Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

હવે લડી લઇશું: રાજકોટ મેડિકલ કોલેજ અને જીલ્લાના ૩૩૦ તબિબી શિક્ષકો અને સરકારી તબિબોનું આંદોલન

૧૬મેએ સરકારે ૧૨ મુદ્દાની માંગણી મંજૂર કરતો ઠરાવ કર્યો હતોઃ છ મહિના પછી પણ ૯ મુદ્દામાં કોઇ કાર્યવાહી ન થતાં રોષ : પીડીયુ મેડિકલ કોલેજ ખાતે સુત્રોચ્ચારઃ ડીનને આવેદનઃ એડહોક સેવા વિનિમિયત કરવી, ઉચ્ચ પગાર ધોરણ, પ્રમોશન, હંગામી બઢતીને આગળ ચાલુ રાખવીઃ ૧૫ ટકા સિનિયર ટ્યુટર્સને ત્રીજા ટીકૂનો લાભ આપવો સહિતના એકેય પ્રશ્નો ઉકેલાયા નહિ : ૨૦૧૨માં મોદી સરકારે ન્યાયિક માંગણીઓ સ્વીકારી, ૨૦૨૧માં રૂપાણી સરકારે પણ માંગણીઓ સ્વીકારી...તો હવે લાભો કેમ પરત લીધા?...વહિવટી વિલંબર નહિ ચાલે...નહિ ચાલે...બેનર સાથે સુત્રોચ્ચાર : રાજ્યભરના ૧૦ હજાર તબિબી શિક્ષકો આંદોલનમાં સામેલ : નવા ઠરાવમાં મહત્તમ પગાર રૂ. ૨,૩૭,૫૦૦ ઘટાડીને ૨,૨૪,૫૦૦ કરી દેવાયોઃ પર્સનલ પેનો લાભ પણ પાછો લઇ લેવાયો

આંદોલનઃ રાજ્યના તબિબી શિક્ષકો અને સરકારી તબિબો વિવિધ પ્રશ્નોના ઉકેલની માંગણી સાથે આંદોલન પર ઉતર્યા છે. પીડીયુ મેડિકલ કોલેજ ખાતે ૩૩૦ તબિબોએ અલગ અલગ સુત્રો સાથેના બેનર્સ પ્રદર્શિત કરી, સુત્રોચ્ચાર કરી ડીન ડો. મુકેશ સામાણીને આવેદન પાઠવ્યું હતું. (ફોટોઃ અશોક બગથરીયા)

રાજકોટ તા. ૨૯: રાજ્યની સરકારી મેડિકલ કોલેજના તબિબી શિક્ષકો અને જીલ્લાના ૫ીએચસી-સીએચસીના તબિબો મળી દસ હજાર તબિબી શિક્ષકો અને સરકારી તબિબો વિવિધ પ્રશ્નો અંગે થઇ રહેલા અન્યાય સામે વધુ એક વખત આંદોલનના માર્ગે ચડ્યા છે. તે અંતર્ગત આજે રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજ ખાતે તબિબી શિક્ષકો અને જીલ્લાના આરોગ્ય કેન્દ્રના તબિબોએ એકઠા થઇ અલગ અલગ બેનર સાથે સુત્રોચ્ચાર કરી ડીનને આવેદન પાઠવ્યું હતું. બબ્બે સરકારે ન્યાયિક માંગણીઓનો સ્વીકાર કર્યા પછી પણ લાભો પરત લઇ લેવામાં આવ્યાના અને છ મહિના પહેલા ૧૨ મુદ્દાનો ઠરાવ મંજૂર કરાયો તેમાં પણ ૯ માંગણીઓમાં કોઇ જ કાર્યવાહી નહિ થયાનો આક્રોશ તબિબી શિક્ષકો-તબિબોએ વ્યકત કર્યો છે.

વિવિધ મુદ્દે થઇ રહેલા અન્યાય સામે જીએમટીએ-ગુજરાત મેડિકલ ટીચર્સ એસોસિએશન, જીએમઇઆરએસ ફેકલટી એસોસિએશન, ગિડા-ગુજરાત ઇનસર્વિસ ડોકટર્સ એસોસિએશન, જીએમએસ કલાસ-૨ એમઓ એસોસિએશનના રાજ્યભરના ૧૦ હજાર તબિબોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે. તે અંતર્ગત રાજકોટ પીડીયુ મેડિકલ કોલેજ, પીએચસી, સીએચસીના ૩૩૦ તબિબોએ આજે પીડીયુ મેડિકલ કોલેજ ખાતે એકઠા થઇ અલગ અલગ બેનર્સ પ્રદર્શીત કરી સુત્રોચ્ચાર કરી પોતાની ન્યાયી માંગણીઓ સરકાર પુરી કરે તેવી રજૂઆત કરી હતી અને ડીન ડો. મુકેશ સામાણીને આવેદન પાઠવી રજૂઆત કરી હતી.

