Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

પત્નિને ગૂમ કર્યા બાદ હત્યા કર્યાની શંકાએ થયેલ ફરિયાદના ગુનામાં આરોપીની જામીન અરજી નામંજુર

આરોપી વિરૂદ્ધ ગુનો કર્યાનો મજબૂત સાંયોગીક પુરાવો છેઃ સરકારી વકીલ બિનલબેન રવેશીયા

રાજકોટ, તા. ૨૯ :. રાજકોટ જેલ હવાલે રહેલા અને મૂળ ગીર-સોમનાથ જિલ્લાના ઉના મુકામે રહેતા આરોપી મહેશ ભગવાન બાંભણીયાએ તેની પત્નિને ગૂમ કર્યા બાદ તેની હત્યા કર્યાની શંકાએ આરોપીની સાસુ દ્વારા કરવામાં આવેલ ફરીયાદના ગુનામાં આરોપી મહેશ બાંભણીયાએ જામીન પર છૂટવા કરેલ અરજીને સેસન્સ કોર્ટે રદ કરી હતી.

આ બનાવ અંગે ફરીયાદી લીલાબેન મનસુખભાઈ સોલંકી રહેવાસી ઉનાએ ફરીયાદ નોંધાવી હતી. આ ગુનામાં આરોપીની પોલીસે ધરપકડ કરીને જેલ હવાલે કરતા તેણે જામીન પર છૂટવા અરજી કરી હતી.

ફરીયાદની હકીકત મુજબ ફરીયાદી લીલાબેનના પુત્રી ગીતાબેન કે જે આ કામે ગૂમ થનાર ગીતાબેનએ મહેશભાઈ ભગવાનજીભાઈ બાંભણીયા પરણીત હોવા છતાં તેની સાથે સીવીલ મેરેજ કરેલ, બીજા લગ્ન કરેલ હોય અને મહેશભાઈના નવા બનતા મકાનના વાસ્તુના હવનમાં બેસવા તથા ગીતાબેન માટે અલગથી રસોડુ બનાવવા બાબતે ગીતાબેનને મહેશભાઈ બાંભણીયા સાથે અવારનવાર ઝઘડાઓ થતા જેથી ઉપરોકત કારણોસર ગીતાબેનને તેના પતિ મહેશભાઈ બાંભણીયા ઉનાવાળાએ આવેશમાં આવી જઈ હત્યા કરી ગીતાબેનની લાશને સગેવગે કરી પુરાવાઓ નાશ કરી ગુન્હો કર્યાની ફરીયાદ જાહેર કરી હતી.

અરજદાર/આરોપીએ જામીન પર મુકત થવા કોર્ટમાં અરજી કરેલ તેમાં સરકાર તરફે ફરીયાદીની ફરીયાદ અને પોલીસ પેપર્સ પરથી હાલના અરજદાર/આરોપીને ગીતાબેન સાથે અવારનવાર ઝઘડા થતા તેવુ સાહેદોના નિવેદન પરથી સાબિત થાય છે અને ગીતાબેન જ્યારે ગૂમ થયા ત્યારે ઘરેથી અરજદાર/આરોપીનો ફોન આવેલો અને તેને મળવા ગયેલા તેવું પણ પોલીસ પેપર્સમાંથી ખુલેલ છે અને આ બનાવ પહેલા અરજદારને ગીતાબેન મળેલા ત્યાર પછી તેઓ ઘરે પરત ફરેલા ન હતા. જેથી હાલના અરજદારની સાથે છેલ્લે જોવા મળેલ હતા ત્યારથી ગૂમ થનાર ગીતાબેનનો અત્તોપત્તો ન હતો. કેસ સાંયોગીક પુરાવાનો હોય જેથી હાલના અરજદારને જો છોડવામાં આવશે તો તે પુરાવાનો નાશ કરે તેવી શકયતા રહેલ છે તેવી દલીલ સરકારી વકીલ બીનલબેન એ. રવેશીયા દ્વારા કરવામાં આવેલ. જે માન્ય રાખી કોર્ટે જામીન અરજી રદ્દ કરી હતી. આ કામે સરકારી વકીલ બિનલબેન રવેશીયા રોકાયા હતાં.

(2:51 pm IST)