Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

બુધવારે પાંચ બ્રહ્મરત્નોને પરશુરામ એવોર્ડથી નવાજાશે

અભયભાઇ ભારદ્વાજની પ્રથમ વાર્ષીક પુણ્યતિથિ નિમિતે પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહ : સ્વ. અભયભાઇની ઇચ્છા હતી કે પરશુરામ એવોર્ડ આપવાની પરંપરા ચાલુ જ રહેઃ અંશ ભારદ્વાજ *પરશુરામ યુવા સંસ્થાનનો કાર્યક્રમ

રાજકોટઃ તા.૨૯, પરશુરામ યુવા સંસ્થાન રાજકોટ દ્વારા તા.૧ ડિસેમ્બર  બુધવારે સાંજે ૫.૩૦ કલાકે આત્મીય કોલેજ ઓડિટોરિયમ ખાતે બ્રહ્મ પરિવારો માટે પરશુરામ એવોર્ડ અર્પણ સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, રાજ્યસભાના પૂર્વ સાંસદ અને પ્રખર ધારાશાસ્ત્રી સ્વ. અભયભાઇ ભારદ્ધાજ દ્વારા સ્થાપિત સંસ્થા 'પરશુરામ યુવા સંસ્થાન' છેલ્લા ર૫ વર્ષથી સમાજમાં વિશિષ્ઠ પ્રદાન કરનારા તેજસ્વી વ્યકિતઓને પરશુરામ એવોર્ડ પ્રદાન કરવાની પરંપરા ધરાવે છે આ પરંપરા ચાલતી રહે તેવી સ્વ.અભયભાઈની ઇચ્છાને મૂર્તિમંત કરવાનો સંકલ્પ કરી તેઓના સુપુત્ર યુવા ધારાશાસ્ત્રી અંશભાઈ ભારદ્ધાજે પિતાની ઈચ્છાને સાકાર કરવા માટે સમાજ સેવા ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનારા બહુમુખી પ્રતિભા ધરાવતા પાંચ વ્યકિતઓને પરશુરામ એવોર્ડથી સન્માનીત કરવા આ કાર્યક્રમ યોજેલ છે.

