Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

તારા કારણે મારા ઘરમાં ડખ્ખા થાય છે...કહી ધમાલ મચાવી

ગોકુલધામના વેપારી પિયુષ ગજ્જરે ત્યકતા પ્રેમીકાને વાળ ખેંચી ફટકારી, અપહરણ કરી ચાલુ કારે બેફામ ઘુસ્તાવી

અંકુરનગરથી જામનગર રોડ વાડી વિસ્તારમાં લઇ ગયોઃ ત્યાં પણ મારકુટ કરીઃ પિયુષ કારમાંથી ઉતરતાં મહિલાએ કાર અંદરથી લોક કરી દેતાં ઉશ્કેરાઇ જઇ પિયુષે મોટો પથ્થર ફટકારી કાચ ફોડી નાંખ્યોઃ માલવીયાનગર પોલીસે ગુનો નોંધી સકંજામાં લીધો

પોલીસે આરોપીની અટકાયત કરવા તજવીજ કરી તેની કાર કબ્જે કરી હતી (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૯: શહેરના અંકુરનગર રોડ પર રહેતી ત્યકતા મહિલા દોઢેક વર્ષથી ગોકુલધામ સોસાયટીના ગુર્જર સુથાર વેપારી સાથે સંપર્કમાં આવ્યા બાદ તેની સાથે પ્રેમસંબંધ થઇ જતાં અને તે પરણેલો હોવાની બાદમાં જાણ થતાં માથાકુટ ચાલતી હોઇ શનિવારે બપોરે આ વેપારીએ મહિલાના ઘરે આવી 'તારા કારણે મારા ઘરમાં ઝઘડા થાય છે' કહી વાળ ખેંચી મારકુટ કરી કારમાં અપહરણ કરી ચાલુ કારે મોઢા-ગાલ પર બેફામ ઘુસ્તા મારી તેમજ જામનગર રોડ પર વાડી જેવા વિસ્તારમાં કાર ઉભી રાખી ત્યાં પણ માર મારતાં અને છેલ્લે ભારે આજીજી બાદ વિશ્વેશ્વર મંદિર પાસે ઉતારી મુકી જો ફરિયાદ કરી તો તને અને તારા સંતાનોને મારી નાંખીશ તેવી ધમકી આપતાં મુકત થયેલી મહિલાએ પોલીસને જાણ કરતાં ગુનો દાખલ કરી આરોપીને સકંજામાં લેવા તજવીજ આદરી છે. આ બનાવમાં પોલીસે અંકુર નગર મેઇન રોડ પર સ્વામીનારાયણ નગરમાં રહેતા ૩૯ વર્ષિય મહિલાની ફરિયાદ પરથી ગોકુલધામમાં રહેતાં પિયુષ જનકભાઇ ગજ્જર સામે આઇપીસી ૩૬૫, ૩૨૩, ૫૦૪, ૫૦૬ (૨) મુજબ અપહરણ-મારામારી, ધમકીનો ગુનો નોંધી તેને સકંજામાં લીધો છે.

ભોગ બનેલા મહિલાએ પોલીસને જણાવ્યું છે કે હું સંતાનો સાથે રહુ છું. મારા લગ્ન ૨૩ વર્ષ પહેલા થયા હતાં. પાંચ વર્ષ પહેલા પતિ સાથે છુટાછેડા થઇગયા છે. મારે પાંચ સંતાન છે. દોઢેક વર્ષ પહેલા મારી મુલાકાત પિયુષ ગજ્જર સાથે થઇ હતી. એ પછી અમારી વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. તે અવાર-નવાર મને મળવા માટે મારા ઘરે પણ આવતો હતો . પિયુષના લગ્ન થઇ ગયા છે તેની જાણ મને પાછળથી થઇ હતી. શનિવારે ૨૭/૧૧ના બપોરે ત્રણેક વાગ્યે હું તથા મારા સંતાન ઘરે હતાં ત્યારે પિયુષ પોતાની ઓડી કાર જીજે૦૧કેકયુ-૧૨૩૪ લઇને મારા ઘર પાસે આવ્યો હતો.

