Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

૧૦.૮૫ કરોડની ઠગાઇમાં મુનીરા પાનવાલા અને રિયાઝ વિછીના પાંચ દિવસના રિમાન્ડ મંગાયા

મેલી વિદ્યા કરી પરિવારને પતાવી દેવાની ધમકી પણ આપતી હતી : પંચવટી સોસાયટીના મહેશભાઇ સખીયા સાથે બ્યુટી પાર્લર સંચાલિકા મુનીરાએ પરિચય કેળવી કટકે કટકે રકમ લઇ પાછી ન આપીઃ ધર્મેશ બારભાયાની શોધઃ તે અગાઉ પીએસઆઇ પર હુમલામાં સંડોવાયો હતો

રાજકોટ તા. ૨૯: શહેરની પંચવટી સોસાયટી વિસ્તારમાં નક્ષત્ર એપાર્ટમેન્ટમાંરહેતાં કાપડના વેપારી મહેશભાઇ રણછોડભાઇ સખીયા સાથે રૂ. ૧૦ કરોડ ૮૫ લાખની ઠગાઇ અંગેનો ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાતાં આ ગુનામાં બ્યુટી પાર્લર સંચાલિકા મુનિરા શબ્બીર પાનવાલા (રહે. નૂર એપાર્ટમેન્ટ, હરિશ્ચંદ્ર સિનેમા પાછળ, ૧૭-દિવાનપરા) અને પાન મસાલાની સોપારીનો ધંધો કરતાં રિયાઝ રફીકભાઇ વિછી (રહે. રૈયા રોડ અલ્કાપુરી સોસાયટી રોડ, મુળ મેમણ કોલોની જુનાગઢ)ની ધરપકડ કરી આજે બપોરે પાંચ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાયા છે. ત્રીજા આરોપી ધર્મેશ કિશોરચંદ્ર બારભાયા (રહે. પ્રહલાદ પ્લોટ)ની શોધખોળ થઇ રહી છે.

વેપારી મહેશભાઇ સખીયાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે ચારેક વર્ષ પહેલા લગ્ન પ્રસંગમાં બ્યુટી પાર્લર સંચાલિકા મુનીરા પાનવાલા સાથે તેનો પરિચય થયો હતો. એ પછી મુનીરાએ વિશ્વાસ કેળવી બ્યુટી પાર્લરના ધંધાના વિકાસ માટે પૈસાની જરૂર છે તેમ કહી રૂ. ૬ લાખ ઉછીના લીધા હતાં. એ પછી મુનીરાએ પરદા પાછળ રહેલા પોતાના મળતીયા રિયાઝ વિછી અને ધર્મેશ બારભાયા સાથે મળી વેપારીને જુદા જુદા ધંધામાં રોકાણ કરવાથી સારો ફાયદો થશે તેવી લાલચ પણ આપી હતી અને મહેશભાઇ પાસેથી કટકે કટકે મળી રૂ. ૧૦ કરોડ ૮૫ લાખ મેળવી લીધા હતા.

મહેશભાઇએ હવે પોતાને પૈસાની જરૂર હોઇ પોતાની રકમ પાછી માંગતા મુનીરાએ પોતે મેલી વિદ્યા જાણે છે, આખા પરિવારને સાફ કરી નાંખશે તેમ કહી ધમકી આપી તેને ડરાવ્યા હતાં. એ પછી મહેશભાઇએ ડીસીબી પોલીસ મથકમાં ફરિયાદ કરી હતી. પોલીસે મુનીરા અને રિયાઝની ધરપકડ કરી પુછતાછ કરતાં મુનીરાએ રટણ કર્યુ હતું કે બ્યુટી પાર્લરના ઇન્ટીરીયર અને ભાડામાં ચુકવવામાં લાખો રૂપિયા વપરાઇ ગયા છે. કોરોના આવતાં આ ખર્ચ પણ માથે પડ્યાનું તેણે રટણ કર્યુ હતું. આ ઉપરાંત અન્ય રકમ વપરાઇ ગયાનું કહ્યં હતું. ધર્મેશ બારભાયાને ૭૫ લાખ મિલ્કત ખરીદવા આપ્યાનું અને એ પછી ૪૦ લાખ રોકડા આપ્યાનું પણ મુનીરાએ રટણ કર્યુ છે. જો કે ધર્મેશ હાથમાં આવ્યો ન હોઇ તે ઝડપાયા બાદ વધુ વિગતો ખુલશે. નોંધનીય છે કે અગાઉ પીએસઆઇ અને રાઇટરને ઘરમાં પુરી હુમલો કરાયો હતો તેમાં એક આરોપી ધર્મેશ બારભાયા પણ હતો.

સીપી, જેસીપી, ડીસીપીની રાહબરીમાં એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાના માર્ગદર્શનમાં પીઆઇ વી. કે. ગઢવી, પીએઅસાઇ એમ. એમ. ઝાલા, ધીરેનભાઇ માલકીયા, અશોકભાઇ કલાલ, કિરતસિંહ ઝાલા, સંજયભાઇ ચાવડા, મહેશભાઇ મંઢ, હિરેનભાઇ સોલંકી, ઉમેશભાઇ ચાવડા, ભગીરથસિંહ ઝાલા, જગદીશભાઇ વાંક અને દિપકભાઇ ડાંગર વધુ તપાસ કરી રહ્યા છે. બપોરે મુનીરા અને રિયાઝને પાંચ દિવસના રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાયા છે.

(3:28 pm IST)