Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

નવા વેરિયન્ટ સામે મનપા એલર્ટ

રાજકોટમાં વિદેશથી આવેલા ૪૨ લોકો કવોરન્ટાઇન

એરપોર્ટ પર સઘન ચેકીંગ : અમદાવાદથી આવેલા વિદેશી મુસાફરોને ઘરે જઇને શોધી ૭ દિ' હોમ કવોરન્ટાઇન કરાયા : આજે બપોર સુધીમાં '૦' કેસ : ૧૦ દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ તા. ૨૯ : કોરોના હળવો પડયો છે ત્યાં જ વિદેશમાં કોરોનાના નવા વેરિયન્ટ 'ઓમિક્રોન' એ દેખા દીધા છે ત્યારે ગુજરાત સરકારની સુચનાથી રાજકોટ મ.ન.પા. દ્વારા આ નવા વેરિયન્ટ સામે સાવચેત રહેવા રાજકોટમાં વિદેશથી આવેલા લોકોને ૭ દિવસ સુધી હોમ કવોરન્ટાઇનમાં રાખવાની વ્યવસ્થા શરૂ કરી દીધી છે જે અન્વયે આજે બપોર સુધીમાં ૪૨ લોકોને હોમ કવોરન્ટાઇન કર્યાનું જાણવા મળ્યું છે.

આ અંગે મ.ન.પા.ના આરોગ્ય તંત્રએ સત્તાવાર જાહેર કર્યા મુજબ રાજ્ય સરકારની સુચના મુજબ રાજકોટમાં વિદેશની મુસાફરી કરીને આવેલા લોકોની માહિતી મેળવી તેઓનો સંપર્ક કરી 'હોમ કવોરન્ટાઇન' કરવાની વ્યવસ્થા યુધ્ધના ધોરણે શરૂ કરાવી છે. જે અંતર્ગત એરપોર્ટ ઉપર ઉતરતાં વિદેશી પ્રવાસીઓનું સ્થળ પર મેડિકલ સ્ક્રીનીંગ કરવામાં આવી રહ્યું છે અને તેઓને ૭ દિવસ હોમ કવોરન્ટાઇન રાખવાનું શરૂ કરાયું છે.

આ ઉપરાંત અમદાવાદ એરપોર્ટ ઉપર વિદેશથી આવી અને બસ કે અન્ય વાહન મારફત વિદેશી પ્રવાસીઓને શોધીને તેઓને હોમ કવોરન્ટાઇન કરવમાં આવી રહ્યા છે. આવા ૪૨ લોકો હાલમાં હોમ કવોરન્ટાઇન છે.

બપોર સુધીમાં '૦' કેસ

મનપાની આરોગ્ય શાખાની સત્તાવાર માહિતી મુજબ શહેરમાં આજે બપોર સુધીમાં કોરોનાનો એકેય રિપોર્ટ પોઝિટિવ નહિ આવતા છેલ્લા કેટલાક દિવસથી બપોર સુધીમાં '૦' કેસ નોંધાયો છે. આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં '૦' કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૪૨,૮૭૮ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ  ૪૨,૪૧૦  દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. ગઇકાલે કુલ ૬૬૯ સેમ્પલ લેવાયા હતા. જેમાં ૨ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૪,૮૩,૭૭૪ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૮૭૮ સંક્રમીત થતા પોઝિટિવ રેટ  ૨.૮૯  ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૯૦ ટકા એ પહોંચ્યો છે.

(3:19 pm IST)