તેણે મને બહાર બોલાવતાં હું બહાર જતાં તે કહેવા લાગ્યો હતો કે-તારા લીધે મારા ઘરમાં ઝઘડા થાય છે. એ પછી મને બે ત્રણ ઝાપટ મારી દીધી હતી અને મારા  વાળ ખેંચ્યા હતાં. દેકારો થતાં મારી દિકરી વચ્ચે પડતાં તેને ધક્કો દઇ પિયુષે પછાડી દીધી હતી. મેં પિયુષને શાંતિથી વાત કરવા અને ઘર પાસે આ રીતે માથાકુટ ન કરવા સમજાવતાં તે ઉશ્કેરાઇ ગયેલ અને મને બળજબરીથી વાળ ખેંચી તેની કારમાં નાંખી દીધી હતી અને અપહરણ કરી ગાડી જામનગર રોડ પર હંકારી મુકી હતી.

રસ્તામાં પણ પિયુષે મને બેફામ ગાળો ભાંડી હતી અને ઢીકાપાટુનો માર મારી ગાલ પર મોઢા પર આડેધડ મુક્કા માર્યા હતાં. મેં તેને મારકુટ કરવાની ના પાડતાં તેણે કોઇ વાડી વિસ્તારમાં કાર ઉભીકરાખી હતી. ફરીથી મને માર માર્યોહતો. એ પછી પિયુષ ગાડીમાંથી નીચે ઉતરતાં મેં કારને અંદરથી લોક કરી દીધી હતી. આથી તે વધુ ઉશ્કેરાયો હતો અને મોટો પથ્થર લાવી ગાડીના કાચમાં મારી કાચ પણ ફોડી નાંખ્યો હતો. કાચ મારા પર પડતાં મને ઇજા થઇ હતી. એ પછી તેણે તેની પત્નિ અને તેના ભાઇને ફોન કરી તેણે મને મારકુટ કરી છે તેવી વાત કરતાં તેની પત્નિ અને ભાઇએ તું તેને ઘરે મુકી આવ તેમ કહેતાં મેં પિયુષ સામે હાથ જોડતાં તે મને ગાડી ચાલુ કરી રાધે હોટેલ પાસે લઇ આવ્યો હતો.

ત્યારબાદ મેં પિયુષના ફોનમાં મારી દિકરી મેઘનાના ફોનમાંથી ફોન આવતાં મારી બહેને વાત કરી હતી. એ પછી મારી બહેન આશા રાધે હોટેલ પાસે આવી હતી અને પિયુષને સમજાવવા માંડી હતી. પિયુષે ફરીથી ગાડી ચાલુ કરી હતી અને કહેલું કે-હવે તો તમને બંને બહેનોને જાનથી મારી નાંખવી છે. તેમ કહી ગાડી ચાલુ કરી એટલા વિસ્તારમાં જ ફેરવી હતી. મારી બહેને પિયુષને કહેલું કે-મને ઉતારી દો નહિતર હું ચાલુ ગાડીમાંથી ઉતરી જઇશે. અંતે પિયુષે ગોંડલ રોડ ચોકડીએ ગાડી ઉભી રાખતાં મારી બહેન ઉતરી ગઇ હતી. પિયુષે મને ન ઉતરવા દઇ ફરી ગાડી ચાલુ કરી દીધી હતી. મેં ખુબ આજીજી કરતાં પિયુષે તેનો ફોન આપી કહેલું કે તારા ભાઇને ફોન કરીને કહે કે તને લઇ જાય.

એ પછી મેં મારા ભાઇને ફોન કરતાં પિયુષ મને વિશ્વેશ્વર મંદિર પાસે ઉતારી ગયો હતો. અહિ પણ મને ધમકી આપી હતી કે જો ફરિયાદ કરીશ તો તને અને તારા છોકરાવને મારી નાંખીશ. મારા ભાઇ, મારિ દિકરી સહિતના આવી ગયા હોઇ અમે ફરિયાદ કરવા ગયા હતાં. પીઆઇ કે. એન. ભુકણની રાહબરીમાં એએસઆઇ ગીતાબેન વાય. પંડ્યાએ ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવા તજવીજ કરી હતી. આરોપી પિયુષ ગોકુલધામ-૨માં રહે છે વેપાર કરે છે અને તેને એક સંતાન છે.

(2:46 pm IST)