Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

બુધવારે વોર્ડ નં. ૯ના અદ્યતન નવનિર્મિત કોમ્યુનિટી હોલની નામકરણ અનાવરણ વિધિ

પૂર્વ સાંસદ 'સ્વ. અભયભાઇ ભારદ્વાજ' નામ અપાશે : સવારે ૯.૩૦ કલાકે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાશે

રાજકોટ તા. ૨૯ : મહાનગરપાલિકા દ્વારા શહેરના વોર્ડ નં. ૯માં સાધુ વાસવાણી વિસ્તારમાં નવનિર્મિત આધુનિક કોમ્યુનિટી હોલની નામકરણ અનાવરણ વિધિ કાર્યક્રમ તા. ૧ના બુધવારે પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે યોજાશે. જેમાં કોમ્યુનિટી હોલને પ્રખર ધારાશાસ્ત્રી અને પૂર્વ સાંસદ 'સ્વ. અભયભાઇ ભારદ્વાજ'નું નામ અપાશે.

આ અંગે સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન પરેશભાઈ પીપળીયાની સંયુકત યાદીમાં જણાવે છે કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.૯માં તા.૧ સવારે ૯.૩૦ કલાકે, નવનિર્મિત કોમ્યુનિટી હોલ, વોર્ડ નં. ૯ની વોર્ડ ઓફીસ સામે, ગોપાલ ચોક, રૈયા રોડ ખાતે, નવનિર્મિત કોમ્યુનિટી હોલની નામકરણ અનાવરણ વિધી રાજયના પુર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે કરવામાં આવશે. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને મેયર ડો.પ્રદિપ ડવ ઉપસ્થિત રહેશે.

આ પ્રસંગે સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજય સભાના સાંસદ રામભાઈ મોકરીયા, ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડ ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, બક્ષી પંચ મોરચાના અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ, શહેર ભાજપ મહિલા મોરચાના પ્રભારી અંજલીબેન રૂપાણી, ડે. મેયર ડો.દર્શિતાબેન શાહ, કોર્પોરેટર અને પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, શહેર ભાજપ મહામંત્રી જીતુભાઈ કોઠારી, કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુર, શહેર ભાજપ ઉપપ્રમુખ વિક્રમભાઈ પુજારા, શહેર ભાજપ મંત્રી રક્ષાબેન વાયડા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સભ્ય જાગૃતિબેન ભાણવડીયા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, વિરોધ પક્ષ નેતા ભાનુબેન સોરાણી, દંડક સુરેન્દ્રસિંહ વાળા, વોર્ડ નં.૦૯ના કોર્પોરેટર જીતુભાઈ કાટોડીયા, આશાબેન ઉપાધ્યાય, દક્ષાબેન વસાણી, વોર્ડ પ્રભારી ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, પ્રમુખ પ્રદિપભાઈ નિર્મળ, મહામંત્રી હિરેનભાઈ સાપરીયા, વિરેન્દ્રભાઈ ભટ્ટ વિગેરે ઉપસ્થિત રહેશે.

કઇ કઇ સુવિધા

રૂ.૮.૫૧ કરોડના ખર્ચે આ અદ્યતન કોમ્યુનિટી હોલનું નિર્માણ કરવામાં આવેલ છે. આ હોલમાં ગ્રાઉન્ડ ફલોરમાં ૧૪૪૦.૦૦ ચોરસ મીટરમાં વિશાળ પાર્કીંગની સુવિધાનો સમાવેશ કરવામાં આવેલ છે. ફર્સ્ટ ફલોર તથા સેકન્ડ ફલોરમાં અંદાજીત ૭૦૦-૭૦૦ લોકોની ક્ષમતા ધરાવતો કોમ્યુનિટી હોલ જેમાં વર-વધુ માટે એટેચ ટોયલેટ સાથે અલગ-અલગ રૂમની વ્યવસ્થા તેમજ ડાઈનીંગ હોલ, સ્ટોર અને વોશિંગની સુવિધા રાખવામાં આવેલ છે. એનર્જી ઇન્ફ્રીસીયન્સી માટે એલ.ઈ.ડી. લાઈટસ, સંપૂર્ણ હવા-ઉજાશ મળી રહે, તે મુજબનું સુવ્યવસ્થિત આયોજન, એક હોલ સેન્ટ્રલી એરકન્ડીશન (એ.સી.), મોર્ડન એલીવેશન, ડીઝલ જનરેટરની વ્યવસ્થા, પેસેન્જર લીફટ ૨-નંગ તથા કિચન માટે સર્વિસ લીફટ–૧ નંગ, ડબલ પ્લમ્બીંગ સિસ્ટમ, ફાયર સેફટી સિસ્ટમ વિગેરે સુવિધા આપવામાં આવેલ છે.

અત્રે નોંધનીય છે કે, ગત તા. ૧૮ નવેમ્બરના મળેલ મનપાના જનરલ બોર્ડમાં વોર્ડ નં. ૯ના ઓફિસ સામે નવનિર્મિત કોમ્યુનિટી હોલનું 'અભય ભારદ્વાજ' કોમ્યુનિટી હોલ નામકરણ કરવાનું અરજન્ટ બિઝનેસ તરીકેની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી. આ દરખાસ્ત વોર્ડ નં. ૨ના કોર્પોરેટર મનિષભાઇ રાડિયાએ મુકી હતી. આ દરખાસ્તને ભાનુબેન બાબરીયાએ ટેકો આપ્યો હતો.

(3:34 pm IST)