તબિબી શિક્ષકો-સરકારી તબિબોએ રજૂઆતમા઼ જણાવ્યું છે કે તબિબી એસોસિએશન દ્વારા ગુજરાત ગવર્નમેન્ટ ડોકટર્સ ફોરમની રચના કરવામાં આવી છે અને તેના નેજા હેઠળ સંયુકતપણે આંદોલન કરશે. રાજકોટ મેડિકલ કોલેજના ૧૮૦ તબિબી શિક્ષકો અને રાજકોટ જીલ્લાના પીએચસી-સીએચસીના તાલુકા-જીલ્લાની હોસ્પિટલોના ૧૫૦ સરકારી તબિબો મળી કુલ ૩૩૦ તબિબો આંદોલનમાં જોડાયા છે.

ગત તા. ૧૬-૦૫-૨૧ના રોજ વિજયભાઇ રૂપાણીની સરકારે તબિબી શિક્ષકોની ૧૨ મુદ્દાની માંગણી મંજૂર કરતો એક ઠરાવ કર્યો હતો. તેને આજે ૬ મહિના વીતી ગયા હોવા છતાં ૯ માંગણીઓમાં કોઇ કાર્યવાહી જ થઇ નથી. આ નવ માંગણીઓમાં એડહોક સેવા વિનિમિયત કરવી, ઉચ્ચ પગાર ધોરણ આપવું, પ્રમોશન કરવા, ઉચ્ચ પગાર ધોરણ સાથે નામાભિધાન કરવું, હંગામી બઢતીને આગળ ચાલુ રાખવી, ૧૫ ટકા સિનિયર ટ્યુટર્સને ત્રીજા ટીકૂનો લાભ આપવો. સહિતના એકપણ પ્રશ્નનો ઉકેલ આરોગ્ય વિભાગ દ્વારા લાવવામાં આવ્યો નથી.

વધુમાં જણાવાયું છે કે તા. ૨૨-૧૧-૨૧ના રોજ પણ એક નવો ઠરાવ કરાયો છે. જેમાં મહત્તમ પગાર રૂ.૨,૩૭,૫૦૦થી ઘટાડી રૂ. ૨,૨૪,૫૦૦થી ઘટાડીને રૂ. ૨,૨૪,૫૦૦ કરી નાંખ્યો છે! આ જ ઠરાવમાં નરેન્દ્રભાઇ મોદીની સરકારે આપેલા પર્સનલ પેનો લાભ પણ પરત ખેંચી લેવાયો છે. તા. ૨૨-૧૧ના રોજ આરોગ્ય વિભાગ દ્વારા એક જ નંબરના ૩ ઠરાવ કરી ગુજરાતના તમામા તબિબો માટે આ મહત્તમ પગારની મર્યાદા ૨,૨૪,૫૦૦ કરી નાંખવામાં આવી છે.

આ ઉપરાંત વિજયભાઇ રૂપાણીની સરકાર વખતે મે-જુન ૨૦૨૧ દરમિયાન જીએમઇઆરએસ ફેકલ્ટી એસોસિએશન, જીઆઇડીએ, જીએમસ, કલાસ-૨ મેડિકલ ઓફિસર્સ એસોસિએશનને આપેલા એક પણ વચનો સરકારે પુરા કર્યા નથી. આ કારણે નાછુટકે તબિબી શિક્ષકો-તબિબોને આંદોલનનો માર્ગ અપનાવવો પડ્યો છે. તે અંતર્ગત આજે વિરોધ પ્રદર્શન કરી ડીનને આવેદન અપાયું છે. તબિબોએ કાળી પટ્ટી પહેરી વિરોધ પ્રદર્શન કર્યુ છે.

આગામી દિવસોમાં કેમ્પસ ધરણા, કેમ્પસ રેલી, કલેકટરને આવેદન તેમજ ત્યારબાદ ગમે ત્યારે અનિશ્ચિત મુદ્દતની હડતાલ શરૂ કરવામાં આવશે તેમ જણાવાયું છે.

(2:53 pm IST)