Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

નાકના મસાના ઓપરેશન બાદ ૨૫ વર્ષીય યુવાન સાગર ખટાણાનું મોતઃ તબિબી બેદરકારીના આક્ષેપ સાથે ધમાલ

મુળીના ખંપાળીયાના યુવાને રાજકોટ શાંતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઓપરેશન બાદ દમ તોડ્યોઃ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ કરાવાયું: અગાઉ માર્ચ મહિનામાં પણ એક દર્દીનું આવા જ ઓપરેશન બાદ મોત થયાનો મૃતકના સ્વજનોનું કથન

તસ્વીરમાં સાગરનો નિષ્પ્રાણ દેહ, તેનો ફાઇલ ફોટો અને જુવાનજોધ દિકરાને ગુમાવતાં શોકમય બનેલા સ્વજનો જોઇ શકાય છે. સ્વજનોએ સાગરનું મોત ડોકટરની બેદરકારીને કારણે જ થયાનો રોષ વ્યકત કરી પોલીસ તપાસની માંગણી કરી હતી.

રાજકોટ તા. ૩૦: મુળીના ખંપાળીયા ગામના રબારી યુવાન સાગર રત્નાભાઇ ખટાણા (ઉ.વ.૨૫)નું ગઇકાલે રાજકોટમાં યુનિવર્સિટી રોડ પર આવેલી શાંતિ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં નાકના મસાનું ઓપરેશન કરાયું હતું. પરંતુ ઓપરેશન બાદ તેની હાલત બગડતાં અને મોત નિપજતાં સ્વજનોએ તબિબની બેદરકારીથી મોત થયાનો આક્રોશ વ્યકત કરી હોસ્પિટલમાં ધમાલ મચાવી હતી અને ડોકટર સાથે ઝપાઝપી કરી લીધી હતી. બનાવની પોલીસને જાણ થતાં મોતનું ચોક્કસ કારણ જાણવા મૃતદેહને ફોરેન્સિક પોસ્ટ મોર્ટમ માટે ખસેડ્યો હતો. આજે સવારે પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું હતું. સ્વજનોએ આક્ષેપ કર્યો હતો કે અગાઉ માર્ચ મહિનામાં પણ આ હોસ્પિટલમાં આવા જ એક ઓપરેશનમાં રાજકોટના નવી ઘાંચીવાડના યુવાનનું મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ સાગર ખટાણાને નાકમાં મસો થયો હોઇ તેનું મા કાર્ડ દ્વારા ઓપરેશન કરાવવાનું હોઇ રાજકોટની શાંતિ હોસ્પિટલમાં નામ નોંધાવ્યું હતું. સ્વજનોના કહેવા મુજબ શનિવારે હોસ્પિટલમાંથી સાગરને ફોન આવ્યો હતો કે હાલમાં હોસ્પિટલમાં દર્દીઓ વધારે નથી તો ઓપરેશન માટે આવી જજો. આથી સાગર તેના ભાઇ મયુર સાથે શનિવારે હોસ્પિટલમાં દાખલ થતાં ગઇકાલે સોમવારે મસાનું ઓપરેશન હાથ ધરાયું હતું. સવારે નવેક વાગ્યે શરૂ થયેલુ ઓપરેશન એકાદ કલાક ચાલ્યું હતું. એ પછી સાગર થોડી વારમાં ભાનમાં આવી જશે તેમ ડોકટરે કહ્યું હતું. પરંતુ તે ભાનમાં આવ્યો નહોતો અને તેનું મોત નિપજ્યું હતું.

સ્વજનોએ આક્ષેપ કર્યો હતો કે ડોકટરે સારવારમાં બેદરકારી દાખવતાં અમારા જુવાનજોધ દિકરાનું મોત થયું છે. માત્ર મસાના ઓપરેશનમાં દર્દીની હાલત કઇ રીતે ખરાબ થઇ શકે? ટોપી સુંઘાડવામાં બેદરકારી દાખવાઇ કે પછી કંઇપણ બન્યું યુવાન દિકરાના મોતથી સ્વજનો રોષે ભરાયા હતાં અને હોસ્પિટલમાં હોબાળો મચાવી ડોકટર સાથે હાથાપાઇ કરી લીધી હતી. જેનો વિડીયો પણ વાયરલ થયો હતો.

આક્ષેપો થતાં પોલીસ પહોંચી હતી અને એ.ડી. નોંધી મૃતદેહને પોસ્ટ મોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડ્યો હતો. સ્વજનોએ ફોરેન્સિક પોસ્ટ મોર્ટમની માંગણી કરી હતી. તેમજ પોસ્ટ મોર્ટમની વિડીયોગ્રાફી કરવા પણ માંગણી કરવામાં આવતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. સ્વજનોએ વધુમાં આક્ષેપો સાથે જણાવ્યું હતું કે  અગાઉ તા. ૯-૩-૨૧ના રોજ પણ શાંતિ હોસ્પિટલમાં નવી ઘાંચીવાડના  મુકેશભાઇ દાવેરાનું પણ મસાનું ઓપરેશન કરાવ્યા બાદ તબિયત બગડતાં તેમનું મોત થયાનું સાગરના સ્વજનોએ જણાવી એ બનાવના અખબારના કટીંગ પણ રજૂ કર્યા હતાં.

મૃત્યુ પામનાર સાગર ત્રણ ભાઇમાં મોટો હતો. ડ્રાઇવીંગ કરવા સાથે ખેતી કામ કરતો હતો. તેના મોતથી અઢી માસના પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવતાં કલ્પાંત સર્જાયો હતો. યુનિવર્સિટી પોલીસ મથકના   એએસઆઇ સાજીદભાઇ ખેરાણી સહિતના સ્ટાફે તપાસ હાથ ધરી છે.

(2:45 pm IST)