રાસે ભારે આકર્ષણ જમાવ્‍યું છે. ગરબે ઘૂમતી બાળાઓના રાસ નિહાળવા મોટી સંખ્‍યામાં ભાવિકો ઉમટી પડે છે. ગરબી મંડળના આયોજનને દીપાવવા પ્રમુખ ઇલાબેન પડીયા, અલ્‍પાબેન, મીનાબેન, સેજલબેન, અંજલીબેન, દક્ષાબેન સહિતના જહેમત ઉઠાવે છે.

(4:12 pm IST)