Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

દબાણ હટાવવાના નામે શંકાસ્પદ 'ખેલ'

રૈયા રોડ પરથી એક ચેમ્બરમાં દશેક જેટલા ગેરકાયદે બાંધકામ? માત્ર એક જ તોડયું : કોમ્પ્લેકસમાં અપાર ગંદકીઃ આ સ્થાન પર ગેરકાયદે પ્રવૃતિની પણ આશંકા : પરીણામલક્ષી ઓપરેશન કરવા લોકોની માંગ

રાજકોટ, તા., ર૯: રાજકોટમાં મેયરે ગેરકાયદે બાંધકામ સામે ઝુંબેશ ચલાવીને ખુબ પ્રસિધ્ધી મેળવી હતી. હજુ ટ્રાફીકને અડચણ બાંધકામો તથા ગેરકાયદે પથારા ઓછા નથી થયા, પણ ઝુંબેશને બ્રેક લાગી ગઇ હોય તેમ લાગે છે.

ગેરકાયદે બાંધકામ દુર કરવાના નામે શંકાસ્પદ પ્રવૃતી ચાલી હોવાની પણ બુમ ઉઠી છે.

નાના લોકોના ગેરકાયદે બાંધકામો દુર થઇ ગયા અને મોટા માથા ગેરકાયદે બાંધકામો પર બેસીને અટ્ટહાસ્ય કરી રહયા છે.

રૈયા રોડ પર સદગુરૂ કોમ્પ્લેકસની સામે આવેલી એક ચેમ્બરમાં તો ગેરકાયદે બાંધકામ દુર કરવાના નામે આ ઝુંબેશ દરમિયાન વિચિત્ર પ્રક્રિયા જ થઇ છે. આ ઉંડી તપાસનો વિષય છે.

જાણકારો કહે છે કે, આ ચેમ્બરના પાર્કિંગ-માર્જીનમાં દશથી પણ વધારે ગેરકાયદે બાંધકામો છે અહીં મહા ઓપરેશન કરવાને બદલે તંત્રએ માત્ર એક પેઇન્ટરનું જ બાંધકામ તોડી પાડીને સંતોષ માન્યો. આ પેઇન્ટર ૪૦ વર્ષથી અહીં વ્યવસાય કરતા હતા. 

આ એકમાત્ર બાંધકામ દૂર કરીને કોર્પોરેશનના તંત્રએ પરાક્રમ કર્યુ હોય તેમ ફોટા પડાવ્યા. અન્ય ગેરકાયદે બાંધકામો હજુ અડીખમ છે. માત્ર એક જ ગેરકાયદે બાંધકામ તોડવાની ''સોપારી'' હતી ?

જાણકારો કહે છે કે, આ ચેમ્બરમાં ગંદકીનો પણ પાર નથી. અવાવરૂ જેવી જગ્યામાં થતી ગંદકી સમગ્ર વિસ્તારમાં માટે જોખમી છે. ઉપરાંત અહીં ગોરખધંધાઓ પણ ચાલતા હોવાની આશંકા ઉઠી છે. આ અંગે પણ તપાસ થવી જરૂરી છે. 

રાજકોટના આ તરવરીયા યુવા મેયરશ્રીએ  પરિણામલક્ષી સફાયો કરવો જરૂરી છે. અહીં રૂબરૂ તેઓશ્રી પધારે તો જ ચોક્કસ ખ્યાલ આવશે.

નાના માણસને ટાર્ગેટ બનાવવાને બદલે મોટા માણસોના ગેરકાયદે બાંધકામો તુટવા જોઇએ અને ગોરખધંધા કરનારાઓને સજા મળવી જોઇએ તેવી લોકલાગણી છે.

(3:34 pm IST)