Gujarati News

Gujarati News

News of Tuesday, 30th November 2021

કરીયાવર માટે પુત્રવધુને ત્રાસ આપવાના ગુનામાં સાસરીયાઓનો નિર્દોષ છૂટકારો

રાજકોટ, તા. ૩૦ :. પરણીતાને કરીયાવર માટે શારીરિક-માનસિક ત્રાસ આપવાના ગુન્હામાં તમામ સાસરીયાનો નિર્દોષ છૂટકારો અદાલતે ફરમાવેલ હતો.

અહીંના રૈયા ગામમાં આવેલ હુડકો કવાર્ટરમાં રહેતી પરણીતા જોહરામાબેનના નિકાહ રાજકોટ ખાતે જ જંગલેશ્વર વિસ્તારમાં રહેતા સુજાતભાઈ કાદરી સાથે સને ૨૦૧૧ની સાલમાં થયેલા અને આ પછી પરણીતા પોતાના સાસરામાં રહેવા ગયેલ હતી એક સંતાનની માતા થયા બાદ પતિ-પત્નિ વચ્ચે તકરાર થતા પરણીતા પોતાના માવતરે પરત ફરેલ અને તેણે (૧) પતિ સુજાત અહેમદમીયા કાદરી (૨) સાસુ ફાતીમાબેન અહેમદમીયા કાદરી (૩) જેઠાણી જોહરામાં સફીમીયા કાદરી (૪) જેઠાણી શબીના શબીરભાઈ કાદરી (૫) નણંદ સમીમબેન અકબરભાઈ બુખારી સામે રાજકોટ મહિલા પોલીસ મથકમાં સને ૨૦૧૭ની સાલમાં દહેજ ઉત્પીડનને લગતી આઈ.પી.સી.ની ભારી કલમો ૪૦૬, ૪૯૮ (ક), ૧૧૪ વિગેરે મુજબની ફરીયાદ નોંધાવેલ હતી.

આ ફરીયાદની વિગતે સાસરીયા એ એક બીજાને મદદગારી કરી દહેજ કરીયાવર માટે શારીરિક-માનસિક ત્રાસ આપી અને પહેરેલ કપડે તેને કાઢી મુકેલ હોવાની વાત ફરીયાદમાં લખાવેલ હતી. આવી સ્ત્રી અત્યાચારના ગંભીર આક્ષેપની ફરીયાદ નોંધાતા પોલીસે તાત્કાલીક સાસરીયા સામે કાયદેસર કાર્યવાહી કરી અને તપાસ હાથ ધરેલ અને પુરતા પુરાવા મળતા કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરેલ.

આ પછી આ કેસ દલીલ પર આવતા આરોપીના વકીલ શ્રી અંતાણીએ હાલનો કેસ સાબિત થતો નથી તે બાબતે લંબાણપૂર્વકની દલીલો કરેલ હતી અને તેમની તમામ દલીલોથી સહમત થઈ રાજકોટની ફોજદારી અદાલતે દહેજ કરીયાવર માટે ત્રાસ આપવાના સ્ત્રી અત્યાચારના ગંભીર પ્રકારના ગુન્હામાંથી તમામ સાસરીયાઓને નિર્દોષ છોડવાનો હુકમ ફરમાવેલ હતો.

આ કેસમાં તમામ સાસરીયા વતી રાજકોટના એડવોકેટ સંદીપ કે. અંતાણી તથા સમીમબેન કુરેશી વકીલ તરીકે રોકાયેલ છે.

(3:01 pm IST)