 ઉપરોકત એવોર્ડ માટે સમાજના વિવિધ ક્ષેત્રના ચુનંદા પાંચ વ્યકિતવિશેષોને પસંદ કરવામાં આવેલા છે. આ પાંચ સામાજિક પ્રતિભાઓમાં રાજકોટ શહેરને કર્મભૂમી બનાવનારા વિશિષ્ટ વ્યકિતઓમાં સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી અને બારકાઉન્સીલ ઓફ ઈન્ડિયાના પૂર્વ વાઇસ ચેરમેન અને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતનાં પુર્વ ચેરમેન નટવરલાલ એસ. ભટ્ટને સમાજ પ્રત્યેની તેઓની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવા તેમજ બ્રહ્મસમાજના અગ્રણી, બિનવિવાદાસ્પદ વ્યકિત જેણે રાજકોટના વિકાસમાં સાતત્યપૂર્ણ પ્રદાન કરવા સાથે રાજકોટ સુધરાઈથી લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોંગ્રેસનાં કોર્પોરેટર અને વિરોધ પક્ષના નેતા તરીકે ઉત્તમ કામગીરી કરનાર ઉપરાંત સહકારી ક્ષેત્રના અગ્રણી એવા સુધીરભાઈ જોષીને, ઉપરાંત સુપ્રસિદ્ધ ન્યૂરો સર્જન તેમજ, આટકોટ ખાતે આકાર પામનાર સમગ્ર ગુજરાતનું પ્રથમ બ્રહ્મકન્યા છાત્રાલયના સ્થાપક કે જેમણે આ બ્રહ્મકન્યા છાત્રાલયનો વાર્ષિકખર્ચ પણ અંગત રીતે સ્વયં ભોગવેલ છે તેવા ડો.પ્રકાશ મોઢા, ઉપરાંત ઉદ્યોગ ક્ષેત્રે રાજકોટમાં ક્રાંતિસર્જક વિકાસની કેડી કંડારનાર ઉદ્યોગપતિ તથા સંયુકત રાષ્ટ્રસંઘ ની સંસ્થા યુનિસેફ સાથે જોડાણ કરીને આફ્રિકા ખંડના દેશોમાં વોટરપમ્પ તથા પાણીજન્ય રોગો સામે જાગૃતિ લાવવા અમુલ્ય યોગદાન આપનાર તેમજ ઈટાલીમાં યુદ્ધથી અસર પામેલા અને ઈરાક જેવા દેશોમાં વોટરપમ્પ સેટ લગાવીને ત્યાંના લોકોને પાણીની સુવિધાઓ પુરી પાડનાર તથા ભારતના તત્કાલિન રાષ્ટ્રપતિ કે.આર.નારાયણન તથા શંકરદયાળ શર્માના હસ્તે એકસપોર્ટ એવોર્ડ પ્રાપ્ત કરનાર ઉદ્યોગપતિ જયદેવ રસિકલાલ દવે (કે.રસિકલાલ વાળા બાબુલીનભાઈ) અને રાજકોટમાં શિક્ષણ ક્ષેત્રની અગ્રગણ્ય સંસ્થા લાલબહાદુરશાસ્ત્રી કેળવણી મંડળ, મહાલક્ષ્મી ફાઉન્ડેશન, જિલ્લા સ્કાઉટ ગાઈડ સંઘમાં સેવા આપનાર, મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટમાં બાલમંદિરથી લઈને એન્જીનિયરીંગ કોલેજ સુધીની ૨૬ સંસ્થાઓના સુકાની તેમજ અગ્રણી કેળવણીકાર લાભુભાઈ ત્રિવેદીના સુપુત્રી ડો.અલ્પનાબેન ત્રિવેદી કે જેઓ હેલિબેનના નામથી જાણીતા છે તેઓ સહિત વિવિધ ક્ષેત્રના આમ કુલ પાંચ વ્યકિતવિશેષોને પરશુરામ એવોર્ડ એનાયત કરીને તેઓનું બહુમાન કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં પ. પુજ્ય સંતશ્રી પરમાત્માનંદ સરસ્વતીજી, પૂ. ત્યાગવલ્લભ સ્વામીજી, પ.પુજ્ય સંતશ્રી ઘનશ્યામદાસજી મહારાજ, પ.પુ. શાસ્ત્રીજી રમેશભાઈ શુકલની પાવન નિશ્રામાં પુર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી, પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને બ્રહ્મ અગ્રણી તથા ભારદ્વાજ પરિવારના મોભી નિતીનભાઈ તેમજ સમગ્ર ભારદ્ધાજ પરિવાર દ્વારા પુષ્પાંજલિ તેમજ ગુજરાત સંગીત નાટ્ય અકાદમીના ચેરમેન પંકજભાઈ ભટ્ટની ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્રના નામી કલાકારોમાના એક એવા સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને બ્રહ્મ ગૌરવ સાંઈરામ દવે દ્વારા શ્બ્દાંજલી અર્પણ કરવામાં આવશે.

આ કાર્યક્રમમાં બ્રહ્મપરિવારોના તમામ તળગોળોના હોદેદારો, અગ્રણીઓ, કાર્યકરો તેમજ વિવિધ બ્રહ્મ સંસ્થાઓના આગેવાનોને ઉપસ્થિત રહેવા  અનુરોધ કરાયો છે.

તસ્વીરમાં પરશુરામ યુવા સંસ્થાન રાજકોટના આગેવાનો સર્વશ્રી અંશભાઇ ભારદ્વાજ મો.૯૭૨૭૪ ૭૩૭૩૦, નિરજનભાઇ દવે, સમીરભાઇ ખીરા, પંકજભાઇ દવે, યોગેશભાઇ ભટ્ટ, નિશ્ચલભાઇ જોષી, સૌરભભાઇ જોષી, જયેશભાઇ ભટ્ટ, અતુલભાઇ જોષી, અમિત જોષી, દિપકભાઇ ભટ્ઠ અને કુણાલભાઇ દવે નજરે પડે છે.

(2:59 pm IST)